બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ખેડૂત આગોવાનો જ બન્યા ખેડૂતોના દુશ્મનો, આંદોલનના નામે ખીસ્સા ભરવા માંગતા હતા, હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો
Last Updated: 10:10 AM, 4 July 2026
મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે હકાભા ગઢવીએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો કે ખેડૂત આંદોલન દરમિયાન કેટલીક એવી ઘટનાઓ બની હતી જે હવે લોકો સામે લાવવી જરૂરી બની ગઈ છે. હકાભાના જણાવ્યા મુજબ, તેઓ અત્યાર સુધી મૌન રહ્યા કારણ કે તેમને લાગતું હતું કે જો તેઓ બોલશે તો આંદોલન તૂટી જશે. પરંતુ હવે સત્ય સામે લાવવું જરૂરી હોવાથી તેમણે સમગ્ર ઘટનાક્રમ જાહેર કર્યો છે. તેમણે નિલેશ એરવાડીયા પર આંદોલન કરતા ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હકાભા ગઢવીએ જણાવ્યું કે તેમણે નિલેશ એરવાડીયાને કહ્યું હતું કે જો સરકાર ચર્ચા માટે બોલાવે તો પ્રતિનિધિમંડળે મળવા જવું જોઈએ. જોકે તેમના જણાવ્યા મુજબ નિલેશ એરવાડીયાએ જવાબ આપ્યો હતો કે "એમાં આપણને શું મળે?" ત્યારબાદ હકાભાના દાવા મુજબ નિલેશ એરવાડીયાએ સરકાર સાથે વાતચીત થાય તો 25 કરોડ રૂપિયા માંગવાના હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં, સરકાર સાથે બેઠકમાં જવા માટે 2 કરોડ રૂપિયા એડવાન્સ આપવાના હોવાની પણ વાત કરી હતી. હકાભાના કહેવા મુજબ તેમને 1 કરોડ રૂપિયા આપવાની ઓફર પણ કરવામાં આવી હતી. આ વાત સાંભળ્યા પછી તેમને આખી રાત ઊંઘ આવી નહોતી અને તેમને લાગ્યું કે આ વ્યક્તિ આખી સમિતિ અને ખેડૂત આંદોલનને નુકસાન પહોંચાડશે.
ADVERTISEMENT
હકાભાએ વધુમાં જણાવ્યું કે આ વાતનો પુરાવો રહે તે માટે તેમણે ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ કર્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે, "મારે કોની પાસે જવું? એટલે મેં પ્રૂફ માટે ફોન કર્યો અને રેકોર્ડિંગ કર્યું." તેમણે સમાજને સંબોધતા કહ્યું કે જો સમાજમાં આવા "વિભીષણ" હોય તો તેમને ઓળખવા જરૂરી છે. હકાભાએ પોતાના તમામ આક્ષેપો જાહેર કરતાં કહ્યું કે તેઓ ખેડૂત હિત માટે જ આંદોલનમાં જોડાયા હતા અને સત્યની લડાઈ લડી રહ્યા હતા.
ADVERTISEMENT
હકાભા ગઢવીએ જણાવ્યું કે 21 જૂને તેમને એલિસભાઈએ બોલાવ્યા હતા અને ત્યારથી તેઓ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમણે આ સમગ્ર ઘટનાક્રમમાં એકપણ રૂપિયા લીધા નથી. જેતપરના ખેડૂતો અને સ્થાનિક લોકોએ તેમને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું અને બીજા દિવસે પણ તેઓ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ત્યાં ગયા હતા. જોકે ત્યારબાદ તેમને એવી ચર્ચાઓ સાંભળવા મળી કે તેઓ ભાજપના માણસ છે અને આંદોલનને વિખેરવા માટે હકાભા ત્યાંથી ખસી ગયા છે.
હકાભા ગઢવીએ આંદોલન મામલે કેટલાક ખુલાસા કર્યા છે, નિલેશ એરવાડિયા સહિતના ખેડૂત આગેવાનો પર ગંભીર આરોપો લગાવ્યા#HakabhaGadhvi #FarmersProtest #NileshAervadiya #GujaratPolitics #FarmerNews #VTVDigital pic.twitter.com/Pm6150BOr4
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
ADVERTISEMENT
આ આક્ષેપોનો જવાબ આપતા હકાભાએ જણાવ્યું કે તેઓ પોતાની ઈચ્છાથી ખસ્યા નહોતા, પરંતુ તેમને ત્યાં જવા દેવામાં આવતા નહોતા. તેમના જણાવ્યા મુજબ, જો તેઓ ત્યાં જાય તો આંદોલન પર તેની અસર થઈ શકે તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે 23 જૂને તેઓ ફરી એકવાર મળવા માટે ગયા હતા. તે સમયે નિલેશ એરવાડીયા તેમની ગાડીમાં બેઠા હતા અને લગભગ બે કિલોમીટર સુધી પેટ્રોલ પંપ સુધી તેમની સાથે આવ્યા હતા. ત્યારબાદ બંનેની ગાડીઓ અલગ રાખવાની વાત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : PM મોદી આજે ગુજરાત પ્રવાસે, સાણંદ, ધોલેરા, સુરતમાં લોકાર્પણ કાર્યક્રમો
હકાભા ગઢવીના આ દાવાઓ બાદ જેતપર ખેડૂત આંદોલનને લઈને ચર્ચાઓ વધુ તેજ બની છે. તેમના દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને રજૂ કરાયેલા દાવાઓને લઈને હવે વિવિધ સ્તરે ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે સંબંધિત પક્ષો તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર છે, કારણ કે આ મુદ્દો ખેડૂત આંદોલન સાથે જોડાયેલો હોવાથી તેના આગામી વિકાસ પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.