બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:20 AM, 21 February 2025
માતૃભાષાની સરળ સમજણ એ છે કે બાળકને માતા તરફથી મળેલી ભાષા છે. પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા છે. જે ભાષામાં વિચારી શકાય, લાગણી પ્રદર્શિત કરી શકાય. માતૃભાષાનો સરળ અર્થ એ છે કે જે ભાષા બાળક તેની માં પાસેથી શીખે છે તે. જે ભાષામાં વ્યક્તિ પોતાની લાગણી અભિવ્યકત કરે છે તે. જો વાત કરીએ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીની તો ઘણા સમયથી એવી ફરિયાદ ઊભી થઈ છે કે ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષાની શાળાઓ બંધ થઈ જાય છે અને આજની પેઢીના બાળકોને ગુજરાતી લખતા-વાંચતાં પણ આવડતું નથી. તો આજના દિવસે આપણે એટલો પ્રયત્ન જરૂર કરીએ આપણા પરિવારમાં આજની પેઢીને ગુજરાતી ભાષા બોલતા અને વાંચતાં આવડે તેવી કરી.
ADVERTISEMENT
દર વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે
ભાષા એ લોકો સાથે વાતચીત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે અને આ માટે દર વર્ષે 21મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વભરના લોકોમાં તેમની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે રુચિ પેદા કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે. જેથી લોકોને તેમની માતૃભાષા બોલવામાં શરમ ન આવે પરંતુ ગર્વ અનુભવાય.
ADVERTISEMENT
યુનેસ્કો એ આ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની શરૂઆત યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999 ના રોજ કરવામાં આવી હતી અને 2000 માં 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું. લોકોમાં પ્રેમ, જાળવણી અને ભાષાના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશે કરી અલગ ભાષાની માંગ
1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન સરકારની ભાષા નીતિ સામે વિરોધ કર્યો અને બંગાળી ભાષામાં શિક્ષણની માગ કરી, જવાબમાં સરકારે દમનકારી નીતિ અપનાવીને આંદોલનને કચડી નાંખવા પ્રયાસ કર્યો જેમાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. અલગ બાંગ્લાદેશના સર્જન બાદ બાંગ્લાદેશ સરકારે 21 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ માતૃભાષા તરીકે ઉજવાય એના પ્રયાસરૂપે સંયુક્ત રાષ્ટ્રને પ્રસ્તાવ મોકલ્યો. અંતે વર્ષ 2000થી 21 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ તો વાત બાંગ્લાદેશની હતી અને કદાચ ગુજરાતે કે ગુજરાતીએ પોતાની ભાષાને જીવતી રાખવા કોઈની સામે પડવાની જરૂર પણ નથી પરંતુ બાંગ્લાદેશની એ ચળવળને નજર સામે રાખીને એ વિચારવું ચોક્કસ પડે કે આપણે આપણી ભાષા પ્રત્યે સંવેદનશીલ છીએ કે નહીં. દાયકાઓ પહેલા એ વિદ્યાર્થીઓ માતૃભાષામાં ભણતર મળે એના માટે જીવનું બલિદાન દેવા તૈયાર થઈ ગયા.
ADVERTISEMENT
ત્યારે આપણે આપણા બાળકોને ગુજરાતી માધ્યમની શાળામાં ભણાવવા ભલે જીવ ન આપીએ પણ ઈચ્છુક છીએ ખરા. અંગ્રેજીની આવડતને હોશિયારી તરીકે જોવાનો માપદંડ ગુજરાતી તરીકે ગર્વ કરવામાં નડી જાય છે કે નહીં. ભાષાકીય પૂર્ણતાની દ્રષ્ટિએ અંગ્રેજી કરતા જે ભાષા આગળ છે તેનું મહત્વ ગુજરાતી તરીકે આપણને જ સમજતા કેમ વાર લાગે છે. ગુજરાતી સાહિત્ય અને ફિલ્મોની ગૂંજ વૈશ્વિક સ્તરે સંભળાવવી જોઈએ એટલી નથી સંભળાતી? દર વર્ષે આપણી માતૃભાષા ગુજરાતી લુપ્ત થઈ જશે એવી બૂમ ઉઠવા પાછળના કારણો શું છે અને તેમા દમ કેટલો છે?
ભારતમાં કેટલી માતૃભાષાઓ છે?
ADVERTISEMENT
2011ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ ભારતમાં માતૃભાષાની કુલ સંખ્યા 19 હજારથી વધુ છે. જો કે આમાંથી 121 ભાષાઓ એવી છે જે 10 હજારથી વધુ લોકો બોલે છે. આ સમયગાળા દરમિયાન એ વાત પણ સામે આવી છે કે ઘરના સભ્યોની માતૃભાષા અલગ હોઈ શકે છે.
વધુ વાંચો: પાયલ હોસ્પિટલ CCTV કાંડ મામલો, આરોગ્ય તંત્રએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો
ADVERTISEMENT
આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અમુક જાણીતી ગુજરાતી પંક્તિઓ જે આપણા ગુજરાતીપણાને છતું કરે છે.
“એ વિચારે ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બન્ને છે ગુજરાતી”
- કવિ નર્મદ
"એના કરતા હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું.?"
- હરદ્વાર ગોસ્વામી
"હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે.!"
- રમેશ આચાર્ય
"દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે;
તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે.!"
- હરદ્વાર ગોસ્વામી
"સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી."
– ઉમાશંકર જોષી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.