બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / ઈન્દિરા ગાંધી પર પહેલવહેલો હુમલો ગુજરાતી યુવકે કર્યો હતો! પણ હત્યા કરી એ બિઅંતસિંહના પુત્રને તો શીખ સમુદાયે આજેય સાંસદ બનાવ્યા, જાણો એ આખરી ક્ષણો વિશે
Vikram Mehta
Last Updated: 02:08 PM, 1 November 2024
તારીખ: 31 ઓકટોબર,1984
સમય: સવારના 9:00 કલાક
ADVERTISEMENT
એ ઠંડી સવારે ફળ અને ટોસ્ટના બ્રેકફાસ્ટ બાદ દિલ્હી સ્થિત પોતાના નિવાસ- 1, સફદરજંગ રોડથી પાસેની અકબર રોડ પર સ્થિત ઓફિસ જવાના ઘુમાવદાર રસ્તા પરથી તેઓ પોતાની લાક્ષણિક ઠસ્સાદાર ચાલે નીકળ્યા.
સૂરજના તાપથી બચાવવા માટે એક પોલીસમેન માથે છત્રી ધરીને સાથે ચાલી રહ્યો છે. એમની પાછળ અંગત સહાયક ચાલી રહ્યા છે. પાછળ સુરક્ષામાં તૈનાત પોલીસ સબ ઇન્સપેક્ટર ચાલી રહ્યા છે. આછા કેસરી રંગની સાડી, પગમાં બ્લેક સેન્ડલ અને ખભે લટકાવેલી ટ્રેડિશનલ બેગ એમની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. જાજરમાન અને શોભાયમાન લાગતા એ મહિલા ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા.
ADVERTISEMENT
રોજના ક્રમ પ્રમાણે ઇન્દિરા ગાંધી ઝાડીઓની કતારો, લીલીના ફૂલોથી સુંદર ભાસતા તળાવ અને બગીચાને પાર કરતા અકબર રોડ સ્થિત ઓફિસ તરફ લઇ જતા પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યા. અહીંથી ઇન્દિરા ગાંધી રોજ પસાર થતા હતા. જ્યારે ઇન્દિરા નાના ગેટ પાસે પહોંચ્યાં તો સબ ઇન્સપેક્ટર બિઅંતસિંહ ત્યાં હાજર હતો. ઇન્દિરાએ હંમેશની જેમ નમસ્તેનું અભિવાદન કર્યું. બિઅંતસિંહે પ્રત્યુતરને બદલે પોતાની રિવોલ્વર તાકી..
‘ક્યા કર રહે હો તુમ?’ અવાક થઇ ગયેલા ઇન્દિરાએ કહ્યું.
ક્ષણભરનો સન્નાટો઼ અને પછી જવાબને બદલે…
ADVERTISEMENT
ધાંય…ધાંય…ધાંય…ધાંય…ધાંય…પાંચ ગોળી સામે તકાયેલી બિઅંતસિંહની રિવોલ્વરમાંથી છૂટી. બીજી તરફ લોનમાંથી બિઅંતસિંહનો સાથી સતવંતસિંહ આવ્યો. ગભરાટના માર્યા સતવંતસિંહના પગ જમીન સાથે ચોંટી ગયા. એક ક્ષણ માટે થીજી ગયો સતવંતસિંહ. ત્યાં જ બિઅંતસિંહ ચિલ્લાયો: સતવંત ગોલી ચલા. સતવંતસિંહે સ્ટેનગનમાંથી પચ્ચીસ ગોળીઓ ધરબી દીધી...
એક સમયે જેના નામની હાક વાગતી હતી, 1971માં પાકિસ્તાનના બે ફાડીયા કરવાની નેતૃત્વ શકિત જેમનામાં હતી, કોંગ્રેસના જૂના જોગીઓને માત કરીને વડાપ્રધાન બનવાની તાકાત જેમનામાં હતી, ભારતની રાજનીતિમાં જેમના બે દાયકા સુધી વાવટા ફરકતા રહ્યા, એ ઇન્દિરા ગાંધીનું ગોળીઓથી ચાળણી બની ગયેલું શરીર લોહીના ખાબોચિયામાં ફસડાઇ પડ્યું. બીજા દિવસે દેશભરના અખબારોના મથાળે સમાચાર છપાયા: ઇન્દિરા ગાંધીની પોતાના જ શીખ અંગરક્ષકોના હાથે ગોળી મારીને હત્યા'. આખા દેશમાં આક્રોશ અને દુ:ખનું મોજુ ફરી વળ્યું..
ADVERTISEMENT
તારીખ 4 જૂન, 2024
લોકસભા ચૂંટણીની પરિણામ તારીખ. પંજાબની ફરિદકોટ બેઠક પરથી ઉભેલા એક અપક્ષ ઉમેદવારે બધાય પક્ષોના ઉમેદવારોને પછાડીને જીત અંકે કરી હતી. કોઇ પણ પક્ષના ટેકા વગર માત્ર પોતાના પિતાના નામ પર એ ઉમેદવારે ચૂંટણી લડી અને જીતી પણ ખરી. એ ઉમેદવાર બીજો કોઇ હોત તો કદાચ આ વાત સામાન્ય કહી શકાય પણ એ ઉમેદવાર જ્યારે દેશના ભૂતપુર્વ વડાપ્રધાનના હત્યારાનો દીકરો હોય ત્યારે આ ઘટના ધ્યાન ખેંચે છે. એ ઉમેદવાર એટલે સરબજીતસિંહ અને એના પિતાનું નામ બિઅંતસિંહ.
આજે એ દિવસ છે જ્યારે ઓપરેશન બ્લુ સ્ટારની કિંમત ઇન્દિરા ગાંધીએ શીખ અંગરક્ષકોની ગોળીએ જીવ ગુમાવીને ચૂકવી હતી. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. ઇન્દિરાના હત્યારા સતવંતસિંહને ફાંસી થઇ. એના સાથી બિઅંતસિંહને સ્થળ પર જ ઠાર કરવામાં આવ્યો.
ADVERTISEMENT
ચંદ્રકાંત બક્ષી મહંમદ અલી ઝીણાના સંદર્ભે કહેતા કે, તમારો ખલનાયક મારો નાયક(હીરો) હોઇ શકે છે. દેશના એક મોટા વર્ગની નજરે બિઅંતસિંહ ખલનાયક છે તો એક બીજા વર્ગની આંખમાં નાયક છે!
‘અમને લાગ્યું કે ફટાકડા ફૂટી રહ્યા છે!’
ઇન્દિરા ગાંધીનો એક અતિવ્યસત દિવસ હતો તારીખ 31 ઓકટોબરનો દિવસ. વડાપ્રધાનની ઓફિસ બહાર લોનમાં બ્રિટનના પ્રખ્યાત અભિનેતા, નાટ્યકાર પીટર ઉસ્તિનોવ અને તેમની ટીમ ઇન્દિરાના વીડિયો ઇન્ટરવ્યૂ માટે રાહ જોઇ રહ્યા હતા. બપોરે બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી જેમ્સ કૈલેહન સાથે મુલાકાત ગોઠવાઇ હતી. અને રાત્રે બ્રિટન પ્રિન્સેસ એન સાથે ડીનરનું આયોજન થયું હતું. પીટર ઉસ્તિનોવની ટીમ માઇક અને કેમેરા સેટઅપ કરી રહી હતી ત્યાં અચાનક જ વાતાવરણની શાંતિને ચીરતા એક પછી એક ત્રણ ગનશોટ્સના અવાજ સંભળાયા. દીવાળીનો સમય હોવાથી ફટાકડા ફૂટતા હોવાનું સૌએ અનુમાન લગાવ્યું. પણ થોડી જ વારમાં ધાણીફૂટ ગોળીબારીના અવાજે સૌને ચોંકાવી દીધા. હુમલાખોરોએ ઇન્દિરાના બચવાની એક પણ તક છોડી નહોતી!
ADVERTISEMENT
‘મારે જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું છે’
ગોળીબારીથી હતપ્રત બનેલા ઇન્દિરાના સહાયક આર. કે ધવન અને અન્ય સુરક્ષાકર્મી લોહીથી લથપથ ઇન્દિરા ગાંધીને સંભાળવા માટે આગળ આવ્યા. સોનિયા ગાંધીને પણ શરુઆતમાં ફટાકડા ફૂટતા હોવાની ગેરસમજ થઇ હતી. પણ સતત ગોળીબારીને કારણે સોનિયા ગાંધી દોડીને બહાર આવ્યા અને જોયું તો છેલ્લા કેટલાય સમયથી સેવાતી અમંગળની આશંકા સાચી પડી હતી. ઇન્દિરાના આખા શરીરમાં બુલેટ્સ ધરબી દેવામાં આવી હતી. સમયના કાંટા એક ક્ષણ માટે થીજી ગયા હતા. હાજર સૌ કોઇ સુન્ન હતા. પણ બિઅંતસિંહ અને સતવંતસિંહના ચહેરા પર અફસોસની એક રેખા સુદ્ધા જોવા મળતી ન હતી. બિઅંતસિંહે પંજાબીમાં કહ્યુ, ‘મારે જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું છે તમારે જે કરવાનું હતું એ તમે કરી શકો છો!. ઇન્દિરા ગાંધીના ઘરની સુરક્ષામાં તૈનાત ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના જવાનોએ બિઅંતસિંહને ઠાર કર્યો.
એમ્બયુલન્સનો ડ્રાઇવર ચા પીવા જતો રહેલો!
ઇન્દિરાને હોસ્પિટલ લઇ જવા માટે કમનસીબે એમ્બયુલન્સની પણ વ્યવ્સથા થઇ ન શકી. કઠણાઇ તો જુઓ કે એમ્બયુલન્સનો ડ્રાઇવર વળી એ દિવસે ગેરહાજર હતો. ચા પીવા માટે ક્યાંક બહાર જતો રહેલો એટલે એની રાહ જોવાને બદલે સહાયક આર.કે ધવન, સુરક્ષાકર્મી દિનેશ ભટ્ટ અને સોનિયા ગાંધીએ એમ્બેસેડર કારમાં પાછલી સીટ પર ઇન્દિરાને સુવડાવ્યા. સોનિયા ગાંધી સાસુ ઇન્દિરાનું માથુ ખોળામાં રાખીને બેઠા હતા. ગંભીર રીતે ઝખમી થયેલા ઇન્દિરા ગાંધીને તાત્કાલિક એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
‘મારા રક્તની એક એક બુંદ ભારતને શક્તિશાળી અને ઉર્જાવાન બનાવશે’
લોહી દેવાની હુંસાતુંસી
એઇમ્સમાં જેવા ઇન્દિરા ગાંધીને લાવવામાં આવ્યા એટલે સિનીયર ડોકટરો હાંફળા ફાંફળા થતા દોડી આવ્યા અને ઇન્દિરાને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યા. આ દરમિયાન ઇન્દિરા ગાંધી પર ગોળીબારી થઇ હોવાના સમાચાર ફેલાઇ ગયા હતા. એઇમ્સની બહાર ઇન્દિરાના સમર્થકોની ભીડ ઉમટી રહી હતી. પુષ્કળ માત્રમાં લોહી વહી જવાના કારણે ઇન્દિરાને લોહીની જરૂરિયાત હતી. હોસ્પિટલ ઓથોરિટીએ એક તબક્કે રક્તદાન માટે પબ્લિક અપીલ કરવી પડી. ઇન્દિરાને પહેલું લોહી કોણ આપે એ બાબતે હોસ્પિટલ બહાર ઉભેલા ઇન્દિરાના સમર્થકો વચ્ચે હુંસાતુંસી થઇ અને ભાગદોડનો માહોલ સર્જાયો.
‘અમે ખેદપૂર્વક ઇન્દિરા ગાંધીના મૃત્યુની ઘોષણા કરીએ છીએ’
સરકારી સંસ્થા આકાશવાણી પર ઇન્દિરા ગાંધીની હત્યાની ઘોષણા થઇ ન હતી. રાજીવ ગાંધીની શપથવિધિની થોડી મિનિટો પૂર્વે કાંપતા સ્વરમાં ઔપચારિક ઢબે ઘોષણા થઇ: ‘અમે ખેદપૂર્વક ઇન્દિરા ગાંધીના મૃત્યુની ઘોષણા કરીએ છીએ’
પણ એ પહેલા બીબીસી રેડિયોએ આ સમાચાર પ્રસારિત કરી દીધા હતા એટલે ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચાર જંગલમાં લાગેલા દાવાનળની પેઠે ફેલાઇ ગયા હતા. બીબીસી પર આ કાળમુખા સમાચાર સાંભળનારા લાખો ભારતીયો પૈકી એક હતા ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી. જેઓ એ સમયે પશ્ચિમ બંગાળના કોલકોતામાં પાર્ટી માટે કેમ્પેઇન કરી રહ્યા હતા. માતાનો રાજકીય વારસો સંભાળવા માટે ઘડાઇ રહેલા રાજીવ ગાંધીને કલ્પના પણ નહોતી કે આ જ દિવસે એમના નસીબમાં વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કરવાનું લેખાયું છે!
રાજીવ ગાંધી વડાપ્રધાન બને છે!
ઈન્દિરાના પુત્ર અને ઉતરાધિકારી રાજીવ ગાંધીને દિલ્હી પહોંચવામાં થોડો સમય લાગ્યો. રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ પણ ત્યારે યમનમાં હતા. તેઓ પણ તાત્કાલિક દિલ્હી દોડી આવ્યા. બંધારણીય પ્રક્રિયા મુજબ ચાલુ કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રીનું મૃત્યુ થાય તો તત્કાલિક એમના ઉતરાધિકારીને શપથ ગ્રહણ કરવા પડે છે. 31 ઓકટોબરની સાંજે પોણા સાત કલાકે રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદના શપથ લીધા!
‘અમને કશી જ ખબર ન હતી કે…’
આ આખો ઘટનાક્રમ ઘટી રહ્યો હતો ત્યારે બિઅંતસિંહનો પરિવાર શું કરી રહ્યો હતો? એ દિવસની યાદને ફંફોસતા સરબજીતસિંહ થોડું વિચારીને કહે છે, ‘એ સમયે હું માત્ર છ વર્ષનો હતો. એ દિવસની સ્મૃતિ તો ખાસ યાદ આવતી નથી. પણ એટલી જરૂર ખબર છે કે એ દિવસે ફાધર રોજના ક્રમ મુજબ ફરજ પર જવા માટે ઘરેથી નીકળ્યા હતા. રોજના જેવો જ એક સામાન્ય દિવસ હતો. મારા મધરને પણ એમના આગામી પ્લાન વિશે કાંઇ ખબર ન હતી. એ સમયે હું સ્કૂલમાં હતો. મને કોઇક બહાનું કાઢીને ઘરે લઇ જવામાં આવ્યો ત્યારે છેક ખબર પડી કે શું થયું છે’
‘મારી માતાએ કહ્યું કે…’
સરબજીત સિંહ આગળ કહે છે, ‘જ્યારે ઇન્દિરા પર ગોળીઓ ચાલી ત્યારે માતાજી બિમલ કૌર નર્સ હતા એટલે હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા હતા. બે પોલીસ અધિકારીએ જ્યારે આવીને મારી માતાને સમાચાર આપ્યા ત્યારે મારી માતા એક ક્ષણ માટે તો શોક થઇ ગયા. એમણે પોલીસવાળાઓને પુછ્યું કે એ (બિઅંતસિંહ) ઇન્દિરાની સાથે જ હોય છે એમને તો કાંઇ થયું નથી ને!’
બિઅંતસિંહના દીકરા અને ફરિદકોટના વર્તમાન સાંસદ સરબજીતસિંહ ખાલસા
જાંબાઝ પોલીસ અધિકારી હતા મારા પિતા!
બિઅંતસિંહ છેલ્લા નવ વર્ષથી ઇન્દિરા ગાંધીના બોડીગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. ઇન્દિરાના વિદેશ પ્રવાસમાં પણ બિઅંતસિંહ ઇન્દિરાની સુરક્ષામાં તૈનાત રહેતો. બિઅંતસિંહ વિશે વાત કરતા એમના દીકરા સરબજીતસિંહના અવાજમા ગૌરવનો રણકો સંભળાય છે. તેઓ કહે છે, ‘મારા પિતા બિઅંતસિંહનો જન્મ ચંડીગઢના મલોયા નામના એક ગામમાં થયો હતો. મારા દાદા સચ્ચાસિંહ પણ સાંસદ હતા. મારા પિતા પોલીસ દળમાં લેખિત પરીક્ષા પાસ કરીને પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે જોડાયા હતા. પોલીસ દળમાં ફરજકાળ દરમિયાન એમણે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી હતી. ચોર-ડાકૂની ટોળકીને ઝબ્બે કરી હતી. એમની આ બહાદુરી બદલ એમને પ્રશંસાના પ્રમાણપત્રો પણ એનાયત થયા હતા. આ પ્રમાણપત્રો આજે પણ મારી પાસે સચવાયેલા છે’
દિવાળી પર હેન્ડગ્રેનેડ ફેંકવાનો કારસો
જોકે બિઅંતસિંહ આ બહાદુર મિજાજનો અવળે માર્ગે ઉપયોગ કરવાનો છે એની કોઇને કલ્પના સુદ્ધા ન હતી. પણ બિઅંતસિંહના મનમાં ઓપેરશન બ્લુ સ્ટારનો બદલો લેવાનું ભુત સવાર હતું. વરિષ્ઠ પત્રકાર સાગરીકા ઘોષ પોતાના પુસ્તક ‘ઇન્દિરા: ઇન્ડીયાઝ મોસ્ટ પાવરફૂલ પ્રાઇમ મિનિસ્ટર’માં લખે છે એ પ્રમાણે સતવંતસિંહ અને બિઅંતસિંહ ઇન્દિરા ગાંધીના પરિવાર સાથે બહુ નજીકથી જોડાયેલા હતા. ત્યાં સુધી કે બંનેએ રાહુલને બેડમિન્ટન રમતા પણ શીખવ્યું હતું. રાહુલને એકવાર પુછ્યું પણ હતું કે ઇન્દિરા ગાંધી ક્યાં સુએ છે. એમની સુરક્ષા વ્યવ્સથા કેવી છે... બંનેએ રાહુલને જો કોઇ પણ હેન્ડગ્રેનેડ બોમ્બ ફેંકે તો જમીન પર સુઇ જવાની સલાહ આપી હતી. દિવાળી દરમિયાન સતવંત અને બિઅંત ઇન્દિરા પર હેન્ડગ્રેનેડ ફેંકવાની ફિરાકમાં હતા.
શું આપણે બિનસાંપ્રદાયિક નથી?
ઓપરેશન બ્લુ સ્ટારની કાર્યવાહી બાદ શીખ ઉગ્રવાદીઓમાં બદલાની આગ ભભૂકી ઉઠી હતી. સતવંતસિંહ અને બિઅંતસિંહ બંને કેટલાક શીખ ઉગ્રવાદીઓ સાથે સંબધ ધરાવતા હતા. ઇન્દિરા ગાંધી પર મંડરાયેલા ખતરાથી IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) સારી રીતે વાકેફ હતી. RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના ડાયરેકટર પદેથી નિવૃત થયેલા સુપરસ્પાય રામેશ્વરનાથ કાઓને બોલાવીને ઇન્દિરાની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. કાઓએ ઇન્દિરા ગાંધીની સુરક્ષામાં તૈનાત શીખ અંગરક્ષકોને લઇને વારંવાર ચેતવણી આપી હતી અને શીખ અંગરક્ષકોને સિક્યોરિટી ટીમમાંથી દૂર કરવાની પ્રપોઝલ મુકી હતી. જોકે આ ચેતવણી કાને ધરવાને બદલે ઇન્દિરાએ કહ્યુ, ‘શું આપણે બિનસાંપ્રદાયિક નથી?’
‘મારુ પેટ ખરાબ છે એટલે...’
આ મામલાની ગંભીરતા જોતા બિઅંતસિંહની દિલ્હી આર્મ્ડ ફોર્સમાં ટ્રાન્સફર કરવામાં આવી તો બિઅંત સીધો ઇન્દિરા ગાંધી પાસે પહોંચી ગયો અને ટ્રાન્સફર અટકાવી લીધી. આખરે રામેશ્વરનાથ કાઓએ ઇન્દિરા ગાંધીની જીદ સામે નમતુ જોખ્યુ અને વચલો રસ્તો કાઢતા એવો નિર્ણય લીધો કે કોઇ પણ એકથી વધારે શીખ અંગરક્ષકોને એક સાથે ઇન્દિરાની ઓફિસ કે ઘરના સ્થળે સુરક્ષામાં મુકવામાં ન આવે.
જોકે આર.એન. કાઓના આદેશ છતા પણ ‘પોતાનું પેટ ખરાબ હોવાના કારણે બહાર ડયુટીને બદલે ઇન્દિરાના આવાસ સ્થળની અંદર જ ડ્યુટી સોંપવામાં આવે’ એવું બહાનું કાઢીને સતવંતસિંહે ઇન્દિરાના આવાસ સ્થળ પર જ બિઅંતસિંહની પાસે ડ્યુટી લઇ લીધી. કંઇક અંશે ઇન્દિરા ગાંધીની ગફલતે પણ સતવંતસિંહ અને બિઅંતસિંહની મેલી મંછાને પાર પાડવામાં મદદરૂપ ભૂમિકા ભજવી હતી!!
ઇન્દિરા ગાંધીનો હત્યારો બિઅંતસિંહ
‘મેં પિતાના નામ પર ચૂંટણી જીતી, શીખ સમુદાયના હીરો છે મારા પિતા’
જોકે બિઅંતસિંહ લોકો માટે ઇન્દિરાનો હત્યારો હોઇ શકે પણ દીકરાની આંખે બિઅંતસિંહની છબી હીરોની છે. પિતાને આજે કંઇ રીતે જુઓ છો અને મુલવો છો? એવો સવાલ પુછીએ ત્યારે સરબજીત સિંહ કહે છે, ‘શીખ સમાજ માટે એમણે જે શહાદત વહોરી છે એને શીખ લોકો આજે પણ સન્માનની દૃષ્ટિએ જુએ છે. એમનો શીખ સમુદાયમાં પ્રભાવ વર્તાય છે. શીખ સમુદાયની મારા પિતાજી પ્રત્યે કેટલી લાગણી હશે એનો અંદેશો તમે એ વાત પરથી મેળવી શકો છો કે ચાલીસ વર્ષ બાદ મને અહીંના લોકોએ સાંસદ તરીકે ચૂંટી કાઢ્યો છે. એ મારા પિતા પ્રત્યેના સન્માનની દેણ છે. મેં કોઇ પક્ષમાં જોડાયા વગર માત્ર મારા પિતાના નામ પર જ આ ચૂંટણી લડી હતી. આનાથી વિશેષ બીજું શું હોઇ શકે’
ભિંડરાનવાલેના પિતાએ મારી માતાને ચૂંટણી લડાવી
રાજકારણમાં પ્રવેશ પાછળના કારણમાં માતાની પ્રેરક ભૂમિકા હોવાનું જણાવતા સરબજીતસિંહ કહે છે, ‘મારી માતા બિમલ કૌરે રોપર બેઠક પરથી ચૂંટણી લડી હતી. શીખ નેતા જરનૈલસિંહ ભિંડરાનવાલેના પિતાએ મારી માતાને ચૂંટણી લડાવી હતી’
બે ટંક રોટીના પણ ફાંફા
બિઅંતસિંહના ગયા પછીના જીવન વિશે જણાવતા સરબજીતસિંહ કહે છે, ‘પિતા બિઅંતસિંહના ગયા પછી તો અમારા માટે જીવન બહુ દુષ્કર બની ગયું હતું. 1989માં માતા સાંસદ બન્યા ત્યારે થોડો સારો સમયગાળો આવ્યો હતો. બાકી જીવનમાં ખુબ મુશ્કેલીઓ આવી છે. 1991થી લઇને 2008 સુધી અમે કેવો સમયગાળો જોયો છે એ હું તમને જણાવી નથી શકતો. વીજળીના બિલ ભરવાના પૈસા ન હતા. બે ટંક જમવાના પણ ફાંફા હતા’
બિઅંતસિંહનો સાથી સતવંતસિંહ
શીખ રમખાણ, માતાને જેલવાસ
તીન મૂર્તિ ભવનમાં તિંરંગામાં લપેટાયેલા ઇન્દિરા ગાંધીના શબના દર્શન માટે જનસૈલાબ ઉમટી પડ્યો હતો. ઇન્દિરા ગાંધી અમર રહેના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. શોકગ્રસ્ત ભીડમાંથી એક બૂમ સંભળાઇ: ખૂન કા બદલા ખૂન સે લેંગે અને દિલ્હીમાં શીખ કત્લેઆમની લહેર ઉઠી. એ દિવસે સાંજે શીખોની કત્લેઆમનો દૌર શરુ થઇ ગયો હતો. બસો અને રેલમાંથી શીખોની ચામડી પર તેલ લગાડીને કે ગળામાં ટાયર નાખીને જીવતા સળગાવવામાં આવી રહ્યા હતા. પાઘડીધારી શીખોને ઓળખીને તલવારોથી એમના ગળા કાપી નાખવામાં આવી રહ્યા હતા. આ રમખાણોની સરબજીતસિંહના પરિવાર પર શું અસર થઇ? સરબજીતસિંહ કહે છે, ‘શીખ રમખાણોની અસર અમારા ઘર પર નહોતી થઇ. અમારા ઘરને ટાર્ગેટ નહોતું કરવામાં આવ્યું.પણ હા, મારી માતાને પણ 1986માં જેલવાસ થયો હતો. 1989માં મારી માતાને છોડવામાં આવી. બે વર્ષ દરમિયાન એ સાંસદ રહી એ દરમિયાનનો સમયગાળો જ મારા માટે શ્રેષ્ઠ હતો. માતાના જેલવાસ દરમિયાન હું હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો. રજાઓમાં હું મમ્મી સાથે જેલમાં રહેતો હતો’
બિઅંતસિંહની પત્ની બિમલ કૌર કે જેણે 1989માં ચૂંટણી લડી હતી
હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ અલગ દૃષ્ટિએ જોતા હતા?
‘પંજાબમાં તો અમને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે એટલે અમને એક અપરાધીના દીકરા તરીકે ક્યારેય જોવામાં આવ્યા નથી. એ સમયે તો બાળક હતા એટલે દુનિયાદારીની કાંઇ સમજ ન હતી. ત્યારે તો એ વાતે જ ખુશી હતી કે મમ્મી સાથે રહીએ છીએ. ઘણીવાર નિરાશા પણ થતી હતી. પણ માતાના અવસાન પછી ખ્યાલ આવ્યો કે દુનિયામાં ટકવું બહું અઘરું છે’ સરબજીતસિંહ કહે છે.
કિંમત: ક્યા સે ક્યા હો ગયા
સરબજીત સિંહ કહે છે, ‘બારમાં ધોરણ પછી હું ભણવામાંથી ઉઠી ગયો હતો. ઘરના ચાર રૂમ ભાડે આપ્યા હતા એમાંથી જે પૈસા આવતા એનાથી થોડુ ઘણુ ગુજરાન ચાલતું હતું. માતાના મૃત્યુ પછી ગરીબીનો જ્યારે સામનો કરવો પડ્યો, ખાવાના પણ સાંસા પડવા લાગ્યા ત્યારે એ સમયગાળા દરમિયાન અમને લાગ્યું હતું કે અરે, આપણે ક્યાંથી ક્યાં આવી ગયા’
પિતાના કૃત્ય પ્રત્યે ક્યારેય અફસોસ કે ફરિયાદનો સૂર ઉઠ્યો ખરો?
સરબજીતસિંહના અવાજમાં અફસોસને બદલે ગૌરવ સંભળાય છે. સરબજીતસિંહ કહે છે, ‘પિતાએ સારું ન કર્યુ હોવાની ફરિયાદ નહોતી જાગી પણ જે કાંઇ પરિસ્થિતિ સર્જાઇ એના પ્રત્યે એક પ્રકારનો ગુસ્સો અને ફરિયાદ જરૂર હતી. મારા પિતાએ જે કાંઇ કર્યુ એનો અમને આજે પણ બિલકુલ અફસોસ નથી. શીખ કોઇ પણ ભોગે સુવર્ણ મંદીરમાં કાર્યવાહી ઇન્દિરા સામે બદલો લેવા માગતા હતા. શીખ લોકોએ ડૂબી મરી જવું જોઇતું હતું જો તેઓ ઇન્દિરા ગાંધીનો બદલો ન લઇ શક્યા હોત તો.’
અચ્છા..તો તમે ઇન્દિરા ગાંધીની હત્યાને યોગ્ય ઠેરવો છો?
એક પણ ક્ષણ અટક્યા કે થડક્યા વગર સરબજીતસિંહ કહે છે, ‘હા જી…હા જી બિલકુલ..બેશક. અમને હાલની તકે કોઇ રંજ નથી. મારા પિતાએ જે કામ કર્યુ છે એ સો ટકા બરાબર કર્યું છે. મારા પિતાને કારણે લોકોનો મને ખૂબ પ્રેમ મળે છે. લોકોના મનમાં ખૂબ સન્માન છે. મારા પિતાની શીખ કોમ્યુનિટી પ્રશંસક છે. કેટલાક ફેન તો મળીને રડવા માંડે છે. શીખ સમુદાયને ગર્વ છે કે મારા પિતાએ ગોલ્ડન ટેમ્પલનો બદલો લીધો હતો એટલે જ જ્યારે મેં મારા પિતાના નામે ચૂંટણી લડી ત્યારે મને મત આપીને જીતાડ્યો હતો’
જ્યારે એક ગુજરાતી યુવકે ચપ્પુથી ઇન્દિરા પર હુમલાનો પ્રયાસ કર્યો!
બાય ધ વે છેલ્લે થોડા વિષયથી હટીને વરિષ્ઠ પત્રકાર ઇન્દર મલ્હોત્રાએ ઇન્દિરા ગાંધી પર લખેલી બાયોગ્રાફીમાં લખેલી એક આડવાત: ઇન્દિરા ગાંધી પર પહેલો હુમલાનો પ્રયાસ એક ગુજરાતીએ કર્યો હતો. વર્ષ 1980માં. એ ગુજરાતી યુવકનું નામ રામબુલચંદ લાલવાણી. એણે ઈન્દિરા ગાંધી પર એક જાહેરસભામાં ચપ્પુ ફેંક્યું હતું. રામ બુલચંદ મૂળે તો બરોડાનો એક બેરોજગાર યુવક હતો. પ્રધાનમંત્રી પરના હુમલાના પ્રયાસ બદલ પછી એની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ઇન્દિરા ગાંધીની હત્યા ઉગ્રવાદી વિચારધારાના બે શીખ અંગરક્ષકના હાથે લખાઇ હતી.
નવી દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી મેમોરિયલમાં સચવાયેલી ઇન્દિરા ગાંધીની લોહીથી લથપથ સાડી, બ્લેક સેંડલ અને લાલ બગલથેલો
‘આજે હું છું, કાલે કદાચ ન પણ હોંઉ’
ઇન્દિરા ગાંધીને શીખ સમુદાયમાં ભડકેલા આક્રોશનો અને પોતાના મૃત્યુનો અણસાર તો હતો જ. મૃત્યુના આગલા દિવસે ભુવનેશ્વરમાં એક સભાને સંબોધન કરતા કહ્યું હતું, ‘આજે હું છું, કાલે કદાચ ન પણ હોઉં. મારા રક્તની એક એક બુંદ ભારતને શક્તિશાળી અને ઉર્જાવાન બનાવશે’
મૃત્યુના ચાર દિવસ પહેલા ઇન્દિરા ગાંધીએ શ્રીનગરની યાત્રા કરી હતી. જ્યાં તે મંદિરમાં દર્શનાર્થે અને દરગાહ પર માથુ ટેકવવા ગયા હતા. ઇન્દિરાને કદાચ જીવનલીલાનો અંત નજીક આવતો દેખાઇ રહ્યો હતો. ઇન્દિરાની સુરક્ષા વધુ કડક બનાવવાની વાત કરવામાં આવી ત્યારે ઇન્દિરાએ હસીને કહેલું: ‘જો એ લોકો મને મારવા માગતા હશે તો મારશે જ. મને કોઇ બચાવી નહીં શકે’ અને ખરેખર એમ જ બન્યું!
સંદર્ભ:
ઇન્દિરા ગાંધી: અ પર્સનલ એન્ડ પોલિટિકલ બાયોગ્રાફી, ઇન્દર મલ્હોત્રા
ઇન્દિરા ગાંધી: અ બાયોગ્રાફી, પુપુલ જયકર
ઇન્દિરા: ઇન્ડીયાઝ મોસ્ટ પાવરફૂલ પ્રાઇમ મિનીસ્ટર, સાગરીકા ઘોષ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT