ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Explainer:ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુની રસીને મંજૂરી, શું છે QDENGA? કોણ લઈ શક્શે, કેવી રીતે કામ કરે છે અને કેટલી અસરકારક છે?
Last Updated: 11:35 PM, 20 July 2026
ADVERTISEMENT
ભારતમાં પહેલીવાર ડેન્ગૂથી બચવા માટે કોઈ રસીને મંજૂરી મળી છે. જાપાનની દવા કંપની ટાકેડા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા વિકસાવવામાં આવેલી QDENGA વેક્સિનને ભારતીય દવા નિયામક સંસ્થાએ મંજૂરી આપી છે. છેલ્લા બે દાયકામાં દેશમાં ડેન્ગૂના કેસોમાં લગભગ 11 ગણો વધારો થયો છે. કંપનીના કહેવા પ્રમાણે, વિશ્વમાં ડેન્ગૂના કુલ ભારનો લગભગ એક-તૃતીયાંશ હિસ્સો ભારતનો છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે આખરે QDENGA શું છે? તે કેવી રીતે કામ કરે છે? કોને આ રસી અપાશે? કેટલી અસરકારક છે? તેના સાઇડ ઇફેક્ટ્સ શું છે?
ADVERTISEMENT
ડેન્ગ્યુ શું છે અને કેવી રીતે ફેલાય છે?
ડેન્ગ્યુ એક વાયરલ ચેપ છે, જે એડીસ (Aedes) મચ્છરના કરડવાથી ફેલાય છે. ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં તેનો પ્રકોપ વધુ જોવા મળે છે. મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો હોય છે અથવા કોઈ લક્ષણ દેખાતા નથી, પરંતુ કેટલાક દર્દીઓમાં આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરીને જીવલેણ બની શકે છે. ડેન્ગ્યુ વાયરસના ચાર અલગ પ્રકાર (Serotypes) હોય છે. એક વખત ડેન્ગ્યુ થયા બાદ પણ વ્યક્તિને બીજા પ્રકારનો ડેન્ગ્યુ ફરી થઈ શકે છે અને બીજી વખત ગંભીર ડેન્ગ્યુ થવાનું જોખમ વધુ રહે છે.
ADVERTISEMENT
ડેન્ગ્યુના લક્ષણો શું છે?
ચેપ લાગ્યાના 4થી 10 દિવસ પછી સામાન્ય રીતે લક્ષણો દેખાવા લાગે છે.
ADVERTISEMENT
સામાન્ય લક્ષણો
અચાનક ઊંચો તાવ
ADVERTISEMENT
માથાનો ભારે દુઃખાવો
આંખોની પાછળ દુઃખાવો
ADVERTISEMENT
શરીર અને સાંધામાં દુઃખાવો
ઉબકા અને ઉલ્ટી
ADVERTISEMENT
શરીર પર લાલ ચકામા
ગળાની ગ્રંથિઓમાં સોજો
ગંભીર ડેન્ગ્યુના સંકેતો
જો બીજી વખત ડેન્ગ્યુ થાય તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આ વખતે,
પેટમાં અસહ્ય દુખાવો
સતત ઉલ્ટી
ઝડપથી શ્વાસ લેવો
નાક અથવા મસૂડામાંથી લોહી આવવું
ઉલ્ટી કે મળમાં લોહી
ખૂબ તરસ લાગવી
ઠંડી અને ફિક્કી ત્વચા
અતિશય નબળાઈ
આવા લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.
ભારતમાં ડેન્ગ્યુ કેટલો મોટો પડકાર?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર ભારત ડેન્ગ્યુથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે. દેશમાં અંદાજે 75થી 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણ દેખાતા નથી. છતાં આવા લોકો મચ્છર મારફતે બીજાને ચેપ ફેલાવી શકે છે. બાકીના 20થી 25 ટકા દર્દીઓમાં ગંભીર લક્ષણો જોવા મળે છે. બાળકોમાં હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધારે હોય છે, જ્યારે વયસ્કોમાં ડેન્ગ્યુ હેમોરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
શું છે QDENGA વેક્સિન?
QDENGA ડેન્ગ્યુ સામે રક્ષણ આપતી નવી પેઢીની વેક્સિન છે. યુરોપિયન મેડિસિન્સ એજન્સી (EMA) અનુસાર આ વેક્સિન 4 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો કિશોરો વયસ્કો માટે ઉપયોગી છે. વેક્સિનમાં ડેન્ગ્યુ વાયરસના ચારેય પ્રકારના નબળા (Live Attenuated) સ્વરૂપો હોય છે, જે બીમારી પેદા કરતા નથી પરંતુ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ તૈયાર કરે છે.
QDENGA કેવી રીતે કામ કરે છે?
વેક્સિન લીધા પછી શરીર વાયરસને ઓળખીને તેની સામે એન્ટીબોડી બનાવે છે. પછી ભવિષ્યમાં જો ખરેખર ડેન્ગ્યુ વાયરસનો ચેપ લાગે તો શરીર પહેલેથી તૈયાર થયેલી એન્ટીબોડી દ્વારા ઝડપથી તેનો સામનો કરી શકે છે.
મહત્વની વાત એ છે કે,
પહેલા ડેન્ગ્યુ થયો હોય તે જરૂરી નથી.
વેક્સિન પહેલાં કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર પડતી નથી.
વેક્સિન કેવી રીતે આપવામાં આવશે?
QDENGAનું સંપૂર્ણ રસીકરણ બે ડોઝમાં પૂર્ણ થાય છે.
પહેલો ડોઝ
ત્રણ મહિના પછી બીજો ડોઝ
રસી હાથની ચામડી નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. જો બીજી ડોઝ મોડો થઈ જાય તો ફરીથી આખો કોર્સ શરૂ કરવાની જરૂર નથી.
કેટલી અસરકારક છે?
આઠ દેશોમાં થયેલા મોટા ક્લિનિકલ અભ્યાસમાં લગભગ 20 હજાર બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા. પરિણામોમાં સામે આવ્યું કે ડેન્ગ્યુના કેસમાં લગભગ 80 ટકા ઘટાડો હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતમાં લગભગ 90 ટકા ઘટાડો નોંધાયો.
શું થઈ શકે સાઇડ ઇફેક્ટ્સ?
મોટાભાગના સાઇડ ઇફેક્ટ્સ સામાન્ય હોય છે. જેમ કે, ઇન્જેક્શનના સ્થળે દુઃખાવો, લાલાશ, માથાનો દુઃખાવો, શરીરમાં દુઃખાવો, નબળાઈ, હળવો તાવ આ લક્ષણો સામાન્ય રીતે થોડા દિવસમાં જાતે જ દૂર થઈ જાય છે.
કોણે આ વેક્સિન ન લેવી જોઈએ?
નીચે દર્શાવેલ લોકોને QDENGA લેવાની સલાહ આપવામાં આવતી નથી.
અગાઉ આ વેક્સિનથી એલર્જી થઈ હોય.
ખૂબ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો.
HIVના કારણે ઇમ્યુનિટી ઓછી હોય.
ઇમ્યુનિટી દબાવતી દવાઓ લેતા દર્દીઓ.
ગર્ભવતી મહિલાઓ.
ગર્ભધારણનું આયોજન કરતી મહિલાઓ.
સ્તનપાન કરાવતી માતાઓ.
દુનિયાના કેટલા દેશોએ મંજૂરી આપી?
વર્ષ 2022માં ઇન્ડોનેશિયા સૌથી પહેલો દેશ બન્યો હતો જ્યાં QDENGAને મંજૂરી મળી હતી. ત્યારબાદ 43 દેશોમાં મંજૂરી, 3.2 કરોડથી વધુ ડોઝનું વિતરણ થઈ ચૂક્યું છે. ભારતમાં ઉત્પાદન વધારવા માટે ટાકેડાએ Biological E સાથે ભાગીદારી કરી છે. દર વર્ષે આશરે 5 કરોડ ડોઝ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
WHO શું કહે છે?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ ડેન્ગ્યુનું જોખમ વધારે હોય તેવા વિસ્તારોમાં 6થી 16 વર્ષના બાળકો માટે આ વેક્સિનની ભલામણ કરવામાં આવે છે. ગંભીર ડેન્ગ્યુનું જોખમ ધરાવતા 6થી 60 વર્ષના લોકો માટે પણ દેશની પરિસ્થિતિ મુજબ વિચારણા થઈ શકે છે.
પરંતુ WHO સ્પષ્ટ કહે છે કે, માત્ર વેક્સિનથી ડેન્ગ્યુ સંપૂર્ણપણે અટકતો નથી. મચ્છર નિયંત્રણ, સ્વચ્છતા, સમયસર સારવાર અને લોકોમાં જાગૃતિ એટલી જ જરૂરી છે.
દુનિયામાં ડેન્ગ્યુ કેટલો મોટો ખતરો?
WHOના અંદાજ મુજબ વિશ્વની લગભગ અડધી વસ્તી ડેન્ગ્યુના જોખમવાળા વિસ્તારોમાં રહે છે. દર વર્ષે 10થી 40 કરોડ લોકો ડેન્ગ્યુથી સંક્રમિત થાય છે. વર્ષ 2024માં 1.46 કરોડથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે 12 હજારથી વધુ લોકોના મોત થયા હતા. ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા, મ્યાનમાર, શ્રીલંકા અને થાઇલેન્ડ ડેન્ગ્યુથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે.
આ પણ વાંચોઃ સિક્કિમની નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન થતાં પ્રવેશદ્વાર કાટમાળથી બંધ, 27 મજૂરો ફસાયા
સૌથી મહત્વની વાત
ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુ સામે અસરકારક વેક્સિન ઉપલબ્ધ થવી જાહેર આરોગ્ય માટે મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે QDENGA ડેન્ગ્યુ સામે વધારાનું સુરક્ષા કવચ છે, પરંતુ મચ્છર નિયંત્રણ, સ્વચ્છતા, સમયસર સારવાર અને સાવચેતીનો કોઈ વિકલ્પ નથી. જો તાવ, શરીરમાં દુખાવો કે ડેન્ગ્યુ જેવા લક્ષણો દેખાય તો જાતે સારવાર કરવાને બદલે તરત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.