બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / LPG કનેક્શન બંધ થઈ જશે... ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી નવો નિયમ
Last Updated: 04:43 PM, 2 May 2026
ભારત સરકાર દ્વારા રસોઈ ગેસના વપરાશ અને વિતરણ વ્યવસ્થામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. 1 મે, 2026થી અમલી બનેલા આ નવા નિયમો મુજબ, લાખો ગ્રાહકોના LPG કનેક્શન પર જોખમ તોળાઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની આયાતમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે સ્થાનિક સ્તરે ગેસના પુરવઠાને વ્યવસ્થિત કરવા અને ભાવ પર અંકુશ મેળવવા માટે આ કડક પગલાં લીધા છે. નવા નિયમ અનુસાર, જે ઘરોમાં પાઇપલાઇન નેચરલ ગેસ એટલે કે PNG કનેક્શન સુવિધા ઉપલબ્ધ છે, તેઓ હવે કાયદેસર રીતે LPG સિલિન્ડર રાખી શકશે નહીં. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો PNG હોવા છતાં ગ્રાહક LPG કનેક્શન સરેન્ડર નહીં કરે, તો તેમનો ગેસ સપ્લાય કાયમી ધોરણે બ્લોક કરી દેવામાં આવશે.
ADVERTISEMENT

નવા નિયમોમાં સૌથી મહત્વનું પાસું e-KYC વેરિફિકેશન છે. હવે દરેક ગેસ ગ્રાહકે પોતાના આધાર કાર્ડ સાથે બાયોમેટ્રિક અથવા આધાર આધારિત e-KYC કરાવવું ફરજિયાત બન્યું છે. જે ગ્રાહકોનું વેરિફિકેશન પૂર્ણ નહીં હોય, તેમને નવા સિલિન્ડરનું બુકિંગ કરાવવામાં મુશ્કેલી પડશે અને તેમની ડિલિવરી રોકી દેવામાં આવશે. ખાસ કરીને જૂન 2025 પહેલા જે ગ્રાહકોએ ગેસ રિફિલ નથી કરાવ્યો, તેમને 'ઇનએક્ટિવ' શ્રેણીમાં મૂકી દેવામાં આવ્યા છે. આવા ગ્રાહકોએ ફરીથી ગેસ મેળવવા માટે પોતાની ગેસ એજન્સી પર જઈને રૂબરૂ વેરિફિકેશન કરાવવું પડશે. આ ઉપરાંત, સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે હવે દરેક સિલિન્ડરની ડિલિવરી સમયે ગ્રાહકના નોંધાયેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવતા OTP વેરિફિકેશનને પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT

સરકારના આ આદેશ પાછળનો મુખ્ય હેતુ સબસિડીનો દુરુપયોગ અટકાવવાનો અને કાળાબજારી પર લગામ લગાવવાનો છે. તેલ કંપનીઓ હવે PNG અને LPG ના ડેટાબેઝનું ક્રોસ-ચેકિંગ કરી રહી છે. જે ઘરોમાં બેવડા ઇંધણના કનેક્શન એટલે કે એક જ રસોડામાં પાઇપલાઇન ગેસ અને સિલિન્ડર બંને હશે, તેમની સબસિડી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે. ગ્રાહકો હવે બે ગેસ બુકિંગ વચ્ચેના લઘુત્તમ અંતરના નિયમથી પણ બંધાયેલા રહેશે, જેથી ગેસનો બિનજરૂરી સંગ્રહ અટકાવી શકાય. વ્યાવસાયિક ઉપયોગ માટે વપરાતા સબસિડીવાળા સિલિન્ડરોને પકડવા માટે ઓઇલ કંપનીઓએ હવે ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ વધુ મજબૂત બનાવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રાજ્યમાં હજુ પણ કાળઝાળ ગરમી પડવાની આગાહી, અમદાવાદમાં તાપમાન 43.3 ડિગ્રીએ પહોંચ્યું
ગ્રાહકોએ પોતાના રસોડાનો ગેસ પુરવઠો અવિરત રાખવા માટે કેટલીક બાબતોનું તાકીદે પાલન કરવું પડશે. સૌથી પહેલા, ગ્રાહકોએ તેમની ગેસ એજન્સી પર જઈને આધાર આધારિત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. જો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય, તો તેને એજન્સીના રેકોર્ડમાં અપડેટ કરાવવો અત્યંત જરૂરી છે જેથી OTP મેળવવામાં કોઈ અડચણ ન આવે. આ સાથે, સબસિડીના પૈસા સીધા ખાતામાં જમા થાય તે માટે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું પણ અનિવાર્ય છે. જો તમારા ઘરે PNG કનેક્શન આવી ગયું હોય, તો સ્વેચ્છાએ LPG કનેક્શન સરેન્ડર કરી દેવું હિતાવહ છે, અન્યથા કંપનીઓ દંડનીય કાર્યવાહી પણ કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.