ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડિસેમ્બરમાં પડશે કડકડતી ઠંડી કે માવઠું બગાડશે માહોલ? આ તારીખોથી માવઠાની પણ શક્યતા
6 ફોટો ગેલેરી
Last Updated: 06:45 AM, 27 November 2026
1/6
ગુજરાતમાં નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે, પરંતુ હજુ પણ લોકોને કડકડતી ઠંડીની રાહ જોવી પડી રહી છે. નવેમ્બરના હવે માત્ર ચાર દિવસ બાકી છે, તેમ છતાં રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળ્યો નથી. રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે શું આ વર્ષે ડિસેમ્બરમાં પણ ઠંડી મોડી પડશે? શું આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું પણ થઈ શકે છે? હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, ડિસેમ્બરના 10 દિવસ બાદ ઠંડીનું જોર વધી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
2/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળવાની શક્યતા નથી. એટલે કે હાલમાં રાત્રે અને વહેલી સવારે જે પ્રકારની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તેવું જ વાતાવરણ આજે પણ રહી શકે છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના રાત્રિના તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં એકંદરે વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. બીજી તરફ, 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે.
ADVERTISEMENT
3/6
હવામાન વિભાગના એક્સટેન્ડ રેન્જ ફોરકાસ્ટ મોડલના અનુમાન પ્રમાણે, 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 12થી 14 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં રાત્રિનું તાપમાન 16થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ત્યારબાદ 4થી 10 ડિસેમ્બર દરમિયાન કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 12થી 16 ડિગ્રી અને અન્ય કેટલાક ભાગોમાં 18 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે.
4/6
જોકે, 11થી 17 ડિસેમ્બર દરમિયાન રાજ્યના તાપમાનમાં ઘટાડો થવાની સાથે ઠંડીનો ચમકારો વધી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં રાત્રિનું તાપમાન ગગડીને 10થી 12 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે અન્ય કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 13થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. એટલું જ નહીં, 18થી 24 ડિસેમ્બર દરમિયાન પણ ઠંડીનો આવો જ માહોલ જોવા મળી શકે છે. આમ, હવામાન વિભાગના એક્સટેન્ડ રેન્જ ફોરકાસ્ટ મોડલ મુજબ ડિસેમ્બરના પ્રથમ 10 દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
5/6
રાત્રિના તાપમાનની સાથે દિવસ દરમિયાન પણ ગરમીનો અનુભવ કેટલો રહેશે તે અંગે હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યું છે. મોડલ પ્રમાણે, 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. એટલે કે ડિસેમ્બરની શરૂઆતમાં પણ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે. ત્યારબાદ 4થી 10 ડિસેમ્બર દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 26થી 32 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. જોકે, કેટલાક વિસ્તારોમાં તાપમાન 34 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. બીજી તરફ, 11થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસનું મહત્તમ તાપમાન 26થી 32 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. એટલે કે ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી રાત્રે ઠંડી વધવાની સાથે દિવસના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
6/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. જોકે, 10થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય માવઠાનો માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ