ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં હવે કચરાનું વિભાજન ફરજિયાત: સૂકો-ભીનો કચરો અલગ નહીં આપો તો સેવા બંધ
Last Updated: 08:28 AM, 27 March 2026
ADVERTISEMENT
Ahmedabad AMC: અમદાવાદમાં સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે હવે કડક પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં કચરાના વિભાજનને ફરજિયાત બનાવતા AMCએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને કચરાના યોગ્ય નિકાલ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં દરેક નાગરિક અને વ્યવસાયિક એકમ માટે ભીનો અને સૂકો કચરો અલગ આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી અનેક વખત જાગૃતિ અભિયાન અને સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં લોકો કચરો એક સાથે જ આપતા હતા. જેના કારણે કચરાના સંચાલનમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMCએ હવે કડક વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે કચરાનું વિભાજન નહીં કરવામાં આવે તો કચરો ઉપાડવાની સેવા બંધ કરી દેવામાં આવશે.

ADVERTISEMENT
AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે રહેણાંક અને વેપારી વિસ્તારોને કચરાનું વિભાજન કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમયગાળા દરમિયાન લોકો નિયમોનું પાલન નહીં કરે તો ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીઓ આવા વિસ્તારોમાંથી કચરો લેવાનું બંધ કરશે. સાથે જ જરૂર પડે ત્યાં દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશન હવે માત્ર સૂચના સુધી મર્યાદિત નહીં રહે. પરંતુ નિયમોના અમલ માટે કડક પગલાં લેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ નવી વ્યવસ્થાનો અમલ હાલ શહેરના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સેટેલાઈટ, જોધપુર, શ્યામલ, વેજલપુર, સરખેજ, જુહાપુરા, બોપલ, એસજી હાઇવે, પ્રહલાદનગર અને આનંદનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીંના રહેવાસીઓ અને વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ ભીનો અને સૂકો કચરો અલગ રાખે અને AMCની ગાડીઓને તે પ્રમાણે જ સોંપે. આવનારા સમયમાં આ નિયમ શહેરના અન્ય વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવશે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કચરાનું વિભાજન કરવાની જવાબદારી કચરો ઉત્પન્ન કરનાર વ્યક્તિની છે. સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016 અને 2026 અનુસાર સ્ત્રોત પર જ કચરાનું વિભાજન કરવું ફરજિયાત છે. AMCએ નાગરિકોને આ પ્રક્રિયા સરળ બનાવવા માટે વાદળી (સૂકો કચરો) અને લીલા (ભીનો કચરો) રંગના ડસ્ટબિન પણ આપ્યા છે. તેમ છતાં, લોકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આળસ દાખવાતા હવે કડક નિર્ણય લેવાયો છે. કચરો મિક્સ આપવાથી ડમ્પિંગ સાઇટ પર તેને અલગ કરવામાં મુશ્કેલી પડે છે અને પર્યાવરણ પર પણ નકારાત્મક અસર થાય છે.
ADVERTISEMENT

AMCનો આ નિર્ણય શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જો નાગરિકો આ નિયમોનું પાલન કરશે તો કચરાના સંચાલનમાં સરળતા રહેશે અને રિસાયક્લિંગ પ્રક્રિયા વધુ અસરકારક બની શકશે. કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકો અને સંસ્થાઓને આ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવવી જરૂરી છે. AMCના આ કડક પગલાંથી હવે શહેરમાં કચરાના વિભાજનને લઈને વધુ ગંભીરતા જોવા મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.