બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / નવાપુરામાં બાળસ્વરૂપે બિરાજે મા બહુચર, 400 વર્ષ જૂનું છે પ્રાચીન ધામ, બહુચરાજી જેટલો જ મહિમા
Last Updated: 06:30 AM, 18 May 2025
ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે અને દરેક મંદિરને લઈને લોકોની અલગ અલગ માન્યતાઓ અને આસ્થા હોય છે. અમદાવાદના નવાપુરામાં આવેલા બહુચરાજી મંદિર સાથે હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. બહુચરાજી મંદિરે ગર્ભગૃહમાં બહુચર માતાજીની અત્યંત ભાવવાહી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. મંદિરે સાચી આસ્થા સાથે આવનાર ભાવિકોને સદાય મા ના આશીર્વાદ મળે જ છે. જ્યારે અમદાવાદની રચના થઈ, ત્યારે સર્વ પ્રથમ નવ “પરા” વસ્યા હતા. આ નવ પરાના સૌથી પ્રાચીન દેવી હતા, મા બહુચરા. તે સમયના નવાપરાનું અપભ્રંશ થઈ નવાપુરા બન્યું. અને દેવી નવાપુરાના જૂના બહુચર તરીકે પ્રખ્યાત થયા. મા બાળા બહુચરા એટલે આદ્યશક્તિનું બાળ રૂપ. અત્યંત મનોહરી અને અસુરવિનાશિની સ્વરૂપ. મા બાળા બહુચરા એ બાળા ત્રિપુરા સુંદરીના નામે પણ પ્રસિદ્ધ છે અને સમગ્ર ભારતમાં તેમના અનેકવિધ પાવનકારી સ્થાનકો વિદ્યમાન છે. આ એ સ્થાનક છે કે જે ભક્તોને મન મહેસાણાના બેચરાજી સરીખો જ મહિમા ધરાવે છે. આ સ્થાનક એટલે અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચર ધામ. નવાપુરાના જૂના બહુચરાજીનું મંદિર.
ADVERTISEMENT

અમદાવાદના નવાપુરામાં બિરાજમાન મા બહુચરાજી
ADVERTISEMENT
અમદાવાદના ગીતામંદિર રોડ પર “નવાપુરાના જૂના બહુચરધામ” મંદિર આવેલું છે. અને તેના નામની જેમ જ આ સ્થાનક અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચરધામ મનાય છે. મંદિર લગભગ 400 વર્ષ પ્રાચીન છે. આદ્યશક્તિ બહુચરા પૌરાણિકકાળથી જ વિદ્યમાન હોવાની લોકવાયકા છે. મંદિરના ગર્ભગૃહમાં મા બહુચરની અત્યંત ભાવવાહી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. માતાનું આ રૂપ અત્યંત તેજોમય છે. કહે છે કે દેવીના આ દિવ્ય રૂપના નિત્ય દર્શન કરવાથી પરમશાંતિની અનુભૂતિ થાય છે. એટલું જ નહીં, માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનારને મા ક્યારેય નિરાશ નથી કરતા. નવાપુરા બહુચર મંદિરમાં જેટલો મહિમા માની પ્રતિમાના દર્શનનો છે, તેટલો જ મહિમા અહીં સ્થિત માનસરોવરના દર્શનનો પણ છે. આ માનસરોવર કુંડ કે વાવ જેવાં નામથી પ્રચલિત છે. મંદિરમાં આ સ્થાન દુર્ગા સપ્તશતી યંત્રના નામે પ્રસિદ્ધ છે. પ્રચલિત કથા અનુસાર દંઢકારણ્યમાં અસુર દંઢકનો વધ કર્યા બાદ દેવી સ્વયંની ઈચ્છાથી આ ધરા પર પધાર્યા હતા. તેમણે માનસરોવરમાં શસ્ત્રનો ત્યાગ કર્યો હતો અને પછી ત્યાં વિશ્રામ કર્યો હતો. ત્યારબાદ ભક્તોની ઈચ્છાને વશ થઈ દેવી આજે જ્યાં મંદિર છે તે સ્થાન પર વિદ્યમાન થયા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચો: વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
અસુર દંઢકનો વધ કરી દેવીનો માનસરોવરમાં શસ્ત્રનો ત્યાગ
ADVERTISEMENT
વલ્લભ ભટ્ટ મા બહુચરના પરમ ભક્ત હતા. વલ્લભ ભટ્ટજીને નવાપુરાના બહુચર મંદિરમાં જ મા બહુચરાનો પ્રથમ સાક્ષાત્કાર થયો હતો. માત્ર 11 વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી હતી. અને નવાર્ણ મંત્રને સિદ્ધ કરી વલ્લભ ભટ્ટે આદ્યશક્તિને પ્રસન્ન કર્યા પછી માની ઈચ્છાથી જ તેમણે આનંદના ગરબાની રચના કરી હતી. ભુલાભાઈ બહુચરાજી મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં વલ્લભ ભટ્ટ રચિત ૧૮ કડીની ૨૫ મિનિટની મહાઆરતી અને જગયાં કરવામાં આવે છે. આ મહાઆરતી આખા વર્ષમાં એક જ દિવસે કરવામાં આવે છે. માગશર સુદ બીજના દિવસે મા બહુચરને અન્નકૂટ ધરાવવામાં આવે છે. પ્રચલિત કથા અનુસાર ભક્ત વલ્લભની લાજ રાખવા મા બહુચરે આ તિથિ પર જ સ્વયં વલ્લભ ભટ્ટનું રૂપ લીધું હતું. અને સમગ્ર મેવાડા બ્રાહ્મણ સમાજને રસ રોટલીનું જમણ કરાવ્યું હતું. ત્યારથી તમામ બહુચર મંદિરોમાં માગશર સુદ બીજે રસ રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. નવાપુરામાં આવેલ બહુચરાજીના મંદિરમાં વર્ષમાં એક જ દિવસે એક વાર માતાજી તેમના ગર્ભગૃહમાંથી બહાર આવીને ભક્તોને દર્શન આપે છે. સવારે ૬ વાગ્યે મંગલા આરતી અને રાત્રે ૧૧ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવે છે. હજારો ભાવિકો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.