ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે ગુજરાતના ઉંદરો પણ ડ્રગ્સના રવાડે! પોલીસે પકડેલું 2,332 કિલો ડ્રગ્સ ગાયબ
Last Updated: 02:53 PM, 26 March 2026
ADVERTISEMENT
Gujarat Drugs Scam: ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી ઝીરો ટોલરન્સની નીતિના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જે રાજ્યની કાયદો વ્યવસ્થાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે. 25 માર્ચે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા નાણાકીય વર્ષ 2024-25ના કેગ (CAG) રિપોર્ટ મુજબ છેલ્લા 12 વર્ષમાં પોલીસે પકડેલા ડ્રગ્સના જથ્થામાંથી આશરે 35 ટકા ડ્રગ્સ ગાયબ થઇ ગયાં છે. આ ગાયબ થયેલાં ડ્રગ્સનું વજન 2332 કિલો જેટલું છે. જેનો કોઈ સ્પષ્ટ હિસાબ નથી. આ માહિતી માત્ર આંકડાઓ નથી. પરંતુ સમગ્ર વ્યવસ્થાની પારદર્શકતા અને જવાબદારી પર પ્રશ્નચિહ્ન મૂકે છે.
ADVERTISEMENT

કેગના અહેવાલ મુજબ ઓગસ્ટ 2010થી નવેમ્બર 2022 સુધી ગુજરાત પોલીસ અને તેની વિવિધ એજન્સીઓએ કુલ 6510.54 કિલો ડ્રગ્સ અને 848 બોટલ જપ્ત કર્યા હતા. બાદમાં આ જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો. પરંતુ જ્યારે આંકડાઓનું મિલાન કરવામાં આવ્યું ત્યારે 4177.86 કિલો ડ્રગ્સનો જ નિકાલ થયેલો નોંધાયો. એટલે કે જપ્ત કરાયેલા જથ્થા કરતાં 2332.68 કિલોનો તફાવત સામે આવ્યો. આટલો મોટો તફાવત સામાન્ય ગણવામાં આવી શકતો નથી અને તે ગંભીર ગરબડની સંભાવનાઓ તરફ ઈશારો કરે છે.
ADVERTISEMENT

આ મુદ્દે ગૃહ વિભાગે જવાબ માંગતા એડીજીપી સીઆઇડી ક્રાઇમે આપેલા ખુલાસા વધુ આશ્ચર્યજનક હતા. જણાવ્યા મુજબ આશરે 144.180 કિલો ગાંજો ચોરી થઇ ગયો હતો. જ્યારે બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં હોવાનો દાવો કરવામાં આવ્યો. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે ગાંજો અને અફીણ લાંબા સમય સુધી પડ્યા રહેતા તેમાં ભેજ શોષાઈ જતાં વજનમાં ઘટાડો થયો. પરંતુ કેગે સ્પષ્ટ નોંધ્યું કે આ કારણો થોડી માત્રામાં તફાવત સમજાવી શકે પરંતુ હજારો કિલોના ગાયબ થવાનું કારણ બની શકતા નથી. એટલે કે કેગે પણ પોલીસ તંત્રની નિયત અને કામગીરી પર શંકા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સમગ્ર મામલામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે જપ્ત કરાયેલા ડ્રગ્સને સાચવવાની વ્યવસ્થા અત્યંત નબળી હોવાનું પણ સામે આવ્યું છે. કેગે રજૂ કરેલી તસવીરમાં એક સામાન્ય અને અવ્યવસ્થિત ઓરડામાં ડ્રગ્સ રાખવામાં આવતું હોવાનું જણાય છે. જ્યાં દરવાજા પણ યોગ્ય રીતે બંધ ન હતા અને સુરક્ષાની કોઈ અસરકારક વ્યવસ્થા ન હતી. આવી બેદરકારી માત્ર કાયદાની ઉલ્લંઘન નથી. પરંતુ સમાજ માટે ગંભીર જોખમ પણ ઉભું કરે છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ડ્રગ્સ વિરુદ્ધ લડત માત્ર પકડવા સુધી મર્યાદિત નથી. પરંતુ તેની સંભાળ અને પારદર્શક નિકાલ પણ એટલો જ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.