બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માત્ર 4 મહિનામાં 131 સગીર દીકરીઓ ગર્ભવતી, મહેસાણાના આંકડાએ ઉઘાડા પાડ્યા તંત્રના દાવા; બાળલગ્ન માત્ર કાગળ પર જ અટક્યા?
Last Updated: 02:26 PM, 31 July 2026
Mehsana Minor Pregnancy Cases : બાળલગ્ન અટકાવવાના દાવા વચ્ચે મહેસાણા જિલ્લામાંથી સામે આવેલા આંકડાએ સમગ્ર તંત્રને કઠેડા ઊભું કરી દીધું છે. એપ્રિલ 2026થી 22 જુલાઈ 2026 સુધીના માત્ર ચાર મહિનાના ANC (એન્ટિનેટલ કેર) રજિસ્ટ્રેશનમાં 13થી 17 વર્ષની 131 સગીર દીકરીઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. આ માત્ર એક આંકડો નથી, પરંતુ બાળ સુરક્ષા વ્યવસ્થા, બાળલગ્ન પ્રતિબંધ કાયદા અને સમાજ સુરક્ષા તંત્રની અસરકારકતા સામે ઊભો થયેલો મોટો સવાલ છે.
ADVERTISEMENT
જિલ્લાના આરોગ્ય વિભાગના રેકોર્ડ પ્રમાણે સૌથી વધુ 48 કેસ કડી તાલુકામાં નોંધાયા છે. ત્યારબાદ મહેસાણામાં 20, વિજાપુરમાં 15, ઊંઝામાં 12, વડનગરમાં 11, વિસનગરમાં 9, ખેરાલુમાં 8, બેચરાજીમાં 4, સતલાસણામાં 3 અને જોટાણામાં 1 કેસ સામે આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ 131 સગીરાઓમાં 15 વર્ષની 8, 16 વર્ષની 43 અને 17 વર્ષની 80 દીકરીઓનો સમાવેશ થાય છે. એટલે કે કાયદેસર લગ્નની ઉંમર પહેલાં જ આટલી મોટી સંખ્યામાં દીકરીઓ ગર્ભવતી બની છે.
ADVERTISEMENT
ભારતમાં બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ-2006 અમલમાં છે. બાળ સુરક્ષા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, આંગણવાડી, શાળા તંત્ર, પોલીસ અને જિલ્લા બાળ સંરક્ષણ એકમ જેવી અનેક વ્યવસ્થાઓ કાર્યરત છે. તેમ છતાં માત્ર ચાર મહિનામાં 131 સગીર ગર્ભાવસ્થાના કેસ નોંધાવા એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક સમગ્ર વ્યવસ્થામાં ગંભીર ખામી છે.
સવાલ એ પણ છે કે શું આ તમામ કેસોમાં બાળલગ્ન થયાં છે? જો થયા હોય તો તે અટકાવવાની જવાબદારી કોની હતી? અને જો બાળલગ્ન વગર સગીરાઓ ગર્ભવતી થઈ હોય તો શું દરેક કેસમાં કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે? આવા પ્રશ્નોના જવાબ હાલ તંત્ર પાસે સ્પષ્ટ રીતે દેખાતા નથી.
ADVERTISEMENT
જિલ્લાના કુલ 131 કેસમાંથી એકલા કડી તાલુકામાં 48 કેસ નોંધાયા છે. એટલે કે જિલ્લાના કુલ કેસના આશરે ત્રીજા ભાગ જેટલા કેસ એક જ તાલુકામાં સામે આવ્યા છે. આ આંકડો માત્ર કડી માટે નહીં, પરંતુ સમગ્ર જિલ્લા તંત્ર માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા કેસો માત્ર આરોગ્યનો મુદ્દો નથી. તેની પાછળ બાળલગ્ન, સામાજિક જાગૃતિનો અભાવ, ડ્રોપઆઉટ દીકરીઓ, ગરીબી અને બાળ સુરક્ષા વ્યવસ્થાની નબળાઈ જેવા અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે.
ADVERTISEMENT
દરેક ગામમાં આંગણવાડી કાર્યકર છે. શાળાઓમાં શિક્ષકો છે. આશા વર્કર, આરોગ્ય કર્મચારીઓ, સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સંરક્ષણ માટે અલગ મશીનરી કાર્યરત છે. તેમ છતાં સગીર દીકરીઓ ગર્ભવતી બને ત્યાં સુધી કોઈ તંત્રને તેની જાણ ન થાય, તે ગંભીર બાબત ગણાય. આંકડાઓ સામે આવ્યા બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જવાબદારી કોની નક્કી થશે? માત્ર રિપોર્ટ સરકારને મોકલી દેવાથી સમસ્યાનો ઉકેલ આવશે કે પછી મૂળ કારણો સુધી પહોંચી કાર્યવાહી થશે?
ADVERTISEMENT
જિલ્લા આરોગ્ય અધિકારી પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે, "આરોગ્ય વિભાગ તમામ પ્રકારની સારવાર પૂરી પાડે છે. કલેક્ટરને નિયમિત જાણ કરવામાં આવશે અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે. સગીરા પ્રેગ્નન્ટ થાય તો કાયદેસર માન્ય ગણી શકાય."
ADVERTISEMENT
સગીર ગર્ભાવસ્થાના આ કેસો હવે માત્ર આરોગ્ય વિભાગનો વિષય નથી રહ્યા. બાળ સુરક્ષા, મહિલા સુરક્ષા, શિક્ષણ, સમાજ સુરક્ષા અને કાયદાના અમલ સાથે જોડાયેલા તમામ વિભાગો માટે આ એલાર્મ સમાન છે. માત્ર ચાર મહિનામાં 131 સગીર દીકરીઓ ગર્ભવતી નોંધાય અને પછી તંત્ર માત્ર સારવાર અને રિપોર્ટ સુધી સીમિત રહે, તો પ્રશ્નો વધુ ગંભીર બને છે.
હવે જોવાનું એ રહેશે કે આ કેસોમાં બાળલગ્ન, પોક્સો સહિતના કાયદા હેઠળ કેટલી કાર્યવાહી થાય છે, કેટલા કેસોમાં જવાબદારી નક્કી થાય છે અને સૌથી મહત્વનું... આવી વધુ એક યાદી ફરી બહાર ન આવે તે માટે તંત્ર શું પગલાં ભરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.