બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મંદિરમાં લોહી, મુઠ્ઠીમાં વાળ અને પંખે લટકતા પૂજારી! જૈન તીર્થ તારંગા ધામ બની ચોંકાવનારી ઘટના, રહસ્ય અકબંધ
Last Updated: 12:12 PM, 5 August 2026
Taranga Crime News : દિવસભર ભક્તોની ભીડથી ગુંજતા જૈન તીર્થ તારંગા ધામમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. મંદિરના પૂજારીના રૂમનો દરવાજો ખુલ્યો અને અંદર જે દૃશ્ય દેખાયું, તે જોઈ સૌના હોશ ઉડી ગયા. એક તરફ પત્ની લોહીલુહાણ હાલતમાં મૃત પડી હતી, તો બીજી તરફ પતિ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે પૂજારીના હાથની મુઠ્ઠીમાં પત્નીના વાળ હતા. શું આ માત્ર આત્મહત્યાનો કેસ છે કે પછી હત્યા પાછળ છુપાયેલું છે કોઈ મોટું રહસ્ય?
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે નજીક આવેલા પ્રસિદ્ધ તારંગા જૈન તીર્થમાં સવારે મંદિરના સંચાલકોને પૂજારીના રૂમમાંથી કોઈ હલચલ ન દેખાતા લોકોને શંકા ગઈ. બધાએ ભેગા થઈને જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અંદરનું દૃશ્ય જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા. રૂમમાં પૂજારી પ્રવિણભાઈ રાઠવા અને તેમની પત્ની વર્ષાબેન રાઠવા મૃત હાલતમાં મળી આવ્યા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને FSLની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં વર્ષાબેનના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા છે. પોલીસનું માનવું છે કે કોઈ બોથડ પદાર્થ વડે માથામાં ઘા મારવામાં આવ્યા હોઈ શકે છે. બીજી તરફ પૂજારી પ્રવિણભાઈનો મૃતદેહ રૂમમાં જ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બંને સંજોગોને આધારે પોલીસ હાલ એવી આશંકા વ્યક્ત કરી રહી છે કે પત્નીની હત્યા કર્યા બાદ પૂજારીએ આત્મહત્યા કરી હોઈ શકે. જોકે, આ માત્ર પ્રાથમિક અનુમાન છે. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
FSLની તપાસ દરમિયાન કેટલાક એવા પુરાવા સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર કેસ વધુ ગૂંચવાયો છે. પૂજારીના હાથમાં પત્નીના માથાના વાળની મુઠ્ઠી જકડાયેલી મળી. રૂમમાંથી એક છરી મળી આવી, પરંતુ તેના પર લોહીના નિશાન નહોતા. લોહીના ડાઘવાળી એક લાકડી પણ મળી આવી. ઘટનાસ્થળે લોહી સાફ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી છે. આ તમામ પુરાવાના આધારે FSL અને પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
હાલ પોલીસ કોઈપણ સંભાવનાને નકારી રહી નથી. પ્રાથમિક તપાસમાં પત્નીની હત્યા બાદ પતિએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. પરિવારજનો, નજીકના ઓળખીતાઓ તેમજ મંદિર સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રાજ્યના મહત્વપૂર્ણ જૈન તીર્થસ્થળોમાં ગણાતા તારંગા ધામમાં બનેલી આ ઘટનાએ ભક્તોમાં ભારે આઘાત ફેલાવ્યો છે. જ્યાં રોજ શાંતિ, ભક્તિ અને આરાધનાનું વાતાવરણ રહેતું હતું, ત્યાં હવે પોલીસની તપાસ અને રહસ્યમય મોતની ચર્ચા ચાલી રહી છે.
ADVERTISEMENT
સવાલ એ છે કે, પૂજારીના હાથમાં પત્નીના વાળ કેમ હતા? રૂમમાં મળેલી લોહીવાળી લાકડી શું કહે છે? શું કોઈએ લોહી સાફ કરવાનો પ્રયાસ કર્યો? અને ખરેખર આ હત્યા બાદ આત્મહત્યા છે કે પછી સમગ્ર ઘટનાની પાછળ કોઈ બીજું રહસ્ય છુપાયેલું છે? આ તમામ સવાલોના જવાબ હવે પોલીસની તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.