બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ક્યાંક બસ તો ક્યાંક નાગરિકો ફસાયા, તસવીરોમાં જુઓ વરસાદની તારાજીના દ્રશ્યો
5 ફોટો ગેલેરી
Last Updated: 04:55 PM, 25 July 2026
1/5
ભારે વરસાદ બાદ સર્જાયેલા પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે અમદાવાદ-નખત્રાણા રૂટ પર દોડી રહેલી એસટી બસ અકસ્માતનો ભોગ બની હતી. સાણંદ-વિરમગામ-માળિયા હાઈવે પર પાણી ભરાઈ જતાં અને રસ્તા પર તેજ પ્રવાહ વહેતા બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પાણીમાં પલટી ગઈ. ઘટનાના સમયે બસમાં સવાર મુસાફરોએ સમયસૂચકતા દાખવી બસની છત પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાણંદ-વિરમગામ-માળિયા હાઈવેને એહિતિયાતરૂપે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
2/5
વલસાડમાં મધુબન ડેમ તૂટી ગયો હોવાની અફવા સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતા જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. જિલ્લા કલેક્ટરે VTV NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું કે મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ડેમ તૂટી ગયો હોવાના તમામ દાવા ખોટા છે. હાલ ડેમમાંથી નિયંત્રિત રીતે 80 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. કલેક્ટરે વલસાડ જિલ્લાના લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખે.
3/5
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે માનવતા અને ફરજનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. વાપીના મોરાઈ નજીક પૂરનાં પાણીમાં એક યુવક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં વીજપોલનો સહારો લઈને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં ડુંગરા પોલીસ સ્ટેશનના PI બી.એન. ગોહિલ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જીવના જોખમે પોલીસે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. પોલીસની આ બહાદુરી અને સમયસરની કામગીરીના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. PI બી.એન. ગોહિલ સહિત સમગ્ર પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી અને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાના ચોમેર વખાણ થઈ રહ્યા છે.
4/5
ખેડા જિલ્લાના માતર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. તાલુકાની અંદાજે 4,000 વીઘા ખેતીની જમીન વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ભારે વરસાદના પગલે તાલુકાના આશરે આઠ જેટલા મુખ્ય અને આંતરિક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓ વચ્ચે અવરજવર કરવી પડી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
5/5
અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં સતત ત્રણ દિવસ બાદ પણ અનેક વિસ્તારોમાં હજુ સુધી અંદાજે 2 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. પાણી ભરાવાને કારણે મુખ્ય માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક પરિવારો છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સામાન્ય વરસાદમાં પણ દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં પાણીના કાયમી નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી. તંત્રના પૂર નિયંત્રણ અને પાણી નિકાલના દાવાઓ સામે ત્રાગડની વાસ્તવિક સ્થિતિ અલગ જ જોવા મળી રહી છે. પાણીનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. હાલ લોકો તંત્ર પાસેથી ઝડપી રાહત અને કાયમી ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ