બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

જળબંબાકાર / ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

Nidhi Panchal

Last Updated: 12:02 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે જામી ગયું છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ક્યાંક પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તો ક્યાંક ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ બની રહ્યો છે.

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સતત યથાવત છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર ચાલુ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ અવિરત વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં ડાંગર અને શેરડીનો પાક લેવાતો હોવાથી વાવણી લાયક વરસાદ મળતાં ખેડૂતો દ્વારા રોપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે અને સુરક્ષાના ભાગરૂપે જિલ્લાના 10 માર્ગો બંધ કરવામાં આવ્યા છે.

Navsari rain

નવસારીમાં વહેલી સવારથી વરસાદ

નવસારી શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધાનેરા પોઇન્ટ, સ્ટેશન રોડ, તીઘરા, લુંસીકુલ ટાવર, ફુવારા, કાળિયાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની સારી જમાવટ જોવા મળી છે.

આદિવાસી પટ્ટામાં સવારે 6થી 8 વાગ્યા દરમિયાન 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. બીલીમોરા શહેરમાં ભારે વરસાદને કારણે વિઝીબિલિટી ઘટી જતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી અને શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. વાંસદા તાલુકામાં પણ પોણો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સતત ત્રીજા દિવસે વાવણી લાયક વરસાદ વરસતાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગીર સોમનાથમાં પણ મેઘરાજાની બેટિંગ

ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સુત્રાપાડા, પ્રશ્નનાવડા, ધામલેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં 12થી 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જામનગરમાં વરસાદના કારણે શેરીઓમાં પાણી

બીજી તરફ જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભારે વરસાદના કારણે ખરાવાડ વિસ્તારમાં શેરીઓ નદીની જેમ વહેતી થઈ ગઈ હતી. વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં બે બાળકો તણાઈ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોની સતર્કતાના કારણે બંને બાળકોને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જામજોધપુર પંથકમાં ગઈકાલે પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

વલસાડમાં માત્ર બે કલાકમાં 6 ઇંચ વરસાદ

વલસાડ જિલ્લામાં પણ વરસાદની હેલી યથાવત રહી છે. માત્ર બે કલાકમાં જ 6 ઇંચ વરસાદ ખાબકતા વલસાડ શહેર જળબંબાકાર બની ગયું હતું. શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તિથલ રોડ, ભાગડાવાડા, એમજી રોડ તેમજ રેલવે ગરનાળાઓમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પર અસર પડી હતી.

આગામી દિવસોની હવામાનની આગાહી

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જિલ્લાના શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તમામ શાળાના આચાર્યોને સ્થિતિ પર સતત નજર રાખવા અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવા સૂચના આપવામાં આવી છે. જરૂરિયાત મુજબ સ્થિતિનું મૂલ્યાંકન કરીને રજા જાહેર કરવાની સત્તા પણ આચાર્યોને આપવામાં આવી છે.

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સુંદર નજારો

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાઈ ગયો હતો. સાપુતારાની તળેટીના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ અરવલ્લી જિલ્લાના ઉપરવાસ વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે શામળાજીની ગોદરી નદીમાં નવા નીરની આવક થઈ છે. મોટા કંથારીયા પંથકમાં આવેલી નદીમાં પણ વરસાદી પાણીની આવક શરૂ થઈ છે. મોટા કંથારીયા ઉપરવાસ તેમજ કાળાપાણા અને બેડાનાકા નજીક રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં પ્રથમ વરસાદમાં જ નદીઓમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : GIFT સિટીમાં વિદેશી દારૂ સસ્તો થતા માંગમાં વધારો, ટેક્સ ઘટાડા બાદ વાઇન એન્ડ ડાઇન સ્થળોએ વધી ભીડ

ભરૂચ જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના નવ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ હાંસોટ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જંબુસર, વાગરા, આમોદ અને ઝઘડિયા સહિતના તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. નેત્રંગમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં વરસી રહેલા આ વરસાદથી એક તરફ શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે તો બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ડાંગર, શેરડી સહિતના પાકોની વાવણીને વેગ મળ્યો છે અને ચોમાસું હવે સમગ્ર ગુજરાતમાં જોર પકડી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Monsoon Update Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ