ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં PM મોદી એક્શનમાં, ગુજરાતમાં થશે નવા-જૂની?
Last Updated: 11:31 PM, 14 November 2026
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે રાજકીય અને સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ગુજરાત મુલાકાત અને મુખ્યમંત્રી નિવાસસ્થાને મોડી રાત સુધી ચાલેલી કેબિનેટ બેઠક બાદ રાજ્યના રાજકારણમાં અનેક અટકળો શરૂ થઈ છે. ખાસ કરીને ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થશે કે કેટલાક મંત્રીઓનાં પત્તાં કપાશે તેને લઈને ચર્ચાઓ તેજ બની છે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર સામે વિવિધ મોરચે પડકારો ઊભા થયા છે. મોરબીમાં ખેડૂતોના આંદોલને સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. બીજી તરફ નર્મદા જિલ્લામાં જંગલની જમીન પર ખેતી અને જમીનના માલિકી હકોના મુદ્દે ભાજપના જ સાંસદ મનસુખ વસાવા સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયા છે. રાજ્યમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે રાહત પેકેજ અને ખેડૂતોને મળતી સહાયને લઈને પણ અસંતોષની ચર્ચા છે. આ તમામ મુદ્દાઓ આગામી ચૂંટણીમાં ભાજપ માટે પડકાર બની શકે છે.
ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપ સત્તામાં છે. લાંબા સમયથી સત્તામાં રહેલી પાર્ટી સામે ઊભા થતા સત્તાવિરોધી વલણ એટલે કે એન્ટી-ઇન્કમ્બન્સીનો સામનો કરવા ભાજપ મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે છે તેવી અટકળો પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મંત્રીઓ સાથે મોડી રાત સુધી બેઠક યોજાઈ હતી. 13 નવેમ્બરની રાત્રે શરૂ થયેલી આ બેઠક લગભગ 11:10 વાગ્યા સુધી ચાલી હતી. બેઠક બાદ વડાપ્રધાને કેબિનેટ મંત્રીઓ સાથે ભોજન પણ લીધું હતું.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, બેઠકમાં રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા કરવાની સાથે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા અને જનસંપર્ક વધારવા અંગે ચર્ચા થઈ હતી. મંત્રીઓને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા અને લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ મંત્રીઓને માત્ર સરકારી કાર્યક્રમો અને વહીવટી કામગીરી સુધી મર્યાદિત ન રહેવા સલાહ આપી હતી. તેમણે લોકોને મળવા, તેમની સમસ્યાઓ સમજવા અને સરકારની યોજનાઓનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત બદલાતા ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરવા પર પણ ભાર મૂકાયો હતો. સરકારની કામગીરી અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા તેમજ ખોટી માહિતીને તથ્યોના આધારે જવાબ આપવા અંગે પણ ચર્ચા થયાનું અહેવાલમાં જણાવાયું છે.
ADVERTISEMENT
ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભાજપના કેટલાક જૂના અને વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતોમાં પૂર્વ સાંસદ હરિન પાઠક, પૂર્વ ધારાસભ્યો પ્રદીપ પરમાર અને ભરત બારોટ, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા તથા અરવિંદ પટેલનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
દિલ્હી પરત ફરતા પહેલાં પણ તેમણે ધર્મેન્દ્ર શાહ, કિરીટ સોલંકી, વલ્લભ કાકડિયા, ભૂષણ ભટ્ટ, બલરામ થવાણી અને રાકેશ શાહ સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા નેતાઓ સાથેની આ મુલાકાતોને પણ રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18થી 20 નવેમ્બર દરમિયાન ગુજરાતના આદિવાસી વિસ્તારોના 72 કલાકના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને આદિવાસી સમાજના લોકો સાથે સીધો સંવાદ કરશે.
આ પણ વાંચો- વાવ-થરાદમાં નવા વર્ષના સ્નેહમિલનના બહાને કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું
ગુજરાતના રાજકારણમાં આદિવાસી મતદારોનું મહત્ત્વ સતત રહ્યું છે. ઉપલબ્ધ વસ્તી આધારિત વિશ્લેષણ મુજબ, રાજ્યની 40 વિધાનસભા બેઠકો પર અનુસૂચિત જનજાતિની વસ્તી 20 ટકાથી વધુ છે, જ્યારે 27 બેઠકો આદિવાસી સમાજ માટે અનામત છે. રાજ્યમાં આદિવાસી સમાજની વસ્તી આશરે 80થી 90 લાખની આસપાસ છે.
આદિવાસી વિસ્તારોમાં જમીનના અધિકારો, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, સિંચાઈ અને સ્થાનિક વિકાસ જેવા મુદ્દાઓ મહત્ત્વના છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં જમીનના હકોને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રીનો આદિવાસી વિસ્તારોનો પ્રવાસ રાજકીય રીતે પણ ધ્યાન ખેંચી રહ્યો છે. જોકે આ પ્રવાસને ચૂંટણીલક્ષી જનસંપર્ક તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ સરકાર તરફથી તેને લઈને સત્તાવાર ચૂંટણીલક્ષી હેતુ જાહેર થયો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Kalpesh Kandoriya is a journalist with experience at EENADU Digital, Times Internet, and Oneindia News Portal. He specializes in political and crime reporting, delivering credible, insightful coverage