ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સરાઝા હોટલ દારૂ પાર્ટી કેસ: પૂછપરછ બાદ પોલીસની ઢીલી નીતિ હોય તેમ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં
Last Updated: 12:24 PM, 14 November 2026
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીના કેસમાં પોલીસની તપાસની દિશા અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે. દારૂપાર્ટી મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આયોજક સહિત સંડોવાયેલા લોકોની પૂછપરછ તો કરી છે, પરંતુ દારૂ ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT
મળતી વિગતો મુજબ, દારૂપાર્ટી દરમિયાન મળી આવેલી દારૂની બોટલો વાઈન શોપમાંથી ખરીદવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, આ બોટલો રાજકોટની કઈ વાઈન શોપમાંથી ખરીદવામાં આવી હતી અને દારૂનું વેચાણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તે દિશામાં તપાસનું પરિણામ હજુ જાહેર થયું નથી.

ADVERTISEMENT
બીજી તરફ, આ દારૂપાર્ટીનું આયોજન સરાઝા હોટલમાં કરવામાં આવ્યું હોવા છતાં હોટલના સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો મુદ્દો પણ ચર્ચામાં છે. હોટલમાં દારૂપાર્ટી યોજાઈ હોવા છતાં જવાબદારો સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તેવા સવાલો ઊઠી રહ્યા છે.

ADVERTISEMENT
પોલીસે પાર્ટીના આયોજક સહિત અન્ય વ્યક્તિઓની પૂછપરછ કરી છે, પરંતુ દારૂના સ્ત્રોતથી લઈને હોટલની જવાબદારી સુધીના અનેક મુદ્દાઓ હજુ સ્પષ્ટ થવાના બાકી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં દારૂ સપ્લાય કરનાર વાઈન શોપ સુધી પહોંચવામાં આવે છે કે કેમ અને સરાઝા હોટલના સંચાલકો સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ.

ADVERTISEMENT
Rajkot Liquor Party : રાજકોટના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાના દાવા બાદ શહેરમાં ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયા પર પાર્ટીનો કથિત વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ LCB ઝોન-2ની ટીમે હોટલમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક વિગતો મુજબ દિવાળી પહેલાં ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ પાર્ટીમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત કુલ 76 લોકો હાજર હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ પાર્ટીમાં રાજકોટ અને મોરબીના 50થી વધુ નામાંકિત ઉદ્યોગપતિઓ તથા મોટા વેપારીઓ હાજર હોવાની ચર્ચા છે. આ ઉપરાંત, પાર્ટીનું જોડાણ જાણીતા ડેકોરા ગ્રુપ સાથે હોવાનો દાવો પણ સામે આવ્યો છે. જોકે, આ વિગતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. હોટલના પાર્કિંગમાં મોંઘીદાટ લક્ઝરી કારનો જમાવડો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
પોલીસની ઓચિંતી કાર્યવાહી દરમિયાન હોટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હોવાના અહેવાલ છે. કેટલાક દ્રશ્યોમાં મહિલાઓ કેમેરાથી બચવા ખુરશીના કવર વડે ચહેરો છુપાવતી જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન હોટલની વીજળી અચાનક બંધ થઈ હોવાની વાત પણ સામે આવી છે. જનરેટરની સુવિધા હોવા છતાં લાઇટ કેમ બંધ થઈ તે અંગે સવાલો ઊઠ્યા છે.
હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં કોણ-કોણ સામેલ હતું તે તપાસનો વિષય છે. 50થી વધુ ઉદ્યોગપતિઓની હાજરી અને ડેકોરા ગ્રુપ સાથેના કથિત જોડાણ અંગે પણ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. પોલીસ તરફથી તમામ વિગતોની પુષ્ટિ થયા બાદ જ સમગ્ર ઘટનાની સ્પષ્ટતા થઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો