ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બપોરે ગરમી, રાત્રે ઠંડી, બેવડી ઋતુના અહેસાસ વચ્ચે રાજ્યમાં વરસાદની કોઇ શક્યતા નહીં
Last Updated: 02:59 PM, 14 November 2026
ADVERTISEMENT
શહેરમાં શિયાળાની શરૂઆત વચ્ચે બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહેશે. વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક અનુભવાશે, જ્યારે બપોરના સમયે તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની આસપાસ પહોંચતાં ગરમીનો અહેસાસ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહેશે. આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સાથે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી એટલે કે અમદાવાદ સહિત રાજ્યના લોકોને હાલ બેવડી ઋતુમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના ૧૪ નવેમ્બરના સવારે ૮.૩૦ વાગ્યાના અહેવાલ મુજબ અમદાવાદમાં અગાઉના દિવસે મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૦.૩ ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રી વધારે હતું. આમ રાત્રિના તાપમાનમાં હજુ ખાસ ઘટાડો થયો નથી.
દરમિયાન આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ક્યાંય વરસાદ થવાની શક્યતા નથી. અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, પરંતુ તેની ગુજરાતના હવામાન પર ખાસ અસર થવાની શક્યતા ઓછી છે. ગત દિવસોમાં ૧૬.૫ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે વડોદરા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય
બીજી તરફ, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અંદમાન સમુદ્ર પર સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ ૧૩ નવેમ્બરે લો-પ્રેશર સિસ્ટમ બની હતી. આ સિસ્ટમ આજે ૧૪ નવેમ્બરે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને વધુ મજબૂત બની વેલ-માર્ક્ડ લો-પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતા છે. ત્યાર બાદ ૧૫ નવેમ્બરે તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ CMના 3 દિવસ આદિવાસી વિસ્તારમાં રોકાણ પાછળ ભાજપનું મોટું ગણિત, એક પ્રવાસમાં અનેક નિશાન પાર પાડવાની ગણતરી
આ સિસ્ટમ વધુ મજબૂત બની ૧૬ નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યાર બાદ તે ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જોકે આ સિસ્ટમની ગુજરાતના હવામાન પર કોઈ મોટી અસર થવાની હાલ શક્યતા દર્શાવવામાં આવી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.