ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:39 PM, 14 November 2026
ADVERTISEMENT
ગુજરાતથી કર્ણાટક ફરવા ગયેલા પરિવાર સાથે એક ગમખ્વાર દુર્ઘટના બની છે.કુદરતી સૌંદર્ય માણવા અને બોટિંગની મજા લેવા ગયેલા પરિવાર પર અચાનક આફત આવી પડી.હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન તેમની બોટ પલટી મારી ગઈ હતી.આ દુર્ઘટનામાં સુરતના 50 વર્ષીય ધર્મેશ અને 48 વર્ષીય નમ્મીનું મોત થયું છે.જોકે પરિવારનાં બે સંતાનોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
કર્ણાટકના કોડાગુ જિલ્લામાં આવેલા હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ગુજરાતના સુરતથી ફરવા ગયેલો પરિવાર શુક્રવારે સાંજે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતી વોટર એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણવા ગયો હતો. આ દરમિયાન તેમની બોટ અચાનક પલટી મારી ગઈ હતી. બોટમાં સવાર પરિવારના ચારેય સભ્યો પાણીમાં પટકાયા હતા. આ દુર્ઘટનામાં પતિ-પત્ની પાણીમાં ડૂબી જતાં તેમનું મોત થયું હતું.
ADVERTISEMENT
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દંપતીની ઓળખ 50 વર્ષીય ધર્મેશ અને તેમની 48 વર્ષીય પત્ની નમ્મી તરીકે થઈ છે. બંને ગુજરાતના સુરતના રહેવાસી હતા.પરિવાર રજાઓ ગાળવા માટે કર્ણાટક આવ્યો હતો, પરંતુ પ્રવાસ દરમિયાન બનેલી આ ઘટનાએ પરિવારની ખુશીઓ છીનવી લીધી હતી. જે પ્રવાસ યાદગાર બનવાનો હતો તે પરિવાર માટે ક્યારેય ન ભૂલી શકાય તેવી દુઃખદ યાદ બની ગયો છે.
ADVERTISEMENT
બોટમાં દંપતીની સાથે તેમનો 21 વર્ષનો દીકરો અને 24 વર્ષની દીકરી પણ સવાર હતાં. બોટ પલટી જતાં બંને પાણીમાં પડી ગયાં હતાં. જોકે, સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં આવતાં બંનેને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં બંને સંતાનોનો જીવ બચી જતાં મોટી દુર્ઘટના વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 40 મુસાફરોથી સવાર બસમાં લાગી ભીષણ આગ, યમુના એક્સપ્રેસ-વે પર મચી દોડધામ
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા પ્રમાણે બોટમાં સવાર ચારેય લોકોએ લાઇફ જેકેટ પહેર્યાં હતાં. તેમ છતાં આ દુર્ઘટનામાં દંપતીનો જીવ બચાવી શકાયો નહોતો. પ્રાથમિક માહિતી મુજબ, બોટ પલટી જતાં ધર્મેશ અને નમ્મી તેની નીચે ફસાઈ ગયાં હોવાની શક્યતા છે. જેના કારણે તેઓ પાણીમાંથી બહાર આવી શક્યાં નહોતાં અને ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. બીજી તરફ બંને સંતાનો પાણીમાં પડી ગયાં હતાં જેમને બચાવી લેવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કુશલનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં બોટના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કલમ બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનું મોત થવાના કિસ્સામાં લાગુ પડે છે. પોલીસ હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. બોટ કેવી રીતે પલટી મારી ગઈ અને આ દુર્ઘટના પાછળ બેદરકારી હતી કે નહીં તે સહિતના મુદ્દાઓ તપાસ હેઠળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો