બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat assembly election first phase voting

ગુજ'રાજ' 2022 / ગુજરાતમાં છેલ્લી ઘડીએ મતદારોએ દોટ મૂકી, મોટાભાગના જિલ્લાઓમાં 60 ટકા મતદાનની સંભાવના, જુઓ દિવસભરની તમામ અપડેટ્સ

Malay

Last Updated: 05:20 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેમાં કેટલીક જગ્યાએ મતદારોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ  
  • 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ
  • 8મી ડિસેમ્બર હાથ ધરવામાં આવશે મતગણતરી

આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થયું હતું. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં હતા. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EMVમાં કેદ થયું છે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.  

જુઓ દિવસભરના તમામ મોટા અપડેટ્સ 

(05:00 PM)
વિધાનસભામાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં અંદાજે 60 ટકા જેટલું મતદાન રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં એકંદરે શાંતિ પૂર્ણ મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ઓછું અને આદિવાસી પટ્ટીમાં ભારે મતદાનની સંભાવના છે. સૌથી વધારે તાપી જિલ્લામાં 75 ટકા મતદાન થવાની સંભાવના છે. સૌથી ઓછું કચ્છ જિલ્લામાં 50 ટકા મતદાન થવાની સંભાવના છે. 
 

(04:42 PM)
રાજકોટ પૂર્વ વિધાનસભાના મતદાનમાં ફરી વિવાદ સર્જાયો છે, વોટિંગનો વીડિયો ઉતારી EVM પર 'જય સરદાર'ના લખાણની ચિઠ્ઠી મુકતો એક યુવક નજરે પડ્યો.
 

(04:40 PM)
અમરેલીની રાજુલા બેઠક પર રસાકસી ભર્યો જંગ સર્જાયો છે. રાજુલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેરે જંગી લીડથી જીતનો દાવો કર્યો છે. તેઓએ જણાવ્યું કે, અમરેલીની 5 સહિત 125થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે

(04:34  PM)
ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક EVM ખોટકાયા છે. ભાવનગર શહેર અને જિલ્લાની 7 વિધાનસભા માટે સવારના 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અહીં 4 જેટલા બેલેટ યુનિટ બદલવાની ફરજ પડી છે. તો 16 જેટલા કંટ્રોલ યુનિટ અને ભાવનગરમાં 28 વીવીપેટ મશીનો બદલવામાં આવ્યા છે. ભાવનગર શહેરની પશ્ચિમ બેઠકો પર સૌથી વધુ ખામી સર્જાઈ છે. આ સાથે કુંભરવાડામાં પણ EVM મશીન ધીમું ચાલતું હોવાની ફરિયાદો ઉઠી છે.

(04:24  PM)
સૌરાષ્ટ્ર-કચ્છમાં 42 ટકા મતદાન થયું છે. તો  દક્ષિણ ગુજરાતમાં 56 ટકા જેટલું મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 14 ટકા ઓછુ મતદાન થયું છે. પાટીદાર વિસ્તારો સૂસ્ત રહ્યા છે. પાટીદાર વિસ્તારોમાં સૂસ્તીથી ઉમેદવારોની ઉંઘ ઉડી છે.

(04:17 PM)
માંગરોળના પ્રોગ્રેસ પ્રાયમરી સ્કૂલના બુથ પર ભીડ જામી છે. અહીં EVM પર મતદાન ધીમું થતું હોવાની ફરિયાદો ઉઠી છે. મતદાન ધીમુ થતાં મતદાન મથકની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.

(04:06 PM)
4 વાગ્યા સુધીમાં રાજ્યમાં 54% મતદાન
તાપી - 68%
ડાંગ  - 64%
નર્મદા - 68%
જામનગરમાં - 51%
દ્વારકામાં - 52%
કચ્છમાં - 46%
ગીર સોમનાથ  - 57%
જૂનાગઢ  - 52%
પોરબંદર  - 49%
ભાવનગરમાં  - 51%
બોટાદમાં   -50%
અમરેલીમાં -  50%
સુરેન્દ્રનગરમાં - 54%
રાજકોટમાં - 52%
મોરબીમાં -  58%
ભરૂચમાં  - 57%
સુરતમાં  - 53%
નવસારીમાં - 60%
વલસાડમાં - 59%

(03:56 PM)
જામનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ VTV સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેઓએ પરિવાર સાથેની ચૂંટણી લડાઈ અંગે બોલવાનું ટાળ્યું. તેઓએ જણાવ્યું કે, માઇક્રોપ્લાનિગ અને રણનીતિ સાથે આગળ વધી રહ્યા છીએ, ત્રિપંખિયા જંગની કોઈ અસર વર્તાશે નહી.

(03:50 PM)
નવસારી જિલ્લાના વાસદા તાલુકાના વાટી ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અંબિકા નદી ઉપર પુલ ન બનતા સ્થાનિકો રોષે ભરાયા છે. જેને લઇને સવારથી અત્યાર સુધીમાં ગામના એક પણ મતદારે મતદાન કર્યુ નથી. 

(03:45 PM)
ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ હોસ્પિટલથી મતદાન કરવા પહોચ્યા હતા. રેવતસિંગને 2 દિવસ અગાઉ હાર્ટ અટેક આવતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી હતી.

(03:37 PM)
ધોરાજી વિધાનસભામાં મતદાર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. જમાલીપા વિસ્તારના મતદારો ખાલી તેલની બરણી અને ગેસના બાટલા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.  બુથ ઉપર જઈને મોંઘવારી પર બળાપો કાઢીને મતદાન કર્યું હતું. 

(03:33 PM)
ગોંડલના જામવાડી ગામે કોંગ્રેસના પોલિંગ એજન્ટ પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પોલિંગ એજન્ટને કેટલાક શખ્સોએ મારમાર્યો હોવાના સમાચાર સામે આવતા કોંગ્રેસના ઉમેદવાર પણ પોલિંગ બુથ પર પહોચ્યા છે. 3 શખ્સો દ્વારા કોંગ્રેસના પોલિંગ એજન્ટને મારમાર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

(03:29 PM)
ગીર સોમનાથ જિલ્લાના 91-તાલાલા વિધાનસભામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ સીદી મતદારોએ મતદાન કર્યું છે. માધુપુર મથકે સીદી મતદારોએ અનોખા અંદાજમાં મતદાન કર્યું છે. ‘વસુધૈવ કુંટુંબકમ્’ની ભાવનાથી મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. 

(03:23 PM)
ગોંડલના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પુત્રએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે કે રીબડાના અનિરુદ્ધસિંહના પુત્ર બોગસ મતદાન કરાવે છે. દાળિયા ગામના લોકોએ અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ બોગસ મતદાન કરાવતા હોવાની માહિતી આપી હતી, આથી પોલીસ-બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

(03:16 PM)
જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકમાં આવતા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઊભું કરવામાં આવતું હતું, પરંતુ આ ચૂંટણીમાં અલગ બૂથની વ્યવસ્થા ન થતાં નારાજ થયેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. બપોરે બે વાગ્યા સુધીમાં ગામમાં એકપણ મત પડ્યો નથી. 

(03:08 PM)
3 વાગ્યા સુધીમાં રાજ્યમાં 45% મતદાન
સૌથી વધુ ડાંગ  - 56%
તાપી - 56%
નર્મદા 56%
સૌથી ઓછુ જામનગરમાં 41%
દ્વારકામાં 44%
કચ્છમાં 44%
ગીર સોમનાથ 47%
જૂનાગઢ 44%
પોરબંદર 42%
ભાવનગરમાં 45%
બોટાદમાં 42%
અમરેલીમાં 43% 
સુરેન્દ્રનગરમાં 45%
રાજકોટમાં 44%
મોરબીમાં 49%
ભરૂચમાં 47%
સુરતમાં 45%
નવસારીમાં 51%, 
વલસાડમાં 49%

(03:00 PM)
બોટાદના મંગળપરા વિસ્તારમાં વરરાજા ફેરા ફરતા પહેલા પરિવાર અને મિત્રો સાથે ઢોલ નગારા સાથે મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.  અહીં મતદાન કર્યા બાદ તેમણે અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. 

(02:50 PM)
સોમનાથ બેઠક પર ભાજપ - કોંગ્રેસના ઉમેદવારો મતદાન સમયે સામ-સામે આવતા નારાજગીના દ્રશ્યો સર્જાયાં હતા. ભાજપના ઉમેદવારે માનસિંહ પરમારે હાથ મેળવવા આગળ થતાં કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા ચહેરા પર સ્મિત આપી દૂર ભાગ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

(02:40 PM)
કતારગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિનું મોરાડીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ બેઠક પર આયાતી પાર્ટીઓના સૂપડા સાફ થઈ જશે. ભાજપનો ભગવો આખા ગુજરાતમાં લહેરાશે.

(02:30 PM)
ખેરગામ તાલુકા નાંધઈ ગામે મતદાન મથકમાં માથાકૂટના સમાચાર સામે આવ્યા છે. મોક પોલ મુદ્દે પ્રીસાઈડિંગ ઓફિસર સાથે કોંગ્રેસના પોલિંગ એજન્ટની બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારથી અત્યાર સુધી એક પણ મતદાર મતદાન મથક પર આવ્યા નથી. પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

(02:25 PM)
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારમાં આવતા સમોટ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અત્યાર સુધી ગામના મતદાન કેન્દ્ર પર એક પણ મત પડ્યો નથી. ગામમાં 1000 જેટલા મતદારો છે, છતાં હજુ સુધી કોઈ સમજાવવા માટે આવ્યું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સ્થાનિકો ગામના રોડ, પાણી સહિત પાયાની સુવિધા માટે વિરોધ કરી રહ્યા છે.

(02:20 PM)
ડાંગના મોટી દબાસ ગામે પુલ અને રસ્તાની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. લોકો મતદાન મથક સુધી ફરક્યાં પણ નથી. તંત્ર દ્વારા સમજાવવા કોશિશ નિષ્ફળ ગઈ છે.પુલ અને રસ્તાની માંગને લઈને ગ્રામજનો અડગ છે.

(02:10 PM)
સાવરકુંડલા બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસના સીટિંગ MLA પ્રતાપ દુધાત સામે ભાજપે મહેશ કસવાલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. મતદાન કર્યા બાદ પ્રતાપ દુધાતે  જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું કે, અમરેલીની તમામ 5 બેઠકો પર કોંગ્રેસ જીતશે.

(02:00 PM)
2 વાગ્યા સુધીમાં રાજ્યમાં 39% મતદાન
ડાંગ અને તાપી, નર્મદા જિલ્લામાં 50% મતદાન 
સૌથી ઓછુ જામનગરમાં 35% મતદાન
જૂનાગઢમાં 48% અને નવસારીમાં 45% મતદાન 
મોરબી અને વલસાડમાં 43-43% મતદાન
ભરૂચ અને ગીર સોમનાથમાં 41-41% મતદાન
સુરત, ભાવનગર, સુરેન્દ્રનગર અને દ્વારકામાં 39-39% મતદાન
રાજકોટ અને કચ્છમાં 38-38% મતદાન
બોટાદ અને પોરબંદર 36-36% મતદાન
અમરેલીમાં 37% મતદાન નોંધાયું

 

(01:57 PM)

જામનગરના કાલાવડમાં બે મતદાન મથકો પર EVM મશીનમાં ખામી સર્જાઈ છે. કાલાવાડ શહેરમાં આવેલી વજકુંવર કન્યા વિદ્યાલય અને આર.બી.સ્કૂલમાં  EVM મશીનમાં ખામી સર્જાતા મતદાતા મુશ્કેલીમાં મુકાયા હતાં. એવું પણ જાણવા મળ્યું જેના કારણે કેટલાક મતદાતાઓ મતદાન કર્યા વિના પરત પણ ફર્યા હતાં

(01:47 PM)
વિધાનસભા ચૂંટણીનું પેહલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, સુરતમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે તેમજ તમણે જણાવ્યું કે, ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી, કતાર ગામ હોય કે વરાછા રોડ તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે તેમણે વધુમાં કહ્યું કે, ઇવીએમનો દોષ કાઢવાની કોંગ્રેસની આદત છે અને લક્ષ્ય પ્રમાણે 8 તારીખે પરિણામ આવશે.

(01:41 PM)
ઓલપાડ બેઠક પર કરમલા પ્રાથમિક શાળા ખાતે લગ્નની હલ્દી સાથે યુવાને મતદાન કર્યું છે. કરમલા ગામના કિરણ સરવૈયાએ લગ્ન પહેલા હલ્દી સાથે મતદાન કર્યું છે. સાથે યુવકે વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ કરી છે. 

(01:30 PM)
ગીર સોમનાથના બાણેજ ગામે 100% મતદાન પૂર્ણ થયું છે. અહીં ભારતના ચૂંટણી પંચ દ્વારા માત્ર એક મત માટે મતદાન બુથ ઉભું કરાયું હતું. આ મતદાન મથક પર બાણેજના મહંત હરીદાસબાપુ એક માત્ર મતદાર હતા. તેમના દ્વારા મતદાન કરવામાં આવતા મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. બાણેજ બુથમાં 100% મતદાન થયું છે.

(01:21 PM)
અમરેલી - સાવરકુંડલાના આંબરડી ખાતે બળદ ગાડામાં ખેડૂતો 'જય જવાન, જય કિસાન'ના નારા લગાવતા લગાવતા મતદાન મથકે પહોંચ્યા હતા. અહીં લોકશાહીના પર્વને ઉજવવામાં ખેડૂતોમાં થનગનાટ જોવા મળ્યો હતો. આ સાથે સુરતના કતારગામ બેઠક પર યુવા મતદારો ઘોડા પર સવાર થઈને મતદાન મથકે પહોચ્યા હતા. ઘોડા પર સવાર થઈને આવેલા યુવકોને જોઈ લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું.

(01:15 PM)
ભુજના મીરઝાપર ગામમાં EVM મશીન ખોટવાયું, મીરઝાપર ગામમાં EVM બંધ થતા મતદારો મતદાન કર્યા વિના પરત જઈ રહ્યા છે. તો ભુજ નજીક સુમરાસર મતદાન કેન્દ્ર પર માનવતાના દ્રશ્યો સર્જાયા. અહીં સુરક્ષા જવાને પોતાની માનવીય ફરજ નિભાવી હતી. સુરક્ષા જવાને દિવ્યાંગ મતદારને ખંભા પર ઉંચકી મતદાન કેન્દ્ર પર મતદાન માટે લઈ ગયા હતા.

(01:10 PM)
રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકાવ્યા હતા. આધારકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી કિર્તીદાનને મત આપતા અટકાવતા તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરને રજૂઆત કરાયા બાદ કિર્તીદાન ગઢવી મત આપી શક્યા હતા. 

(01:05 PM)
જેતપુરમાં વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવાગઢમાં યુવકે અનોખી રીતે લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી. જેતપુરમાં વિનીત ઠુમર નામના યુવકે પ્રથમ મતદાન તેમજ તેના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. યુવકે પોલિંગ બુથ ઉપરના કર્મચારીઓ સાથે કેક કાપી ઉજવણી કરી છે.

(01:00 PM)
રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં 31% મતદાન
સૌથી વધુ ડાંગ અને તાપી જિલ્લામાં 35% મતદાન 
સૌથી ઓછુ દ્વારકામાં 28% મતદાન
નર્મદામાં 33% અને નવસારીમાં 32% ટકા મતદાન
વલસાડ અને મોરબીમાં 32-32% મતદાન 
રાજકોટમાં 31% મતદાન
ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર 30-30% મતદાન
કચ્છ, બોટાદ, સુરત, ભરૂચ અને જૂનાગઢમાં 29-29% મતદાન
પોરબંદર 28% મતદાન નોંધાયું

(12:45 PM)
હાર્દિક પટેલને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, હાર્દિક ભાજપની વિચારધારાને વળગી રહેશે તો ફાયદો થશે. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે તેને સભ્ય બનાવ્યો છે. ભાજપનું ભવિષ્ય સારું છે. હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધાર રાખે છે. 

(12:40 PM)
કચ્છના ગાંધીધામમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે. વરરાજાએ ઘોડા પર બેસતા પહેલા મતદાન કર્યું છે.  અમરેલી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાએ પોતાના ગામ દેવરાજીયા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું છે. સમગ્ર ગામના લોકો કૌશિક વેકરીયાની આગેવાનીમાં વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા.

(12:35 PM)
ગીર સોમનાથ જિલ્લાના 92-કોડીનાર વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર ડો.પ્રદ્યુમન વાજાએ કોડીનાર મ્યુનિસિપલ ગલ્સ હાઈસ્કૂલ ખાતે બુથમાં નિરિક્ષણ કર્યું. તેમણે લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવા માટે વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે. આ સાથે તેમણે કોડીનાર સહિત ગીર સોમનાથ જિલ્લાની તમામ સીટો ભાજપ મેળવશે તેવી આશા વ્યક્ત કરી છે.

(12:26 PM)
સુરતની ઉત્તર વિધાનસભા વિસ્તારમાં પાવર કટની સમસ્યા સર્જાતા વોટિંગ કામગીરી ઠપ્પ થઈ છે, જાણી જોઈને પાવર કટ કરાવ્યો હોવાનો કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે. બેગમપુરાના વિરમગામી મહોલ્લાની શાળામાં વોટિંગ કામગીરી બંધ થતાં કોંગ્રેસના કાર્યકરો શાળામાં ધરણાં પર બેઠા છે.

(12:20 PM)
તાપીમાં લોકશાહીના પર્વની ઉજવણીમાં વરરાજાનો ઉત્સાહ જોવા મળ્યો. વ્યારા શહેરના દાદરી ફળિયામાં રહેતા યુવા વરરાજાએ મતદાન કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ વરરાજાના લગ્ન પહેલા સવારના સમયે હતા, પરંતુ મતદાનના કારણે કેન્સલ કરી સાંજના સમયે લગ્ન કરવાનું આયોજન કર્યું. તેઓએ લગ્ન પહેલા મતદાન કરીને તાપી જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ કરી. 

(12:15 PM)
દ્વારકા 82 વિધાનસભાના ઉમેદવાર પબુભા માણેકે ઓખા ખાતે આવેલ ઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલમાં મતદાન કર્યું. આઠમી વખત લડી રહેલા પબુભા માણેકે ઓખા ખાતે મતદાન કર્યું છે.

(12:10 PM)
સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આલિયાબેટમાં અલગ પ્રકારનું મતદાન મથક ઉભું કરાયું છે. નર્મદા નદીના બેટમાં કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે. કન્ટેનરમાં મતદાન માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ વિસ્તારમાં 213 મતદારો નોંધાયેલા છે, તેમના માટે ખાસ આ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. અગાઉ મતદારોને 80 કિ.મી દૂર મતદાન માટે જવાની ફરજ પડતી હતી. હાલની ચૂંટણીમાં તમામ મતદારોએ ઘર આંગણે મતદાન કર્યું છે. 

(12:05 PM)
તાપીની નિઝર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુનીલ ગામીતે મતદાન કર્યું છે. સુનીલ ગામીતે નિઝરની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી છે. સાથે નિઝર બેઠક પર સારી લીડથી જીતવાની પણ આશા વ્યક્ત કરી છે. મોરબી-માળીયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જે. પટેલે મતદાન કર્યું છે. તેમણે પરિવાર સાથે બોયઝ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું છે.

(12:03 PM)
ભાવનગરમાં પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર સેજલ પંડ્યાએ મતદાન કર્યું છે. તેમણે મહિલાઓને મતદાન કરવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, સેજલ પંડ્યા ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં એક માત્ર મહિલા ઉમેદવાર છે. દ્વારકાના ખંભાળિયામાં રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણીએ મતદાન કર્યું છે. ખંભાળિયા બ્રાન્ચ શાળામાં પરિમલ નથવાણીએ મતદાન કર્યું છે.

(12:00 PM)

12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 24% મતદાન
સૌથી વધુ ડાંગ અને તાપી જિલ્લામાં 30% મતદાન 
સુરત-ભરૂચ-દ્વારકા-બોટાદમાં 23% મતદાન
કચ્છમાં 24%, જામનગર 25%
સુરેન્દ્રનગરમાં 24%, ગીર સોમનાથ 24%
જૂનાગઢ 25%, પોરબંદર 23%
ભાવનગરમાં 24%, બોટાદમાં 23%
અમરેલીમાં 24%, રાજકોટમાં 25%
મોરબીમાં 26%, ભરૂચમાં 23%
નર્મદામાં 28%, સુરતમાં 23%
નવસારીમાં 27%, તાપીમાં 30%
વલસાડમાં 26% મતદાન નોંધાયુ

 

(11:55 AM)
ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, કતારગામમાં જાણી જોઈને ધીમી ગતિએ મતદાન કરાવવામાં આવી રહ્યું છે. @ECISVEEP આ રીતે જો તમારે ભાજપના ગુંડાઓના દબાણમાં જ કામ કરવાનું હોય તો ચૂંટણી શા માટે કરાવો છો? સમગ્ર રાજ્યમાં સરેરાશ 3.5% મતદાન થયું છે, પરંતુ કતારગામમાં માત્ર 1.41 મતદાન થયું છે.'
 

(11:50 AM)
કોંગ્રેસનું ડેલીગેશન ચૂંટણીપંચની ઓફિસે પહોંચ્યું છે. બિમલ શાહ, અલોક શર્મા, યુ.ડી.શેખાવતે ચૂંટણીપંચને રજૂઆત કરી છે. કોંગ્રેસના ડેલીગેશન દ્વારા કેટલીક જગ્યાએ ચૂંટણીપંચની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની રજૂઆત કરવામાં છે, સાથે ચૂંટણીપંચ પાસે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.

(11:45 AM)
વાંસદાના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલે પોતાના સમર્થકો સાથે મનપુર પ્રાથમિક શાળામાં મતદાન છે. ગતરાત્રીએ તેમના ઉપર હુમલો થયો હતો. તેઓ હોસ્પિટલથી સીધા મતદાન કરવા પહોંચ્યા હતા. 

(11:42 AM)
સુરતમાં મતદાન મથકો પર સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં મતદાન કરીને લોકો સેલ્ફી લઈ રહ્યા છે. સુરત જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મતદારોની મતદાન મથકો પર લાંબી કતાર લાગી છે. 

(11:40 AM)
રીબડાના વૃદ્ધ પ્રહલાદસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ વખતે ચૂંટણી સમયે પોલીસ બંદોબસ્ત વધુ જોવા મળે છે. જોકે, 81 વર્ષની ઉંમરમાં મેં અનેક ચૂંટણીઓ જોઈ છે. મિલ્ટ્રીની પુરી ટીમો ચૂંટણી સમયે રીબડામાં જોઇ છે. રીબડાના લોકો શાંત છે અમને હેરાન કરશે તો અમે બીજી રીતે જવાબ આપશું. અમે ચૂંટણી લડતા નથી છતાં અમને લોકોને બદનામ કરવામાં આવે છે. ન્યાયિક ચૂંટણી થવી જોઇએ તેવી અમારી માંગ છે

(11:36 AM)
વરાછા બેઠકના બંન્ને કટ્ટર હરીફ આપના અલ્પેશ કથીરિયા અને ભાજપના કુમાર કનાણી મતદાન કરવા પહોંચ્યા હતા. આ તકે આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના આશીર્વાદ લીધા હતા. 

(11:35 AM)
જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે ગાયત્રી મંદિર મતદાન મથકે પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો. આ તકે તેઓએ જણાવ્યું કે, 'લોકશાહીના પર્વમાં સૌ ભાગીદાર બને' તો અમરેલી-રાજુલા બેઠક ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ જાફરાબાદ શહેરમાં પરિવાર સાથે મતદાન કર્યું. માંગરોળમાં સાંસદ રાજેશ ચુડાસમાએ મતદાર કર્યું છે. ચોરવાડ કન્યા પ્રાથમિક શાળા ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથના સાંસદે મતદાન કર્યું છે. 

(11:33 AM)
બોટાદ ખાતે દુલ્હન કૃપાબા ધાધલે પ્રભુતામાં પગલાં પાડતાં પહેલા મતદાન કર્યું. લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન કરી તેમણે અન્ય લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

(11:30 AM)
ઉના વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશે પોતાના પરિવાર સાથે દુધાળા ગામે મતદાન કર્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યાં હતા. તેમણે ધરમપુરની કાકડકુવા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. આ તકે તેમણે ધરમપુર બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમરેલી લાઠી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વીરજી ઠુમ્મરે વાવડી ગામે મતદાન કર્યું. તેમની સાથે પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર મતદાન મથક પહોચ્યા હતા.

(11:25 AM)
લીંબડી સીટના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ મતદાન કર્યું છે. જે બાદ તેમણે નિવેદન આપતા કહ્યું કે, આખા વિસ્તારમાં ખૂબ જ શાંતિના મહોલમાં મતદાન થઈ રહ્યું છે.  લોકો ઉત્સાહ પૂર્વક મતદાન કરી રહ્યા છે. લોકો વિકાસના કામ જોઈને મતદાન કરી રહ્યા છે.

(11:20 AM)
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે દીકરા શિવરાજ સાથે મતદાન કર્યું છે. જે બાદ તેઓએ લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, ખોડલધામ દરેક સમાજ સાથે લાગણીથી જોડાયેલી સંસ્થા છે. સારા લોકો ચૂંટાઇને આવે તેવી આશા છે. ગુજરાતનો વિકાસ થાય તેવાં ઉમેદવાર ચૂંટાય તેવી આશા છે.

(11:10 AM)
ભાવનગરના હાનોલ ગામે મનસુખ માંડવીયાએ મતદાન કર્યું છે. મતદાન બાદ તેઓએ કહ્યું કે, રાજ્યમાં ભાજપની જ સરકાર બનશે. આ ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટશે. આ સાથે તેમણે લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી છે.

(11:05 AM)
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ભુજના મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે.

 

(11:03 AM)
જામનગરની પંચવટી કોલેજ ખાતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મતદાન કર્યું છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપના ઉમેદવાર છે. તેઓ જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

 

(11:00 AM)
11 વાગ્યા સુધીમાં રાજ્યમાં 19% મતદાન
સૌથી વધુ ડાંગ જિલ્લામાં 21% મતદાન 
સૌથી ઓછુ દ્વારકામાં 17% મતદાન
કચ્છમાં 18%, જામનગર 19%
સુરેન્દ્રનગરમાં 18%, ગીર સોમનાથ 19%
જૂનાગઢ 20%, પોરબંદર 18%
ભાવનગરમાં 19%, બોટાદમાં 18%
અમરેલીમાં 19%, રાજકોટમાં 19%
મોરબીમાં 19%, ભરૂચમાં 19%
નર્મદામાં 19%, સુરતમાં 20%
નવસારીમાં 19%, તાપીમાં 20%
વલસાડમાં 20% મતદાન નોંધાયું

(10:55 AM)
રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. અનિરૂદ્ધસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે. રીબડામાં 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા નથી. ગોંડલમાં જયરાજસિંહ મતદાન મથકમાં ઇન્ટરવ્યૂ આપે છે. રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવે છે. હાઈ પ્રોફાઈલ રાજકોટ પશ્ચિમ બેઠકના આપના ઉમેદવાર દિનેશ જોષી સાઇકલ પર મતદાન કરવા નીકળ્યા હતા. તેઓએ આગળ તેલનો ડબ્બો અને પાછળ ગેસનો બાટલો રાખ્યો હતો.

(10:50 AM)
પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 25,430 મતદાન કેન્દ્ર પર મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા 13,065 બૂથનું લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર કંટ્રોલ સેન્ટર પરથી વેબ કાસ્ટિંગ થઈ રહ્યું છે 

(10:40 AM)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.  અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન પહેલા PMની જંગી સભા યોજાવા જઈ રહી છે. બીજી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરસપુર ખાતે સભાને સંબોધન કરશે. આ માટે વિક્રમ મિલના કમ્પાઉન્ડ ખાતે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. 

(10:35AM)
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પિતા અને બહેને મતદાન કર્યું છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તરમાંથી ભાજપના ઉમેદવાર છે, જ્યારે તેમના પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નયનાબા જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો.
 

(10:33 AM)
સુરતના વરાછામાં મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હીરાબાગ પીપી સવાણી સ્કૂલમાં મતદાન માટે લાંબી લાઈનો લાગી છે. વરાછા બેઠક ઉપર કુમાર કાનાણી, અલ્પેશ કથીરિયા વચ્ચે સીધો જંગ છે.

(10:30 AM)
ધોરાજી ખાતે બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર ઝડપાયો છે. મતદાન મથક પર પત્નીની જગ્યાએ બેસી કામ કરતા બોગસ પ્રિસાઈડિંગ ઓફિસરને જાગૃત મતદારે ઝડપી પાડ્યો છે. જે બાદ બોગસ મતદાનનો અપક્ષના ઉમેદવારે આક્ષેપ કર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
 

(10:25 AM)

ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ પરિવાર સાથે બાબાસાહેબ આંબેડકર છાત્રાલય મતદાન મથક પર મતદાન કર્યું છે. તેઓ ઢોલ નગારા સાથે બુથ મથક પર વોટિંગ કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ ઐતિહાસિક લીડ સાથે ગુજરાતમાં વિજય મેળવશે.

(10:20 AM)
મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મતદાન કર્યું છે. આ સાથે જ તેમણે મોરબી જિલ્લાની બેઠક પર ભાજપનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીએ તાલુકા શાળા ખાતે મતદાન કર્યું છે. તેમણે તમામ લોકોએ ફરજીયાત મતદાન કરવાની અપીલ કરી છે. સાથે જ સુરતમાં મેયર હેમાલી બોઘાવાલા સાયકલ લઈને મતદાન મથકે પહોંચ્યા હતા. 

(10:15 AM)
અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, હવે ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે. અંકલેશ્વરમાં કોંગ્રેસની જીત થશે.

(10:12 AM)
રાજકોટમાં માલધારી સમાજના આગેવાન ગાય લઈને મતદાન કરવા પહોંચ્યા, મુરલીધર શાળા ખાતે કર્યું મતદાન

(10:10 AM)
જામનગર કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ વિભાજી સ્કૂલ ખાતે મતદાન કર્યુ છે. તેમણે લોકશાહીના પર્વને મનાવવા માટે લોકોને અપીલ કરી છે. 

(10:00 AM)
સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 13 ટકા મતદાન
સૌથી વધુ ડાંગ જિલ્લામાં 15 ટકા મતદાન 
સૌથી ઓછુ સુરેન્દ્રનગરમાં 11 ટકા મતદાન
કચ્છમાં 12 ટકા, જામનગર 13 ટકા
દ્વારકા 11 ટકા, ગીર સોમનાથ 12 ટકા
જૂનાગઢ 13 ટકા, પોરબંદર 12 ટકા
ભાવનગરમાં 13 ટકા, બોટાદમાં 12 ટકા
અમરેલીમાં 13 ટકા, રાજકોટમાં 13 ટકા
મોરબીમાં 13 ટકા, ભરૂચમાં 13 ટકા
નર્મદામાં 13 ટકા, સુરતમાં 14 ટકા
નવસારીમાં 13 ટકા, તાપીમાં 13 ટકા
વલસાડમાં 14 ટકા મતદાન નોંધાયું.

 

(09:50 AM)
અંકલેશ્વર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલે કુડાદરા ગામ ખાતે મતદાન કર્યું છે. ઝઘડિયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ ધારોલી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. રાજકોટના રાજવી માંધાતા સિંહે પરિવાર સાથે મતદાન કર્યું છે. સાથે જ પોરબંદર ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાએ સહપરિવાર રૂપાળી બા કન્યા શાળા ખાતે મતદાન કર્યું છે. 

(09:45 AM)
જુઓ અત્યાર સુધીમાં કયા-કયા દિગ્ગજોએ મતદાન કર્યું?

  • ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા
  • પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા
  • જેતપુર બેઠકના BJP ઉમેદવાર જયેશ રાદડિયા
  • પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ જામનગરમાં કર્યું મતદાન
  • કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ અમરેલીથી કર્યું મતદાન
  • પૂર્વ CM વિજય રૂપાણી રાજકોટથી મતદાન કર્યું
  • ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે મતદાન કર્યું

(09:40 AM)
પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ પોતાના ગામ મોઢાવાડામાં મતદાન કર્યું છે. તેમણે માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ મતદાન કર્યું છે. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું છે.

(09:35 AM)
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરીયા ગામે મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ તેઓએ કહ્યું કે, જિલ્લાની તમામ પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવાર જીતશે. AAPના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ જશે અને AAPનું ખાતું પણ નહીં ખુલે.

(09:30 AM)
ગુજરાતમાં 9.30 વાગ્યા સુધીમાં કુલ 07 ટકા મતદાન થયું છે. રાજકોટમાં વજુભાઈ વાળાએ મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, આ ચૂંટણીમાં ભાજપની જીત થશે અને ભાજપને 130 બેઠક મળશે.

(09:25 AM)
ગોંડલ ભગવતપરા શાળા નંબર 5માં EVM ખોટવાયું, શાળાનું બુથ નંબર 135નું EVMમાં ખામી સર્જાતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મતદાન કરવા માટે પહોંચ્યા.

(09:20 AM)
જેતપુર-જામકંડોરણા 74 વિધાનસભાના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કર્યું, તેમણે લોકશાહીના મહાપર્વ પર મતદાન કરવા લોકોને અપીલ કરી.

(09:15 AM)
ઉમરગામ બેઠક પર ભાજપના ઉમેદવાર રમણ પાટકરે ધોડીપાડાના મતદાન મથક પરથી મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ પૂર્વ આદિજાતિ મંત્રી રમણ પાટકરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

(09:10 AM)
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન: CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને સૌ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા અપીલ કરી.


(09:05 AM)
જામનગર 77 ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ, વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી અને ઓલપાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકે કર્યું મતદાન.

(09:00 AM)
સવારે 9 વાગ્યા સુધીમાં એટલે કે પ્રથમ એક કલાકમાં 3 ટકા મતદાન થયું છે. નાણામંત્રી કનુ દેસાઈ પરિવાર સાથે મતદાન કરવા માટે વાપીની જ્ઞાનદા સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે, કનુ દેસાઈના મતદાન કર્યા પહેલાં EVMમાં ખામી સર્જાઈ હતી. EVMમાં ખામી સર્જાતા કનુ દેસાઈને 15 મિનિટ રાહ જોવી પડી હતી. મતદાન કર્યા બાદ કનુ દેસાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે,  આ વખતે ભાજપ બહુમતી સાથે જીત મેળવશે.

(08:50 AM)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. દિગ્ગજ નેતાઓ વહેલી સવારે મતદાન કરવા માટે નીકળી પડ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 
 

(08:45 AM)
મોરબી જિલ્લામાં મતદારોની લાગી કતારો, મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતી કવાડીયાએ કર્યું મતદાન

(08:40 AM)
સુરત શહેરમાં પૂર્ણેશ મોદી ઢોલ-નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પૂર્ણેશ મોદીએ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું.

(08:33 AM)
કુતિયાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ ભારતીય વિદ્યાલય ખાતે સહપરિવાર કર્યું મતદાન, તેઓએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી.

(08:30 AM)
ગોંડલ વિધાનસભાની બેઠકનો ચૂંટણી જંગઃ રીબડામાં ગામની સ્કૂલમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ પરિવાર સાથે કર્યુ મતદાન, ગોંડલના પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાએ પણ કર્યું મતદાન.

(08:25 AM)
ગીર સોમનાથમાં વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ, જિલ્લાના 1077 મતદાન મથક પર મતદારો ઉત્સાહ પૂર્વક ઉમટ્યા.

(08:20 AM)
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાનઃ AAP સંયોજક કેજરીવાલે ગુજરાતીઓને મતદાન કરવા માટે કરી અપીલ
 

(08:10 AM)
જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર  8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે, જામનગર દક્ષિણ બેઠકના ભાજપ ઉમેદવાર દિવ્યેશ અકબરીએ મતદાન કર્યું છે. જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું છે. 

 

(08:05 AM)
રાજ્યભરમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. મતદાન શરૂ થવાના થોડા સમય પહેલા જ મતદાન કેન્દ્રો બહાર મતદારોની લાંબી લાઇનો લાગી હતી. અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર ગેસનો બાટલો બાંધીનને મતદાન કરવા નીકળ્યા છે. 

(08:02 AM)
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલે નવસારી શહેર મતદાન મથકે મતદાન કર્યું છે. તેઓએ લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી છે. 

(08:00 AM)

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન, 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ, 89 બેઠક પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં.

(07:40 AM)
ગોંડલ બેઠક પર હાઈપ્રોફાઈલ ચૂંટણી જંગઃ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ VTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની પ્રજા વિકાસને મત આપશે. જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં મને પ્રતિસાદ મળ્યો. કોંગ્રેસના ઉમેદવાર હજુ ગામડામાં પહોચ્યા જ નથી.

(07:35AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતવાસીઓને ટ્વિટ કરીને વોટ આપવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે,  'છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું છે, જેના પર દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ આ ગુજરાતવાસીઓ દ્વારા પસંદ કરવામાં આવેલી મજબૂત સરકારના કારણે શક્ય બન્યું છે. હું પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસયાત્રાને જારી રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને સંખ્યામાં મતદાન કરો.'

(07:30 AM)
જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપ તરફથી લડી રહ્યા છે ત્યારે અહીં રસાકસીનો જંગ ખેલાય તેવા એંધાણ છે.

(07:25 AM)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ગુજરાતના મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. તેઓએ ટ્વિટમાં લખ્યું છે કે, 'આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.'
 

(07:15 AM)
વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાનઃ ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજા અને યતીશ દેસાઈ વચ્ચે જંગ, સંગ્રામસિંહ હાઈસ્કૂલ ગોંડલના 236 મતદાન મથકોનું ડિસ્પેચિંગ સેન્ટર,  રાજ્યભરના લોકોની ગોંડલ બેઠક પર નજર

(07:10 AM)
ભાવનગરમાં કુલ 7 બેઠક માટે 18 લાખથી વધુ મતદારો કરશે મતદાન, કુલ 7 બેઠક માટે 68 ઉમેદવારો મેદાનમાં છે.

(07:05 AM)
ગોંડલ બેઠક માટે ચૂંટણીપંચ એલર્ટ: મતદાન મથકો પર ઈલેક્શન ઓબ્ઝર્વર દ્વારા ચેકિંગ, મતદાન સ્ટાફ, સુરક્ષાકર્મી સહિત બંદોબસ્તનું કર્યું નિરીક્ષણ, તમામ મતદાન મથકોમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

(07:00 AM)
વાંસદા બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો, કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થકોએ હુમલો કર્યાનો આક્ષેપ, વાંસદા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ