બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / From the balcony of history: Learn the greatness of the 5200 year old Mahadev temple in this city of Saurashtra
ADVERTISEMENT
સૌરાષ્ટ્રનું જુનાગઢ શહેર અનેકો પૌરાણિક વિરાસતોથી સુસજ્જ છે, આ શહેરમાં અનેક એવા સ્થાન છે જેની પાછળ કોઈ ને કોઈ ધાર્મિક કે પૌરાણિક દંતકથાઓ જોડાયેલી હોય છે. હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના સંદર્ભે આવો જાણીએ જુનાગઢના પૌરાણિક મહાત્મય ધરાવતા નીલકંઠ મહાદેવને અને તેમનું આવાસ સ્થાન એવી મુચકુંદ ગુફાને...
ADVERTISEMENT
શું કહે છે ઈતિહાસ?
જુનાગઢમાં આવેલી મુચકુંદ ગુફાનો ઈતિહાસ એ ખુબ જ રસપ્રદ છે એવું કહેવાય છે કે આ ગુફા અને તેમાં આવેલું મહાદેવનું મંદિર એ બંને અંદાજે ૫૨૦૦ વર્ષ જુના છે. આ ગુફાનું નામ મહારાજ મુચકુંદના નામ પરથી પડ્યું છે જે કહેવાય છે કે મહારાજ મુચકુંદ ઇક્ષ્વાકુવંશી મહારાજ માંધાતા ના પુત્ર હતા અને ભગવાન રામચન્દ્ર ના પણ પૂર્વજ હતા. સમર્થ દેવતાઓ પણ અસુરોની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તેમની મદદ લેતા હતા. આમ મહારાજ મુચકુંદ એ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સહયોગી હતા.આવા જ એક યુદ્ધમાં રાક્ષસોથી ભયભીત થઇ ને દેવતાઓ એ મહારાજ મુચકુંદની સહાય માંગી. મુચકુંદ રાજાએ અસુરો સામે સંગ્રામ શરુ કર્યો ને આ યુદ્ધ સદી ઓ સુધી ચાલ્યું, ત્યારબાદ કાર્તિકેયના રૂપ માં એક સમર્થ સેનાપતી મળવાથી દેવતાઓ એ મહારાજ મુચકુંદ ને વિનંતી કરી કે હે! મહારાજ આપ સદીઓથી અહીં યુદ્ધસહાયમાં પ્રવૃત્ત રહ્યાં છો તેથી આપ નું કુટુંબ પણ સમયના પ્રભાવ માં નષ્ટ થઇ ચુક્યુ હશે માટે આપ હવે સ્વર્ગમાં નિવાસનું કે કોઈ અન્ય વરદાન માંગો. દેવરાજ ઇંદ્રએ મહારાજ મુચકુંદ ને કહ્યુ કે મહારાજ આપ ને શું ઇચ્છા છે? બસ એક માત્ર મોક્ષ નહી માંગતા કેમકે એ દેવતાઓ આપી શકવાને સમર્થ નથી, ત્યારે મહારાજ મુચકુંદ આ યુદ્ધ દરમિયાન એક ક્ષણ પણ ઉંઘ્યા ન હતા, તેથી તેમણે દેવરાજ ઇંદ્ર પાસે માંગ્યું કે હું હવે આરામ કરવા માંગુ છુ આપ મને નિંદ્રાનું વરદાન આપો. ઇંદ્રદેવ એ તથાસ્તુ કહ્યુ અને એ પણ કહ્યુ કે જે કોઇ મૂર્ખ આપને આપની નિંદ્રામાંથી જગાડશે તેના પર આપની દ્રષ્ટિ પડતા જ એ બળી ને ભસ્મ થઇ જશે. ત્યારબાદ મહારાજ મુચકુંડ પૃથ્વી પર એક ગુફામાં આવ્યા અને નિદ્રાધીન થયા. તેમણે જે ગુફા તેમના નિદ્રાલયના રીતે પસંદ કરી તે જૂનાગઢની આજની પ્રખ્યાત મુચકુંદ ગુફા હતી.
ADVERTISEMENT
શું છે નીલકંઠ મહાદેવનો ઈતિહાસ?
ભગવાન શ્રીકૃષ્ણ જયારે મથુરા નિવાસી હતા ત્યારે તેમને હરાવવા માટે મગધના તે સમયના રાજા જરાસંઘે તેમની પર આક્રમણ કરેલું. જરાસંધ પોતે શ્રીકૃષ્ણના મામા કંસના સસરા થતાં હતા, તેથી જયારે મથુરામાં શ્રીકૃષ્ણ ભગવાને આવીને કંસ વધ કર્યો ત્યારથી જરાસંધ શ્રીકૃષ્ણને મારીને કંસ વધનું વેર વાળવા માટે ઈચ્છતો હતો. આ માટે તેણે યુદ્ધમાં સામેલ થવા માટે યવન રાજ્યના મહારાજ કાલયવનને આમંત્રણ મોકલ્યું.
આ કાલયવન એ યવન રાજા કાલજંગનો દત્તક પુત્ર હતો જેનો જન્મ મહાદેવના વરદાનના લીધે અપ્સરા રંભા અને ઋષિ શેશારાયણના સંતાનના રૂપે થયો હતો. આ બાળકને મહાદેવનું વરદાન હતું તેથી કરીને કોઈ તેને મારી શકતું નહોતું. આ પુત્રને યવન રાજા કાલજંગે દત્તક લીધો, આમ યવન રાજા હોવાથી મોટો થઈ તે ઋષિ મુનિઓઓ પર અત્યાચાર કરવા લાગ્યો. તેના અત્યાચારોની જાણ નારદજીને પણ હતી તેથી નારદજી સાથેની એક મુલાકાતમાં જયારે તેણે પૃથ્વી પર કોઈ પોતાના સમાન વીર છે તેવું પૂછતા નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણનું નામ આપેલું. તેથી તે પણ શ્રીકૃષ્ણ સાથે લડવા માટે ઉત્સુક હતો.
ADVERTISEMENT
આ બાજુ તેના મિત્ર અને મથુરાના રાજા કંસના વધ પછી જરાસંધના આમંત્રણથી તેણે મથુરા પર આક્રમણ કરવાનું સ્વીકાર્યું. ભગવાન પોતે જરાસંધ સાથે તો લડી શકે તેમ હતાં પણ કાલયવનને ભગવાન મહાદેવના વરદાનના કારણે પરાજિત કરવા માટે સમર્થ નહોતા. જેના લીધે તેમણે કાલયવનનો નાશ કરવા માટે એક યુક્તિ કરી. આ માટે શ્રીકૃષ્ણે રણક્ષેત્ર એટલે કે યુદ્ધભૂમિ માંથી પીછેહઠ કરી સૌરાષ્ટ્ર બાજુ પ્રસ્થાન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે જગતના કલ્યાણ માટે રણભૂમિમાંથી પીછેહઠ કરી એટલે કે રન્ભુમી છોડી તેથી તેમનું નામાભિધાન થયું ભગવાન રણછોડ.
ભગવાન શ્રી કૃષ્ણ ભાગતા ભાગતા રેવતાચલ એટલે કે વર્તમાનના ગીરનાર પર્વત ની એક ગુફા માં પ્રવેશ્યા. તેમની પાછળ પાછળ કાલયવન પણ એ ગુફા મા પ્રવેશ્યો. ભગવાન શ્રીકૃષ્ણ ગુફા માં છુપાઇ ગયા એટલે કાલયવન ને કોઇ દેખાયુ નહી પણ કોઇ પિતાંબર ઓઢી ને ત્યાં સુતું હતું એવું નજરે પડ્યું. તેને શ્રીકૃષ્ણ સમજીને એ વિચારમાં પડી ગયો કે મને નક્કી આ કૃષ્ણ જ છે, તે સમયે યુદ્ધનો એવો નિયમ હતો કે સુતેલા વ્યક્તિ પર પ્રહાર કરી શકાય નહિ આ માટે તેણે આળોટેલા વ્યક્તિને લાતો મારીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. તેણે એ સુતેલા પુરૂષ ને લાત મારી અને વર્ષો થી નિંદ્રાધીન એ મહારાજ મુચકુંદએ જ્યાં ઉઠી ને કાલયવન ની સામે જોયું ત્યાં એમની પ્રથમ દ્રષ્ટિ પડતાં જ કાલયવન અગ્નિમાં બળી ને ભસ્મ થઇ ગયો.
જે બાદ ભગવાન શ્રીકૃષ્ણે આ સ્થળ પર મહાદેવના શિવલિંગની પોતાના સ્વ:હસ્તે સ્થાપના કરી હોવાનું કહેવાય છે અને એ મહાદેવનું નામકરણ 'નીલકંઠ' મહાદેવ તરીકે કરી હોવાની કથા છે આમ જુનાગઢના ગીરનાર પર્વતની ગોદમાં દામોદર કુંડ પાસે આવેલી ગુફામાં બિરાજેલા મહાદેવ એ ભગવાન માધવના હસ્તે સ્થાપિત શ્રીકૃષ્ણના મહાદેવ છે. અને આ મંદિર અને એની કથા વિશેનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતના અધ્યાય ૪માં પણ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.