બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમરેલીથી વલસાડ સુધી.., વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા જ ખેડૂતોમાં ખુશીની લહેર
7 ફોટો ગેલેરી
Last Updated: 08:29 PM, 20 July 2026
1/7
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી છે. હવામાન વિભાગે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બારડોલી, પલસાણા, મહુવા અને અંબિકા તાલુકામાં વહેલી સવારથી સતત વરસાદી માહોલ છવાયેલો છે. ભારે વરસાદને કારણે બારડોલી પંથકના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર બે કલાકમાં બારડોલીમાં 1 ઇંચ અને પલસાણામાં 1 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
2/7
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 124 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જેમાં પારડીમાં 4.49 ઈંચ વરસાદ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન રહ્યું. વલસાડમાં 4.21 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, જલાલપોરમાં 3.39 ઈંચ, ગણદેવીમાં 3.19 ઈંચ અને ચિખલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો. નવસારીમાં 2.64 ઈંચ, ધરમપુરમાં 2.56 ઈંચ, ઉમરગામમાં 2.40 ઈંચ, વાપીમાં 2 ઈંચ તેમજ સુરત જિલ્લાના મહુવામાં પણ 2 ઈંચ વરસાદ વરસ્યો. ઉપરાંત વાંસદામાં 1.77 ઈંચ, નાનાપૌઢામાં 1.73 ઈંચ, ઉમરપાડામાં અને કપરાડામાં 1.65-1.65 ઈંચ, વઘઈ અને વાલોદમાં 1.57-1.57 ઈંચ, પલસાણામાં 1.30 ઈંચ, ડાંગમાં 1.22 ઈંચ તથા માતર, તલાજા અને બારડોલીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
3/7
અમરેલી જિલ્લાના ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. ગીર વિસ્તારનું આકાશ દિવસભર વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું અને બાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થતાં ખાસ કરીને બિનપિયત ખેતી કરતા ખેડૂતોને મોટી રાહત મળી છે. વરસાદને કારણે ખેતીના પાકને નવી આશા મળી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
4/7
દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી વાદળછાયા વાતાવરણ બાદ હવે ધીમીધારે વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. વરસાદના આગમનથી ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેતી માટે આ વરસાદ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી આશા સાથે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકભર્યું વાતાવરણ સર્જાતા લોકોએ પણ વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો.
5/7
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે વલસાડ શહેરમાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાદેવનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પાણી ભરાવાની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ તરફથી માત્ર આશ્વાસન આપવામાં આવે છે અને કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.
6/7
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જિલ્લાના પારડી સહિત તમામ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી નોંધાવી છે. વલસાડ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરના છીપવાડ અને અબ્રામા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
7/7
વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. સાવલી તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વિસ્તારમાં વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે. સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી માટે જરૂરી વરસાદ મળતા ખેડૂતોમાં નવી આશા જાગી છે અને ખેતીકામને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદી માહોલને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ