પરંપરા /
ગુજરાતના આ ગામમાં રાજવીની યાદમાં યોજાય છે મેળો, ઘોડિયાની માનતાથી સંતાનપ્રાપ્તિ થવાની માન્યતા
Team VTV03:25 PM, 05 Aug 22
| Updated: 05:15 PM, 05 Aug 22
રજવાડા સમયે સ્ટૅટ ગણાતા લખતરમાં આજે પણ 98 વર્ષથી રાજવીની યાદમાં યોજાય છે બાપુરાજનો મેળો. જેને ત્યાં સંતાન નથી તેઓ રાખે છે ઘોડિયાની માનતા. મોટી સંખ્યામાં ગ્રામજનો અને રાજપરિવારના સભ્યો મેળામાં રહે છે ઉપસ્થિત. આ ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.
સૌરાષ્ટ્રના લખતરમાં 98 વર્ષથી યોજાય છે અનોખો મેળો
રાજવી તથા તેમના સદકાર્યોને આજેપણ ગામના લોકો કરે છે યાદ
પારણુ ન બંધાતુ હોય તેઓ રાખે છે ઘોડિયાની માનતા
વાસુદેવ શરણ અગ્રવાલે પોતાના પુસ્તક લોકધર્મમાં 'મહ' શબ્દનો અર્થ મહોત્સવ અને મેળો એવો કર્યો છે. પહેલાના સમયગાળામાં જ્યારે મનોરંજનના સંશાધનો ઉપલબ્ધ નહોતા ત્યારે લોકો મેળાઓ અને ઉત્સવોની પરંપરાગત ઉજવણી કરીને સાંસ્કૃતિક એકતાની ભાવનાને અકબંધ રાખતા હતા. આવી જ એક વર્ષો જુની પરંપરાને ઉજાગર કરતો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામમાં છેલ્લા 95થી વધુ વર્ષથી યોજાય છે. આ મેળાનું નામ છે 'બાપુરાજનો મેળો'
રાજવી કરણસિંહજી બાપુનું સમાધી સ્થળ (લખતર)
રાજવીની યાદમાં કરાય છે લોકમેળાનું આયોજન
લખતરના પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી બાપુની યાદગીરી રૂપે છેલ્લા 98 વર્ષથી લખતરના મોતીસર તળાવની પાળે આવેલ રાજવીના સમાધિ સ્થળે શ્રાવણ સુદ આઠમના દિવસે પ્રજાજનો દ્વારા લોકમેળોનું આયોજન કરવામાં આવે છે.
રાજવીનું સમાધિ સ્થળ
પોતાના આગવા કામકાજથી કરણસિંહજી બાપુરાજના નામે બન્યા જાણીતા
વાંકાનેર સ્ટૅટ પરિવારના રાજકવિ સુંદરજી નથુરામ શુક્લ લિખિત ઐતિહાસિક અને સંગ્રહનીય ગ્રંથ 'ઝાલા વંશવારિધિના પૃષ્ઠ ક્રમાંક 979 પર લખતર ગાદીનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. પરંતુ લખતર ગામ કેવી રીતે વસ્યું તે ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. ઝાલા રાજપૂતોના આદિપુરુષ હરપાલદેવની સત્યાવીશમી પેઢીએ હળવદના રાજવી શ્રી ચંદ્રસિંહ થયા.તેમને છ પુત્રો હતા. હળવદના રાજવી શ્રી ચંદ્રસિંહજીના ચોથા કુંવર શ્રી અભયસિંહજીને ગરાસમાં લખતર મળ્યું.ઈ.સ ના 12માં સૈકામાં લખતરની હસ્તી હોવાનું ચોપડે નોંધાયેલ છે.લખતરની ગાદી પર રાજવી કરણસિંહજી આવ્યા અને તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન કેટલાય લોકપયોગી કામો કર્યા. પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી બાપુએ વિક્રમ સંવત 1902 થી 1980 સુધીના 72 વર્ષના પોતાના જીવન દરમિયાન અનેક લોકઉપયોગી કામો કરાવ્યા હતા. તેમણે લખતરની પ્રજાના રક્ષણ માટે શહેર ફરતે ગઢ, મોતીસર તળાવ, સરઘરા ડેમ, રામ મહેલ, મિડલ સ્કૂલ, સર.જે.હાઈસ્કૂલ, કર્ણેશ્વર મહાદેવ, થાનમાં તરણેતર મંદિર (લખતર ગાદીમાં સમાવેશ થાય છે), મહાલક્ષ્મી મંદિર, અનેક પ્રજાઉપયોગી કામો કરાવ્યા અને નાગરિકોના દિલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરીને બાપુરાજનું બિરૂદ પામ્યા.
પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી ઝાલા
98 વરસથી ધબકતી રહી છે મેળાની પરંપરા
નામદાર ઠાકોર સાહેબ કરણસિંહજીએ પોતાના કાર્યકાળમાં અનેક વિકાસલક્ષી કાર્યને કારણે તેઓ નગરજનોના હ્રદયમાં અનોખું સ્થાન પામ્યા છે. તેમના કામકાજથી પ્રભાવિત થયેલી અંગ્રેજ સરકારે 12 ડિસેમ્બર 1911માં ‘સિ.એસ.આઈ’ના ખિતાબથી નવાજ્યા હતા.
રાજવીની યાદમાં મેળાનું નામ અપાયું બાપુ રાજનો મેળો
‘બાપુરાજ’ સંવત 1980 માં શ્રાવણ સુદ આઠમે તેઓ દેવલોક પામ્યા હતા, ત્યારથી તેમની સ્મૃતિમાં તેમના સમાધિ સ્થાને દર વર્ષે મેળો યોજાય છે. જ્યારે આ દિવસે રાજ પરિવાર તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં રાજવીની દેરીએ દર્શન કરવા આવે છે.
બાપુરાજની દેરી નજીક મેળાનું આયોજન થાય છે તે સ્થળ (લખતર)
પારણુ ન બંધાતુ હોય તેઓ રાખે છે ઘોડિયાની માનતા
ગુજરાતના જાણીતા શાયર જલન માતરીએ શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર?...આ શબ્દો જાણે શ્રદ્ધાની ધૂણી ધખાવીને બેઠા હોય તેમ રાજવી કરણસિંહજી બાપુના સમાધિ સ્થાને જે દંપતીના ઘેર પારણું ન બંધાતુ હોય તેવા દંપતીઓ પારણું અને સુખડી ધરાવાની માનતા રાખે તો સંતાન પ્રાપ્તિ થાય છે. તેવી લોકોની શ્રદ્ધા આજે પણ અંકબંધ જોવા મળે છે.