ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:53 PM, 23 September 2026
ADVERTISEMENT
અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં ઝેરી કેમિકલયુક્ત પાણીના નિકાલને કારણે ઉભી થયેલી પર્યાવરણીય અને આરોગ્ય વિષયક કટોકટી હવે ઉગ્ર રાજકીય અને સામાજિક આંદોલનનું રૂપ ધારણ કરી રહી છે. ધોળકાના ભેટાવાડા સહિત પાંચ ગામોના ખેડૂતો છેલ્લા 25 દિવસથી અહિંસક લડત ચલાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રૂબરૂ મુલાકાત લઈને આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભેટાવાડા, નેસડા, પાલડી, આંબારેલી અને ત્રાસદ ગામોની સઘન મુલાકાત લઈને પીડિત ગ્રામજનો અને ખેડૂતોની દર્દનાક વ્યથા સાંભળી હતી. સ્થાનિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેમણે શાસક પક્ષ અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. મેવાણીએ આરોપ લગાવ્યો હતો કે, સ્થાનિક નગરપાલિકા અને ખાનગી ઉદ્યોગપતિઓની મિલીભગતને કારણે ખુલ્લેઆમ છોડાતા ઝેરી કેમિકલયુક્ત પાણીથી ધોળકા પંથકની 10,000 એકર જેટલી સમૃદ્ધ ફળદ્રુપ જમીન સંપૂર્ણપણે વેરાન બની ગઈ છે. વધુમાં તેમણે એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું હતું કે, આ દૂષિત પાણી અને પ્રદૂષણના પરિણામે વિસ્તારમાં કેન્સર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, જેમાં અત્યાર સુધીમાં ૫૪ નિર્દોષ નાગરિકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
ADVERTISEMENT
આ ગંભીર સમસ્યા અંગે સરકાર અને પ્રશાસનની ઘોર ઉપેક્ષા સામે વિરોધ નોંધાવવા માટે જિગ્નેશ મેવાણીએ આગામી ૨૪મી તારીખે 'ધોળકા બંધ'નું વિધિવત એલાન કર્યું છે. આ દિવસે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોના સહયોગથી બંધ પાળવામાં આવશે તેમજ ખેડૂતોની આગેવાનીમાં પ્રાંત કચેરી સુધી એક વિશાળ જનઆક્રોશ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ADVERTISEMENT
પોતાના સંબોધનમાં મેવાણીએ વહીવટીતંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપતા ઉમેર્યું હતું કે, જો દૂષિત પાણીની આ સળગતી સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ કરવામાં નહીં આવે, તો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષે ખેડૂતો અને સામાન્ય જનતાના ભારે આક્રોશનો સામનો કરવો પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ