ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:57 PM, 6 November 2026
1/6
પ્રકાશ અને આરાધનાના મહાપર્વ દિવાળીની શરૂઆત સાથે જ દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. આ પવિત્ર તહેવાર માત્ર ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ સુધી સીમિત નથી, પરંતુ પરિવારની સુખ-શાંતિ, નિરોગી આરોગ્ય અને દીર્ઘાયુ માટે પણ આ દિવસે વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવે છે. ધન ત્રયોદશીના દિવસે માતા લક્ષ્મી, ભગવાન ધન્વંતરિ અને કુબેરેશ્વરની સાથે મૃત્યુના દેવતા યમરાજ માટે પણ વિશેષ દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિને યમ દીપક, યમ દીપમ કે યમ દીપદાન તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, ધનતેરસની સંધ્યાકાળે યમરાજના નામે દીવો પ્રગટાવવાથી ઘરમાં ખુશહાલી આવે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.
2/6
આ વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 6 નવેમ્બરે સવારે લગભગ 9:30 વાગ્યાથી શરૂ થઈને 7 નવેમ્બરે સવારે 11:45 વાગ્યા સુધી રહેશે. આથી ધનતેરસનો તહેવાર 6 નવેમ્બરે ઉજવાઈ રહ્યો છે. આ દિવસે સંધ્યાકાળે યમનો દીવો પ્રજ્વલિત કરવા માટેનું શુભ મુહૂર્ત સાંજે 5:33 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6:51 વાગ્યા સુધી રહેશે.
ADVERTISEMENT
3/6
ધનતેરસની સંધ્યાકાળે સૌપ્રથમ માતા લક્ષ્મી, ભગવાન કુબેરેશ્વર અને ભગવાન ધન્વંતરિની વિધિવત પૂજા-અર્ચના કરવી. ત્યારબાદ યમરાજ માટે એક ચાર મુખવાળો (ચૌમુખી) લોટ અથવા માટીનો દીવો તૈયાર કરવો. આ દીવામાં રાયડો (સરસવ) અથવા તલનું તેલ પૂરીને ચારેય તરફ વાટ મુકવી. દીવાની સ્થાપના કરતી વખતે તેની નીચે અક્ષત એટલે કે આખા ચોખા રાખવા. આ દીવાને ઘરના મુખ્ય દ્વાર પાસે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને સ્થાપિત કરવો. દીપ પ્રજ્વલિત કર્યા પછી બે હાથ જોડીને યમરાજનું ધ્યાન ધરવું અને પરિવારના તમામ સભ્યોના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય તથા અકાળ મૃત્યુથી રક્ષણ માટે પ્રાર્થના કરવી.
4/6
ADVERTISEMENT
5/6
ધનતેરસના દિવસે યમરાજનો દીવો પ્રગટાવવાની પરંપરા પાછળ રાજા હેમના પુત્ર સાથે જોડાયેલી એક રસપ્રદ પૌરાણિક કથા છે. કથા મુજબ, રાજા હેમના પુત્રની કુંડળીમાં લગ્નના ચોથા દિવસે જ મૃત્યુનો યોગ લખાયેલો હતો. આ ભવિષ્યવાણીને કારણે આખો પરિવાર ભારે ચિંતામાં હતો. જ્યારે રાજકુમારના લગ્ન થયા ત્યારે તેમની નવવધૂને પણ આ અનિષ્ટ વિશે જાણ થઈ. પતિના પ્રાણ બચાવવા માટે નવવધૂએ લગ્નના ચોથા દિવસે રાત્રિભર જાગરણ કરવાનો નિર્ણય કર્યો. તેણે ઘરના મુખ્ય દરવાજા પર સોના-ચાંદીના આભૂષણો તેમજ કિંમતી વસ્તુઓનો ઢગલો કરી દીધો અને આખા ઘરને દીવડાઓના પ્રકાશથી ઝળહળતું કરી દીધું.
6/6
માનવામાં આવે છે કે જ્યારે યમરાજના દૂતો રાજકુમારના પ્રાણ હરવા માટે આવ્યા, ત્યારે દીવડાઓના ઝગમગાટ અને ઘરેણાંની ચમકથી તેમનું ધ્યાન ભટકી ગયું. બીજી તરફ, રાજકુમારની પત્ની આખી રાત પતિને જાગૃત રાખવા માટે ગીતો અને વાર્તાઓ સંભળાવતી રહી. આ રીતે રાત પસાર થઈ ગઈ અને રાજકુમારનો જીવ બચી ગયો. એવું કહેવાય છે કે ત્યારથી જ ધનતેરસની રાત્રે યમરાજના નામે દીપદાન કરવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે યમનો દીવો પ્રગટાવવાથી પરિવાર પરથી અકાળ મૃત્યુનો ભય ટળે છે અને દીર્ઘાયુનું વરદાન પ્રાપ્ત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ