બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કેનેડામાં કાર અકસ્માતમાં અમદાવાદના 22 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયરનું મોત, 2 ઓગસ્ટે આવશે પાર્થિવ દેહ
Last Updated: 09:21 AM, 26 July 2026
કેનેડામાં રહેતા અમદાવાદના 22 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર ભીષ્મ રાજ્યગુરૂનું 18 જુલાઈની રાત્રે થયેલા ગંભીર કાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. સાસ્કાચેવાન હાઈવે નંબર-11 પર રાત્રિના સમયે રોંગ સાઇડમાં પૂરઝડપે આવી રહેલી એક કારે ભીષ્મની કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે તેમની કાર રસ્તા પરથી ફંગોળાઈ બાજુના મેદાનમાં જઈ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ગંભીર આંતરિક ઈજાઓ પહોંચતા ભીષ્મનું સ્થળ પર જ મોત થયું હતું. તેમના પાર્થિવ દેહને આગામી 2 ઓગસ્ટે અમદાવાદ લાવવામાં આવશે, જ્યાં પરિવારજનો અને સ્વજનોના અંતિમ દર્શન બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ADVERTISEMENT

કેનેડિયન મીડિયાના અહેવાલ અનુસાર અકસ્માત સર્જનાર કાર રસ રાઇડિંગ ગેમના કેપ્ટન જેડન ડેલ્ક્સ ચલાવી રહ્યો હતો. તેની કાર રોંગ સાઇડમાં હતી અને તપાસ દરમિયાન તેમાંથી આલ્કોહોલ તેમજ ડ્રગ્સ મળી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક પોલીસે આરોપી સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ રાખી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી યશકુંજ સોસાયટીમાં રહેતા ભીષ્મ રાજ્યગુરૂ છેલ્લા ચાર વર્ષથી કેનેડાના રીજીના શહેરમાં રહેતા હતા. અમદાવાદમાં ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા કેનેડા ગયા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તેઓ કાર લીડરશીપ કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. પરિવાર અને મિત્રો માટે આ ઘટના ભારે આઘાતજનક બની છે.
ADVERTISEMENT
અકસ્માતની ઘટના ત્યારે બની જ્યારે ભીષ્મ પોતાની નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે 9 વાગ્યાના સમયે સાસ્કાચેવાન હાઈવે નંબર-11 પર સામેની લેનમાં પૂરઝડપે આવી રહેલી કાર તેમની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર બાદ ભીષ્મની કાર ઉછળીને રસ્તાની બાજુમાં આવેલા મેદાનમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા.
ADVERTISEMENT
અકસ્માતમાં ભીષ્મને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી. ઇન્ટર્નલ બ્લિડિંગના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ તેમના મિત્રો અને કેનેડામાં વસતા ગુજરાતી સમાજના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભીષ્મના મૃતદેહનું થોડા દિવસ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમના નિધન બાદ રીજીનાના સ્થાનિક મેયરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એટલું જ નહીં, રફ રાઇડર્સની મેચ દરમિયાન સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર પણ ભીષ્મને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભીષ્મના પરિવારમાં પિતા આશિષભાઈ રાજ્યગુરૂ, માતા પૂર્વીબેન રાજ્યગુરૂ અને નાની બહેન હિર રાજ્યગુરૂ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : USમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે મોટી અપડેટ, બદલાશે વિઝા નિયમો
ભીષ્મના મિત્ર રુદ્રેશ પંચાલે જણાવ્યું હતું કે ભીષ્મ કેનેડામાં ગુજરાતી સમાજ સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલા હતા. તેઓ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા અને રીજીના મ્યુઝિક ગ્રુપ સાથે પણ સંકળાયેલા હતા. ઉપરાંત, કેનેડામાં વસતા ગુજરાતીઓ માટે તેઓ નિઃશુલ્ક ગરબા કાર્યક્રમોનું આયોજન પણ કરતા હતા. તેમના અચાનક અવસાનથી કેનેડામાં રહેતા ગુજરાતી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હવે તેમના પાર્થિવ દેહને 2 ઓગસ્ટે અમદાવાદ લાવવામાં આવશે, જ્યાં પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો અંતિમ દર્શન કરી તેમને અંતિમ વિદાય આપશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.