Banaskantha News: બનાસકાંઠાના ઢોલિયા ગામના યુવકને PSIની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપી 3 ઠગે પડાવ્યા 2 લાખ રૂપિયા, PSIની પરીક્ષામાં પાસ ન થતા યુવકે નોંધાવી ફરિયાદ.
બનાસકાંઠા જિલ્લાના યુવક સાથે છેતરપિંડી
PSIની પરીક્ષા પાસ કરાવવાનું કહી 2 લાખ પડાવ્યા
PSIની પરીક્ષામાં પાસ ન થતા યુવકે નોંધાવી ફરિયાદ
Banaskantha News: આજના સમયમાં યુવાઓમાં સરકારી નોકરીનો ક્રેઝ ગજબનો વધી ગયો છે. જેના માટે તેઓ દિવસ રાત ખૂબ જ મહેનત કરે છે. તો કેટલાક યુવકો શોર્ટકટના ચક્કરમાં દલાલોમાં ફસાઈ જાય છે અને લાખો રૂપિયા ગુમાવે છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં યુવક છેતરપિંડીનો ભોગ બન્યો છે. 3 ઠગોએ PSIની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપી યુવક પાસેથી 2 લાખ રૂપિયા પડાવી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ યુવકે ત્રણેય ઠગો સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ત્રણ ઠગે 2 લાખ રૂપિયા પડાવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામના યુવકને ત્રણ શખ્સોએ તાજેતરમાં લેવામાં આવેલી PSIની પરીક્ષા પાસ કરાવી દેવાની લાલચ આપી હતી. જેના બદલામાં આ શખ્સોએ યુવક પાસે પૈસા માંગ્યા હતા. પરીક્ષા પાસ કરાવવા માટે 20 લાખ રૂપિયામાં સોદો થયો હતો. જેથી યુવક આ તમામની વાતમાં આવી ગયો હતો અને એડવાન્સમાં 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.
PSIની પરીક્ષામાં યુવક થયો નાપાસ
પરંતુ તાજેતરમાં લેવાયેલી પીએસઆઈની પરીક્ષામાં યુવક નાપાસ થયો હતો. જેથી તેણે આ ત્રણેય પાસે 2 લાખ રૂપિયા પરત માંગ્યા હતા. જોકે, આ ઠગોએ પોતાના હાથ ઊંચા કરી લીધા હતા અને પૈસા પરત આપવાનો ઈનકાર કર્યો હતો. જેથી યુવક સીધો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.
ત્રણેય સામે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
યુવકે અમીરગઢ પોલીસ મથકે સમગ્ર હકીકત જણાવી હતી અને બળવંતસિંહ ઠાકોર સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે યુવકની ફરિયાદના આધારે ત્રણેય ઠગોને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
રાજકોટમાં પણ બન્યો હતો સમાન બનાવ
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આવો બનાવ રાજકોટમાંથી સામે આવ્યો હતો. જેમાં પોલીસમાં નોકરી અપાવવાનું કહી માસાએ 4 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. ઉમેદવાર હાજર થવા પહોંચ્યો ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. રાજકોટ શહેર રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત 19 ઓગસ્ટના રોજ રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રદીપ ભરતભાઈ મકવાણા (રહે. શિવરાજપુર, તા.જસદણ)નામનો યુવક આવ્યો હતો. તેણે ફરજ પર હાજર પોલીસકર્મીઓને પોતે વર્ષ 2021માં લેવાયેલી લોકરક્ષક ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં બિન હથિયાર લોકરક્ષક તરીકે પસંદગી પામેલ હોવાનું જણાવ્યું હતું અને એક નિમણૂંક રજૂ કર્યો હતો. જે નિમણૂંક પત્ર શંકાસ્પદ જણાતા પોલીસકર્મીઓ દ્વારા આ અંગેનો રેકોર્ડનો તપાસ્યો હતો. જેમાં જે નંબરનો નિમણૂક પત્ર લઈને પ્રદીપ મકવાણા આવ્યો હતો, તે નંબર પર મેહુલકુમાર તરબુંડિયા નામનો ઉમેદવારની પસંદગી થઈ હોવાનું અને તે હાલમાં ટ્રેનિંગમાં હોવાનું જાણવા મળ્યું હતું.
પૂછપરછમાં ભાંગી પડ્યો યુવક
જે બાદ પોલીસ દ્વારા પ્રદીપ મકવાણાની આકરી પૂછપરછ કરવામાં આવતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેણે લોકરક્ષક ભરતી 2021ની સ્પર્ધાત્મક પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું. જેમાં પોતે શારિરીક ક્ષમતા કસોટીમાં ફેલ થયો છે. જે બાદ તેના માસા ભાવેશભાઈ ગોબરભાઈ ચાવડા અને તેમના ભાઈ બાલાભાઈએ તેમનું લોકરક્ષક ભરતી બોર્ડમાં સેટિંગ હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેમણે આ માટે 4 લાખ રૂપિયાની માંગ કરી હતી. જે પ્રદીપના પિતા ભરતભાઈએ આપ્યા હતા.
પ્રમાણપત્રોના વેરિફિકેશનમાં ફૂટ્યો ભાંડો
જેના થોડા દિવસ બાદ માસા ભાવેશભાઈ અને બાલાભાઈએ નકલી નિમણૂક પત્ર બનાવીને આપ્યો હતો અને ઓર્ડર ટપાલમાં આવશે તેવું જણાવ્યું હતું. જે બાદ ગત તા.25.07.2023ના રોજ ટપાલથી લોકરક્ષક તરીકે પસંદગી પામેલ હોવાનો નિમણૂકપત્ર આવ્યો હતો. જેના થોડા દિવસ બાદ એક મહિલાએ પ્રદીપ મકવાણાને ફોન કરીને ''ગાંધીનગરથી બોલું છું રાજકોટ પોલીસમાં હાજર થવાનું છે" તેવું જણાવ્યું હતું. જેથી તે હાજર થવા પહોંચ્યો ત્યારે પ્રમાણપત્રો વેરિફિકેશનમાં ભાંડો ફૂટ્યો હતો.