બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અસારવા સિવિલ હોસ્પિટલ બહાર શટલ રિક્ષાનો ત્રાસ યથાવત્, ટ્રાફિક સુધારવા ડિવાઇડર કટ બંધ છતાં કાર્યવાહી જરૂરી
Last Updated: 02:19 PM, 17 August 2026
અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલની આસપાસ ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી વાહનચાલકો, દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ માટે માથાનો દુખાવો બની રહી છે. ખાસ કરીને હોસ્પિટલના ગેટ નંબર-૭ પાસે આડેધડ ઊભી રહેતી શટલ રિક્ષાઓના કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પૂર્વ ટ્રાફિક પોલીસે હવે ‘કેપ્સ્યૂલ ફોર્મેટ’ અપનાવી મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. ગેટ નંબર-૭ની બહાર આવેલો ડિવાઇડર કટ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT

અગાઉ આ કટ ખુલ્લો હોવાથી વાહનચાલકો રોંગ સાઇડમાં પસાર થતા હતા, જેના કારણે સામસામે વાહનો આવી જતાં ટ્રાફિકની સ્થિતિ વણસતી હતી. ખાસ કરીને સિવિલ હોસ્પિટલ જેવી અતિમહત્ત્વની જગ્યાએ ટ્રાફિક જામ સર્જાતાં દર્દીઓને લઈ આવતી અને લઈ જતી એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટ્રાફિક પોલીસે કરેલા ફેરફારથી વાહનચાલકો હવે આગળ જઈને નિયમસર યુ-ટર્ન લઈ શકશે, જેના કારણે રોંગ સાઇડમાં વાહન ચલાવવાની પ્રવૃત્તિ ઘટશે અને અકસ્માતનું જોખમ પણ ઓછું થવાની શક્યતા છે. આ નિર્ણયને હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને આસપાસના વેપારીઓ દ્વારા આવકારવામાં આવ્યો છે, જોકે માત્ર ડિવાઇડર કટ બંધ કરવાથી સિવિલ હોસ્પિટલ આસપાસની ટ્રાફિક સમસ્યાનો સંપૂર્ણ અંત આવશે કે કેમ તે મોટો સવાલ છે, કારણ કે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં શટલ રિક્ષાઓ આડેધડ ઊભી રહેતી હોવાની સમસ્યા હજુ પણ યથાવત્ છે.
ADVERTISEMENT
સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમનાં પરિવારજનો આવે છે. આ દરમિયાન દર્દીઓને લાવવા-લઈ જવા માટે રિક્ષાઓનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. હોસ્પિટલના ગેટ નજીક મુસાફરોની રાહ જોતી શટલ રિક્ષાઓ રસ્તાની એકથી વધુ લેન રોકીને ઊભી રહેતી હોવાથી પાછળથી આવતાં વાહનોની ગતિ ધીમી પડી જાય છે, ધીમે ધીમે વાહનોની લાંબી કતાર સર્જાય છે અને ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે.
ADVERTISEMENT
સિવિલ હોસ્પિટલ જેવી જગ્યાએ એમ્બ્યુલન્સ માટે રસ્તો હંમેશાં ખુલ્લો હોવો જરૂરી છે. ગંભીર દર્દીને લઈને આવતી અથવા સારવાર બાદ અન્ય સ્થળે લઈ જતી એમ્બ્યુલન્સને જો ગેટ પાસે જ ટ્રાફિકમાં અટવાઈ જવું પડે તો દર્દીનાં પરિવારજનો માટે પણ ચિંતાની સ્થિતિ સર્જાય છે. શટલ રિક્ષાઓ આડેધડ ઊભી રહેવાના કારણે અગાઉ એમ્બ્યુલન્સને પણ રસ્તો મેળવવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો સામે આવી છે.
ADVERTISEMENT
ટ્રાફિક પોલીસે ડિવાઇડર કટ બંધ કરીને સારી પહેલ કરી છે, પરંતુ આ સાથે રિક્ષા વ્યવસ્થાને પણ નિયંત્રિત કરવી જરૂરી છે. રિક્ષાઓ માટે અલગ પાર્કિંગ અથવા મુસાફરો બેસાડવા-ઉતારવા માટે નિયત જગ્યા નક્કી કરવામાં આવે તો રસ્તા પર થતો અવરોધ ઘટી શકે છે. નિયમનો ભંગ કરીને રસ્તા પર ઊભી રહેતી રિક્ષાઓ સામે નિયમિત કાર્યવાહી કરવામાં આવે તો જ ટ્રાફિક વ્યવસ્થામાં કાયમી સુધારો થઈ શકે.
આ પણ વાંચો : લો બોલો, વાલીઓના ફોન જ રીસીવ નથી કરતા, આનંદ નિકેતન સ્કૂલની મનમાની યથાવત
‘કેપ્સ્યૂલ ફોર્મેટ’થી રસ્તાની રચનામાં ફેરફાર થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી આડેધડ ઊભી રહેતી શટલ રિક્ષાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી સિવિલ હોસ્પિટલ બહાર ટ્રાફિક જામની સમસ્યા સંપૂર્ણપણે દૂર થશે કે કેમ તે અંગેનો સવાલ યથાવત્ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.