ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ન્યૂડ વીડિયો કોલ રિસીવ કરવો અમદાવાદી યુવકને ભારે પડ્યો, ₹49.78 લાખમાં રોવડાવ્યો
Last Updated: 11:44 AM, 5 October 2026
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકને ન્યૂડ વીડિયો કોલના નામે બ્લેકમેલ કરી સાયબર ઠગોએ લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા નંબર પરથી આવેલા ન્યૂડ વીડિયો કોલ બાદ યુવકનો વીડિયો રેકોર્ડ થયાની ધમકી આપી ઠગોએ પોતાને દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને યુટ્યુબના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. પોલીસ કાર્યવાહી અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અલગ-અલગ તબક્કામાં યુવક પાસેથી કુલ રૂ.49.78 લાખ ટ્રાન્સફર કરાવી લેવાયા હતા.
ADVERTISEMENT
અજાણ્યા વીડિયો કોલથી શરૂ થયું બ્લેકમેલિંગ
વાડજ વિસ્તારમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક 3 સપ્ટેમ્બર 2026ની રાત્રે પોતાના મોબાઇલમાં વ્યસ્ત હતો. આ દરમિયાન તેના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો. કોલ રિસીવ કરતાં સામે એક યુવતી ન્યૂડ અવસ્થામાં જોવા મળી હતી. યુવકે તરત જ કોલ કટ કરીને નંબર બ્લોક કરી દીધો હતો.
ADVERTISEMENT
થોડા સમય બાદ ફરીથી કોલ આવતા સામેની વ્યક્તિએ યુવકને જણાવ્યું કે તેનો ન્યૂડ વીડિયો રેકોર્ડ થઈ ગયો છે. વીડિયો વાયરલ ન થાય તે માટે ચોક્કસ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાની માગણી કરવામાં આવી હતી. આ દરમિયાન યુવકને એક વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો, જેને તેણે બાદમાં ડિલીટ કરી દીધો હતો.
‘ધરપકડ થઈ શકે છે’ કહી ડરાવ્યો
ADVERTISEMENT
મામલો અહીં અટક્યો નહોતો. 27 સપ્ટેમ્બરે યુવકને ફરી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો. કોલ કરનારે પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સંજય અરોરા તરીકે આપી હતી.
કથિત અધિકારીએ ન્યૂડ વીડિયો સંબંધિત ગુનામાં યુવક સામે પોલીસ કાર્યવાહી થઈ શકે છે અને તેને સાત વર્ષની સજા થઈ શકે છે તેમ કહી ડરાવ્યો હતો. અમદાવાદ પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવશે તેવી ધમકી આપીને યુવકને વધુ ગભરાવવામાં આવ્યો હતો. આ પછી ધરપકડથી બચવા માટે યુટ્યુબના અધિકારી સાથે વાત કરી વીડિયો ડિલીટ કરાવવાની ‘પ્રોસેસ’ કરવાની વાત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
યુટ્યુબ અધિકારીના નામે પણ વસૂલાત
ત્યારબાદ યુવકની વાત હેમંત મલહોત્રા નામની વ્યક્તિ સાથે કરાવવામાં આવી હતી. તેણે પોતાને યુટ્યુબ અધિકારી તરીકે ઓળખાવ્યો હતો. યુવકના નામે બે ન્યૂડ વીડિયો હોવાનું કહી તેને યુટ્યુબ પરથી ડિલીટ કરાવવા માટે શરૂઆતમાં રૂ.71,250 ચાર્જ માગવામાં આવ્યો હતો. પોલીસ અને યુટ્યુબના અધિકારી તરીકે ઓળખ આપનારા લોકોની વાતોથી ડરી ગયેલા યુવકે વીડિયો ડિલીટ થઈ જશે અને પોલીસ કાર્યવાહીથી બચી શકાશે તેવી આશાએ રૂપિયા ચૂકવ્યા હતા.
ADVERTISEMENT
અલગ-અલગ કારણો બતાવી 49.78 લાખ પડાવ્યા
પ્રથમ રકમ મેળવ્યા બાદ ઠગોએ યુવકને સતત અલગ-અલગ કારણો આપીને વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું હતું. ક્યારેક પોલીસ કાર્યવાહીનો ડર બતાવવામાં આવ્યો તો ક્યારેક વીડિયો વાયરલ થઈ જશે અને તેની નોકરી તથા કારકિર્દી બરબાદ થઈ જશે તેવી ધમકી આપવામાં આવી. આ રીતે યુવક પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં તબક્કાવાર કુલ રૂ.49.78 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. આટલી મોટી રકમ મેળવ્યા બાદ પણ ઠગોએ વધુ પૈસાની માગણી ચાલુ રાખી હતી.
ADVERTISEMENT
અંતે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ
વારંવાર પૈસાની માગણી થતાં યુવકને સમગ્ર મામલો સાયબર છેતરપિંડીનો હોવાનું સમજાયું હતું. ત્યારબાદ તેણે સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા, અને પછી...!
ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. યુવક પાસેથી જે અલગ-અલગ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી તેની વિગતો મેળવવામાં આવી રહી છે. સાથે જ આ રકમ ક્યાં સુધી પહોંચી, આરોપીઓની ઓળખ શું છે અને સમગ્ર ગેંગમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.