ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં દોઢ વર્ષથી ચાલતી MD ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ, મુદસ્સરખાનના ગેંગસ્ટર કનેક્શનનો ખુલાસો
Last Updated: 01:32 PM, 16 November 2026
ADVERTISEMENT
પોલીસની કચેરીઓ, એસઓજી, એસીપી, ડીસીપી, ક્રાઈમ બ્રાંચ અને એટીએસ જેવી એજન્સીઓનું આખું નેટવર્ક આસપાસ હોવા છતાં કોઈને ખબર સુધ્ધાં ન પડી કે રહેણાક મકાનનાં ભોંયરાંમાં દોઢ વર્ષથી એમડી ડ્રગ્સની ફેક્ટરી ધમધમી રહી છે. સ્થાનિક તંત્રની નજર સામે જ કેમિકલનો ખેલ ચાલતો રહ્યો, ડ્રગ્સ બનાવવાનાં સાધનો એકઠાં થતાં રહ્યાં અને ફેક્ટરીનું સેટઅપ તૈયાર થતું રહ્યું, પરંતુ આખરે એનસીબીએ એવી બાજી મારી કે સ્થાનિક પોલીસ સહિતની એજન્સી પણ ચોંકી ઊઠી.
ADVERTISEMENT

૧૫ નવેમ્બરની વહેલી સવારે એનસીબીએ સરખેજ પોલીસને સાથે રાખીને જુહાપુરાના લબ્બેક પાર્કના એલ -૨, ૧૩ના ભોંયરાંમાં દરોડો પાડ્યો અને મુદસ્સરખાન પઠાણની એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. હવે સવાલ માત્ર એક ફેક્ટરી પકડાવાનો નથી, પરંતુ પોલીસ અને અનેક એજન્સીઓની હાજરી વચ્ચે આટલો મોટો ખેલ દોઢ વર્ષ સુધી કેવી રીતે ચાલતો રહ્યો તેનો છે. એનસીબીના આ ઓપરેશને સ્થાનિક તંત્રની સતર્કતા સામે પણ મોટો સવાલ ઊભો કરી દીધો છે. મુદસ્સરખાન પઠાણની ઉંમર ૪૦ વર્ષથી વધુ છે. તેની ગુનાઇત સફર ડ્રગ્સની ફેક્ટરીથી શરૂ થઈ નહોતી. અગાઉ તે ડ્રગ્સનો બંધાણી હતો અને ત્યાર બાદ પેડલર બન્યો હતો. ધીમે ધીમે પોતે જ એમડી ડ્રગ્સ બનાવવાની દિશામાં આગળ વધ્યો હતો. મુદસ્સરખાને પત્ની સાથે મળીને આ કામ શરૂ કર્યું હોવાની વાત પણ સામે આવી છે. જોકે, દરોડા સમયે પત્ની ઘરમાં હાજર હતી અને પ્રાથમિક તપાસમાં તેની સંડોવણીના પુરાવા મળ્યા ન હોવાનું ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
મુદસ્સરખાને રાજસ્થાનના પ્રતાપગઢમાં ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા જોઈ હતી. ત્યાર બાદ ગૂગલ પર માહિતી શોધીને પોતાના ઘરમાં પ્રયોગો શરૂ કર્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી એમડી બનાવવાના પ્રયાસ કરતો હતો અને ભોંયરાંમાં ફેક્ટરીનું સેટઅપ ઊભું કર્યું હતું. સારી ગુણવત્તાનું એમડી બનાવવાનો તેનો ઇરાદો હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. જોકે, પહેલી ડિલિવરી થાય તે પહેલાં જ ફેક્ટરી ઝડપાઈ ગઈ હતી આવું પોલીસનું માનુવું છે. ડ્રગ્સના કારોબાર પહેલા મુદસ્સરખાન પઠાણનો ઈતિહાસ ગુનાઈત પ્રવૃત્તિઓથી જોડાયેલો રહ્યો છે.
ADVERTISEMENT
કોલ સેન્ટરના હરીફોથી બચવા મુદસ્સરખાને ગેંગસ્ટર શિવા મહાલિંગમની મદદ લીધી હતી. ત્યાર બાદ તે ધીમે ધીમે શિવાની ગેંગના સંપર્કમાં આવ્યો હતો. બદલામાં દર મહિને તે લાખો રૂપિયાની પ્રોટેક્શન મની ચૂકવતો હતો. સમય જતાં મુદસ્સરખાન અને શિવા વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો અને મુદસ્સરખાને પોતાનું અલગ ગુનાઇત નેટવર્ક ઊભું કર્યું હતું. હવે સવાલ એ છે કે, ગેંગસ્ટરની છત્રછાયા હેઠળ રહેલો મુદસ્સરખાન પોતે જ ડ્રગ્સના ધંધામાં કેટલો આગળ વધી ગયો હતો અને તેની પાછળ અન્ય કયા લોકો હતા?
ADVERTISEMENT
મુદસ્સરખાનની આસપાસની બીજી કડી ૧૦ કરોડ રૂપિયાના બિટકોઈનના વિવાદ સાથે જોડાયેલી છે. આ વિવાદમાં સલમાન નામના શખ્સને પગમાં ગોળી મારવામાં આવી હતી. બીજી તરફ, શિવા મહાલિંગમના વિરોધીઓ દ્વારા મુદસ્સરખાન પર બે વખત ફાયરિંગ થયું હોવાની વિગતો પણ સામે આવી છે. સલમાન નામના શખ્સે મુદસ્સરખાન પાસેથી દસ કરોડના બિટકોઈન લૂંટી લીધા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો.
ADVERTISEMENT
ડ્રગ્સના કેસમાં જેલમાંથી છૂટીને આવતા આરોપીઓનું શિવા અને તેની ગેંગ દ્વારા અપહરણ કરીને માર મારવામાં આવતો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. શિવાનું પ્રોટેક્શન હોવાથી મુદસ્સરખાન તેની ગેંગમાં જોડાઈ ગયો હતો અને ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા લોકોને ઉઠવાતો હતો. ડ્રગ્સ માફિયાઓને મારમારીને તેની પાસેથી મળેલું ડ્રગ્સ મુદસ્સરખાન પઠાણ પોતાની પાસે રાખતો હતો. આ બાદ તેણે ડ્રગ્સનો નશો કરવાનું શરૂ કર્યુ અને જેના કારણે શિવા સાથે તેણે મનદુખ થયુંંં હતું. શિવા સાથે મનદુખ થતાં મુદસ્સરખાને તેની ગેંગ છોડી દીધી હતી.
ADVERTISEMENT
■ ૧૩૦.૬૧૩ કિલો વિવિધ પ્રકારનાં કેમિકલનો કુલ જથ્થો
■ ૨૬.૮૫ ગ્રામ પ્રવાહી સ્વરૂપમાં એમડી
■ ૦.૭૦ ગ્રામ પઉડર સ્વરૂપમાં એમડી
■ એસિટોન અને હાઇડ્રોક્લોરિક એસિડ
■ ટુ-બ્રોમો સહિતનાં અન્ય રસાયણો
■ લેબોરેટરીનાં વિવિધ સાધનો અને ઉપકરણો
■ હીટિંગ મેન્ટલ્સ અને ડિજિટલ મેગ્નેટિક સ્ટિરર્સ
■ પિપેટ્સ, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક અને ફનલ
■ બીકર્સ, સ્ટેન્ડ્સ અને તાપમાન માપવાનાં સાધનો
આ કેસમાં હવે સૌથી મહત્ત્વની તપાસ કેમિકલ સપ્લાય અને ડ્રગ્સના નેટવર્કની છે. મુદસ્સરખાને મોટાભાગનું રો-મટીરિયલ અમદાવાદમાંથી ખરીદ્યું હતું, જ્યારે અમુક સામગ્રી મધ્યપ્રદેશના રતલામમાંથી લાવ્યો હતો. એનસીબીના ગુજરાત ઝોનલ ડાયરેક્ટર ઘનશ્યામ સોનીએ મંદસૌરનું કનેક્શન સામે આવ્યું હોવાનું જણાવ્યું છે. ગુજરાત પોલીસ અને એટીએસની મદદથી તમામ એંગલથી તપાસ કરવામાં આવશે. હવે તપાસમાં કેમિકલ સપ્લાય કરનારાઓ, મુદસ્સરખાનના જૂના સંપર્કો, કેફેના વ્યવહારો અને ગેંગસ્ટર સાથેના સંબંધોની કડીઓ જોડવામાં આવશે. અમદાવાદના અન્ય ડ્રગ્સ માફિયાઓ સાથે તેની સાઠગાંઠ હતી કે કેમ તે પણ તપાસનો વિષય છે. જો આ કડીઓ જોડાશે તો માત્ર એક ફેક્ટરી નહીં, પરંતુ શહેરમાં સક્રિય ડ્રગ્સના મોટા નેટવર્કનાં નામ પણ બહાર આવી શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ અને એજન્સીઓની કચેરીઓથી થોડા અંતરે દોઢ વર્ષ સુધી ડ્રગ્સની ફેક્ટરી કેવી રીતે ધમધમતી રહી? ભોંયરાંમાંથી મળેલા કેમિકલ કરતાં પણ વધુ જોખમી તેની પાછળનું નેટવર્ક હોઈ શકે છે. એનસીબીએ ફેક્ટરી પકડી છે, હવે તપાસ અમદાવાદના ડ્રગ્સના અંડરવર્લ્ડ સુધી પહોંચે છે કે નહીં તેના પર સૌની નજર છે.
અમદાવાદમાં કેફે કલ્ચર અને નાઈટ લાઈફનો ક્રેઝ યુવા પેઢીમાં ઝડપથી વધી રહ્યો છે. શહેરના પોશ વિસ્તારોમાં આવેલા કેફેમાં મોડી રાત સુધી યુવાનોની મહેફિલ જામે છે. મિત્રો સાથે સમય વિતાવવો અને કેફેમાં બેસવું સામાન્ય બાબત છે, પરંતુ આ જ કેફેની આડમાં નશાના કારોબારને સ્થાન મળી રહ્યું હોય તો તે ચિંતાનો વિષય છે. તાજેતરમાં સરખેજમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. આ કેસનો આરોપી મુદસ્સરખાન પઠાણ પણ કેફે ચલાવતો હતો. બીજી તરફ, થોડા દિવસ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલે કેફેમાંથી હુક્કાબારનો પર્દાફાશ કર્યો હતો. આ ઘટનાઓએ કેફે કલ્ચરની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે સવાલ ઊભા કર્યા છે.
ઘરમાં માતા-પિતા સંતાનની રાહ જોતાં હોય છે. રાત્રે મોડું થાય ત્યારે ફોન કરીને પૂછે છે કે ક્યાં છે અને ક્યારે ઘરે આવશે? સામે ઘણીવાર મિત્રો સાથે કેફેમાં હોવાનું કહી દેવામાં આવે છે. સંતાન વારંવાર એક જ કેફેમાં જતું હોય, અચાનક ખર્ચ વધી જાય, સ્વભાવમાં ફેરફાર આવે અથવા પરિવારથી અંતર રાખવા લાગે તો માતા-પિતાએ તેની સાથે ખુલ્લા મનથી વાત કરવી જોઈએ.
આ પણ વાંચો : દિવાળીમાં ગુજરાતની વીજમાગમાં 2,949 મેગાવોટનો ઘટાડો, વીજવપરાશમાં પણ મોટો ઘટાડો
■ એસઓજી કચેરી – ૩.૬ કિલોમીટર
■ એસીપી કચેરી – ૪.૨ કિલોમીટર
■ ઝોન-૭ ડીસીપી કચેરી – ૮.૭ કિલોમીટર
■ વેજલપુર પોલીસ સ્ટેશન – ૫ કિલોમીટર
■ સરખેજ પોલીસ સ્ટેશન – ૩.૪ કિલોમીટર
■ ક્રાઈમ બ્રાંચ – ૧૨.૮ કિલોમીટર
■ ગુજરાત એટીએસ – ૨૩.૭ કિલોમીટર
■ એનસીબી – ૨૨.૬ કિલોમીટર
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો