બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ બાદ સાધુ-સંતોનો ભંડારો
Last Updated: 07:51 AM, 14 July 2026
અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ ભક્તિભાવ અને વૈદિક પરંપરા મુજબ યોજાશે. રથયાત્રાના એક દિવસ અગાઉ યોજાતી આ વિધિનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી મામાના ઘરે (મોસાળ)થી પરત પોતાના નિજ મંદિરમાં પધાર્યા બાદ આ વિધિ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો આ પાવન પ્રસંગના દર્શન કરવા માટે મંદિર ખાતે ઉમટી પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધાર્મિક માન્યતા મુજબ ભગવાન મોસાળમાં ખૂબ લાડ લડાવવામાં આવે છે. ત્યાં તેઓ કેરી, જાંબુ, માવા અને વિવિધ પ્રકારની મીઠાઈઓનો પ્રસાદ ગ્રહણ કરે છે. આ કારણે ભગવાનની આંખો આવી હોવાનું પ્રતીક માનવામાં આવે છે અને તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. ત્યારબાદ વિશેષ પૂજા-અર્ચના સાથે ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવે છે, જેને નેત્રોત્સવ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બળદેવજીની ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે.
ADVERTISEMENT
નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ મંદિરમાં પરંપરાગત રીતે ધ્વજારોહણ કરવામાં આવશે. ધ્વજારોહણનો કાર્યક્રમ પણ રથયાત્રા પૂર્વેનો અત્યંત મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ માનવામાં આવે છે. ધ્વજારોહણ બાદ સાધુ-સંતો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો તેમજ ભક્તો મહાપ્રસાદ અને ભોજન ગ્રહણ કરશે. દર વર્ષે આ પ્રસંગે ભક્તિમય વાતાવરણ સર્જાય છે અને હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે.

ADVERTISEMENT
આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાશે. રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે સમગ્ર રૂટ પર 31 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક સંવેદનશીલ વિસ્તાર પર વિશેષ નજર રાખવામાં આવશે અને આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
ADVERTISEMENT
રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે દરિયાપુર સુધી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરશે. રૂટની સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ તેઓ જગન્નાથ મંદિરમાં યોજાનારા ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય પોલીસ અધિકારીઓ પણ સમગ્ર રૂટ પર સતત હાજર રહી સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડ થયું દોડતું
પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રથયાત્રાના બંદોબસ્તમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે દરેક સ્તરે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને પોલીસ અને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ધાર્મિક આસ્થા, પરંપરા અને સુરક્ષાના સમન્વય સાથે આજે યોજાનારી નેત્રોત્સવ વિધિ અને ત્યારબાદની તમામ ધાર્મિક વિધિઓ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે, જ્યારે આવતીકાલે યોજાનારી 149મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા માટે સમગ્ર અમદાવાદ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.