બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ધોધમાર વરસાદ માટે હજુ રાહ,બે દિવસ બાદ મેઘરાજા ફરી સક્રિય થવાની શક્યતા
6 ફોટો ગેલેરી
Last Updated: 06:49 AM, 14 July 2026
1/6
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે અને ઘણા તાલુકાઓમાં હજુ પણ જોઇએ તેવો વરસાદ નોંધાયો નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને બાદ કરતાં રાજ્યના મોટા ભાગમાં મેઘરાજાએ પૂરતી જમાવટ કરી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 209.2 મીમી વરસાદ થવો જોઈએ, પરંતુ અત્યાર સુધી માત્ર 162.5 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં હજુ પણ આશરે 22 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગામી બે દિવસ સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે ત્યારબાદ ફરી એક વખત રાજ્યમાં મેઘાવી માહોલ જામે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
2/6
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 14 જુલાઈ 2026ના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બીજી તરફ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. આ વિસ્તારોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી નથી.
3/6
હવામાન વિભાગે 15થી 18 જુલાઈ 2026 દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓ માટે પણ આગાહી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી.
4/6
શહેરોના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહી શકે છે. રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. બંને શહેરોમાં આજે નોંધપાત્ર વરસાદની સંભાવના દર્શાવવામાં આવી નથી.
5/6
દક્ષિણ ગુજરાતના શહેરોની વાત કરીએ તો સુરત અને વડોદરામાં આજે પવન સાથે વરસાદની શક્યતા છે. બંને શહેરોમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન આશરે 28 ડિગ્રી રહી શકે છે. ખાસ કરીને સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેના કારણે સ્થાનિક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ શકે છે.
6/6
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ મોનસૂન ટ્રફ શ્રીગંગાનગર, હિસાર, મુરાદાબાદ, ગોરખપુર, મુઝફ્ફરપુર અને બાલુરઘાટ થઈને મણિપુર સુધી વિસ્તરેલો છે. મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 3.1 કિલોમીટરની ઊંચાઈ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સક્રિય છે. જોકે તેની ગુજરાત પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. હાલમાં સમગ્ર રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી બે દિવસ સુધી વરસાદની ગતિ સામાન્ય રહી શકે છે, પરંતુ ત્યારબાદ રાજ્યમાં ફરી મેઘાવી માહોલ સર્જાઈ વધુ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ