ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદમાં ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી વેપારી સાથે છેતરપિંડી! આંગડિયા મારફતે પૈસા મંગાવનાર વેપારીને 40 લાખની નકલી નોટો આપી

ગુજરાત / અમદાવાદમાં ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી વેપારી સાથે છેતરપિંડી! આંગડિયા મારફતે પૈસા મંગાવનાર વેપારીને 40 લાખની નકલી નોટો આપી

Published By: Jinal Chauhan

Last Updated: 11:21 AM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નકલી નોટો દ્વારા વેપારી સાથે ₹40 લાખની છેતરપિંડી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘાટલોડિયા પોલીસે આંગડિયા મારફતે નકલી નોટો પહોંચાડવા આવેલા બે શખસોને ઝડપી પાડ્યા છે.

ADVERTISEMENT

અમદાવાદમાં નકલી નોટો દ્વારા વેપારી સાથે ₹40 લાખની છેતરપિંડી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘાટલોડિયા પોલીસે આંગડિયા મારફતે નકલી નોટો પહોંચાડવા આવેલા બે શખસોને ઝડપી પાડ્યા છે.વેપારીએ નાગપુરથી પૈસા મંગાવ્યા હતા પરંતુ તેના બદલામાં બેંકની પટ્ટી લગાવેલા બંડલમાં 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા'ની નોટો પધરાવી દેવામાં આવી હતી. આ રીતે વેપારીને ₹40 લાખનું નુકસાન થયું હતું. જોકે, વેપારીએ હાર માનવાને બદલે પોલીસની મદદથી જાળ બિછાવી હતી. ફરીથી પૈસા મંગાવવાનું નાટક કરીને આરોપીઓને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. પોલીસે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. તપાસમાં આ કૌભાંડમાં અન્ય ત્રણ શખસોનાં નામ પણ સામે આવ્યાં છે.

ઊંઝાના વેપારીને નાગપુરથી મોકલ્યા ₹40 લાખના નકલી નોટોના બંડલ

ઊંઝામાં બી.બી. ટ્રેડર્સ નામે જીરું અને વરિયાળીનો વેપાર કરતા રોહિતકુમાર પટેલ સાથે આ છેતરપિંડી થઈ હતી. વેપારના કામ માટે તેમને નાગપુરથી ₹40 લાખ મંગાવવાના હતા. આ માટે તેમણે ઓનલાઈન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ 17 નવેમ્બરના રોજ બે શખસ નોટોના બંડલ ભરેલો થેલો લઈને ઊંઝા પહોંચ્યા હતા.

આરોપીઓએ નોટોના બંડલ પર બેંકની પટ્ટી લગાવી હતી. બહારથી જોવામાં બંડલ અસલી ચલણ જેવાં જ લાગતાં હતાં. આથી વેપારીને નોટો અસલી હોવાની ખાતરી થઈ હતી. બીજી તરફ નાગપુરમાં પણ ₹40 લાખનું પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું. જોકે, વેપારીએ જ્યારે થેલો ખોલીને નોટો તપાસી ત્યારે આખી છેતરપિંડી સામે આવી હતી. બંડલમાં એકપણ અસલી નોટ નહોતી. તમામ નોટો પર 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા' લખેલું હતું. આ રીતે વેપારી સાથે ₹40 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

વેપારીએ પોલીસ સાથે મળીને આરોપીઓને પકડવા જાળ બિછાવી

₹40 લાખની છેતરપિંડી થયા બાદ વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ગેંગ ફરીથી આવી જ રીતે નોટો પહોંચાડવા આવશે કે નહીં તે જાણવું જરૂરી હતું. આથી વેપારીએ પોલીસ સાથે મળીને આરોપીઓને પકડવાની યોજના બનાવી હતી.

આ વખતે ફરી નાગપુરથી ફરિયાદીના પિતા નરેન્દ્રભાઈ પટેલના નામે અમદાવાદમાં પેમેન્ટ મંગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગેંગને લાગ્યું કે અગાઉની જેમ જ નોટોના બંડલ પહોંચાડીને કમિશન મેળવી શકાશે. 19 નવેમ્બરના રોજ બપોરે આરોપીઓએ વોટ્સએપ કોલ કરીને પેમેન્ટ લઈને આવી ગયા હોવાની જાણ કરી હતી. આ કોલથી પોલીસને આરોપીઓ અમદાવાદ આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.

સોલા રોડ પર પોલીસે છટકું ગોઠવી બે આરોપીઓને ઝડપ્યા

આરોપીઓ અમદાવાદ પહોંચવાની જાણ થતાં જ વેપારીએ ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ PSI એચ.ડી. જોષી અને તેમની ટીમે સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે આવેલા ત્રણ રસ્તા પર છટકું ગોઠવ્યું હતું.આરોપીઓ નોટોના બંડલ બતાવવા માટે ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસે તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. આમ, ફરી એકવાર નકલી નોટો આપીને પૈસા મેળવવા આવેલા બંને શખસ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ દિલ્હીના 23 વર્ષીય રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને રાજસ્થાનના બિકાનેરના 30 વર્ષીય માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા તરીકે થઈ છે. બંને આરોપીઓ માત્ર ₹5-5 હજારના કમિશન માટે નકલી નોટોના બંડલ પહોંચાડવા તૈયાર થયા હતા.

vtv app promotion

આ પણ વાંચોઃ સુરતમાં પાણી ભરવા જતી મહિલાને બાયકર્સે કચડી નાખી, ઘટનાસ્થળે જ મોત, 2 બાળકો નોંધારા થયા

₹5-5 હજાર કમિશન અને રેલવે ભાડાની લાલચ આપીને કરાવાતું હતું કામ

પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતાં આ કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નોઈડામાં રહેતા ગજાનંદ શર્માએ બંનેનો સંપર્ક ધનરાજ નામના શખસ સાથે કરાવ્યો હતો.ત્યારબાદ ધનરાજના કહેવાથી દિલ્હીના ખીચડીપુર સ્ટેશન પાસે વરુણ નામના શખસે બંને આરોપીઓને નકલી નોટોના બંડલ આપ્યા હતા. આ બંડલ અમદાવાદ પહોંચાડવાના બદલામાં બંનેને ₹5-5 હજાર કમિશન આપવાનું નક્કી થયું હતું. આ ઉપરાંત રેલવેનું ભાડું પણ આપવાની લાલચ આપવામાં આવી હતી.આ રીતે નકલી નોટોનું કૌભાંડ ચલાવનારા મુખ્ય શખસો પોતે પાછળ રહીને બીજા લોકોને નોટોના બંડલ પહોંચાડવાની જવાબદારી સોંપતા હોવાની વિગતો સામે આવી છે. આ કેસમાં ગજાનંદ શર્મા, ધનરાજ અને વરુણની પણ સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

₹500ની 1,666 નકલી નોટો મળી, કુલ કિંમત ₹8.33 લાખ

પોલીસે આરોપીઓ પાસેથી મળેલા નોટોના બંડલ ખોલીને તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કુલ 17 બંડલમાંથી દરેકમાં 98 નોટો હતી. આ રીતે પોલીસને કુલ 1,666 નકલી નોટો મળી આવી હતી. તમામ નોટો ₹500ના દરની હતી. અસલી ચલણના હિસાબે આ નોટોની કુલ કિંમત ₹8.33 લાખ થાય છે.નોટોના બંડલ બહારથી અસલી બેંકના બંડલ જેવા દેખાય તે માટે ખાસ તૈયારી કરવામાં આવી હતી. બંડલ પર પીળા રંગના કાગળ લગાવીને ICICI બેંકનાં ખોટાં લેબલ અને સિક્કા મારવામાં આવ્યા હતા. પરંતુ અંદરની નોટો પર 'ભારતીય મનોરંજન બેંક - પાંચ સો કુપન' અને 'CHILDREN BANK OF INDIA' લખેલું હતું.આ રીતે બહારથી અસલી નોટોનો દેખાવ ઊભો કરીને વેપારીઓને છેતરવામાં આવતા હતા. પોલીસે આ મામલે બંને ઝડપાયેલા આરોપીઓ ઉપરાંત ગજાનંદ શર્મા, ધનરાજ અને વરુણ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હવે પોલીસ તપાસમાં કઈ વિગતો સામે આવશે?

ઘાટલોડિયા પોલીસ માટે હવે આ ગેંગે અગાઉ કેટલા વેપારીઓને આ જ રીતે નિશાન બનાવ્યા છે તે જાણવું અગત્યનું છે. નાગપુરથી નકલી નોટો પહોંચાડવાની વ્યવસ્થા કોણ કરતું હતું અને આ નોટો ક્યાં તૈયાર કરવામાં આવતી હતી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત ગેંગના અન્ય સભ્યોની ભૂમિકા, નકલી નોટોનો જથ્થો અને અગાઉ થયેલી આવી છેતરપિંડીના કેસની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી શકે છે. હાલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati smachar Fake Note Scam Ahmedabad Fake Currency

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ