બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:08 PM, 2 July 2026
મહારાષ્ટ્રની વાશિમ જિલ્લા અદાલતે કસ્ટોડિયલ ડેથના એક અત્યંત ગંભીર મામલામાં મોટો ચુકાદો આપતા તત્કાલીન પોલીસ સ્ટેશન પ્રભારી સહિત 9 પોલીસકર્મીઓને આજીવન કેદ (ઉંમરકેદ) ની સજા ફટકારી છે. આ ઘટના આશરે 15 વર્ષ પહેલાં રિસોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. તત્કાલીન પોલીસ સ્ટાફે રાત્રે 3 વાગ્યે પારધી સમાજના બેગ્યા પવાર નામના એક યુવકને તેના ઘરેથી કસ્ટડીમાં લીધો હતો. પોલીસે તે સમયે પરિવારને જણાવ્યું હતું કે તેઓ માત્ર પૂછપરછ માટે તેને લઈ જઈ રહ્યા છે. પરંતુ, પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હતા અને બેગ્યા પવારની એટલી હદે નિર્મમ અને બેરહેમીથી પીટાઈ કરવામાં આવી કે પોલીસ કસ્ટડીમાં જ તેનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસ દમનનો ભોગ બનેલા મૃતક બેગ્યા પવાર વિરુદ્ધ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એક પણ ગુનાહિત રેકોર્ડ નોંધાયેલો નહોતો. આ કરુણ અકસ્માતના માંડ 1 વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. એકમાત્ર કમાતા દીકરાના મોતના આઘાત બાદ વૃદ્ધ માતા-પિતા ન્યાય મેળવવા રિસોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ આ ઘટના અંગે એફઆઈઆર (FIR) નોંધાવવા માંગતા હતા, પરંતુ જે થાણેદારનું નામ ફરિયાદમાં સામેલ હતું, તેણે કેસ દાખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. યુવક પારધી સમાજનો હોવાથી આ અન્યાય સામે સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને મોટા પાયે વિરોધ પ્રદર્શનો તથા મોરચાઓ કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યારે મૃતકનું મેડિકલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ત્યારે રિપોર્ટમાં ખુલાસો થયો કે પોલીસની મારપીટને કારણે તેના શરીરના અંગોના અનેક હાડકાં તૂટી ગયા હતા.

ADVERTISEMENT
કેસની ગંભીરતા અને પ્રજાના આક્રોશને જોતા આ સમગ્ર કેસની તપાસ સીઆઈડી (CID) ના અધિકારી અનવર શેખને સોંપવામાં આવી હતી. CID અધિકારી અનવર શેખે મામલાના દરેક પાસાઓની ખૂબ જ બારીકાઈથી અને કાયદાકીય રીતે તપાસ કરી અને અદાલત સમક્ષ મજબૂત પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટમાં સ્પષ્ટપણે સાબિત કરવામાં આવ્યું હતું કે લોકઅપની અંદર બેગ્યા પવાર સાથે કેટલી હદ સુધી અમાનવીય અત્યાચાર અને મારપીટ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ કેસની કાનૂની લડત પૂરા 15 વર્ષ સુધી કોર્ટમાં ચાલી હતી. આખરે વાશિમ જિલ્લા સત્ર અદાલતના જસ્ટિસ ઝપાટેએ તમામ પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને રાખીને ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે તત્કાલીન રિસોડ પોલીસ સ્ટેશનના થાણેદાર મહાદેવ માણિક ધાંડે અને અન્ય 8 પોલીસકર્મીઓને ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે. સજા પામેલા આ 9 આરોપીઓમાંથી થાણેદાર સહિત બે પોલીસકર્મીઓ અત્યારે નિવૃત્ત (Retire) પણ થઈ ચૂક્યા છે. અદાલતના આદેશ બાદ તમામ દોષિતોને તાત્કાલિક વાશિમ જેલમાં મોકલી દેવાયા છે, જ્યાંથી કાગળની પ્રક્રિયા પૂર્ણ કરી તેમને અમરાવતી સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / પીએમ મોદીએ જાપાનના પીએમને ગણાવ્યા "નાની બહેન", ફાર્મા-સંરક્ષણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર
ADVERTISEMENT
ન્યાય મળ્યા બાદ મૃતકની વૃદ્ધ માતા કલાબાઈ નયનુ પવારે સંતોષ અને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમને આખરે ન્યાય મળ્યો છે અને અમે ખૂબ ખુશ છીએ. સરકારી વકીલ શ્રીરામ કાલુ અને ન્યાયાધીશ ઝપાટે સાહેબે અમને ન્યાય અપાવ્યો છે. અમે CID ના અનવર શેખના પણ ખૂબ આભારી છીએ. મારા દીકરા પર એક પણ ગુનો નોંધાયેલો નહોતો. પોલીસવાળા તેને રાત્રે બળજબરીથી માત્ર પૂછપરછનું કહીને લઈ ગયા હતા અને સવારે અમને તેના મોતના સમાચાર મળ્યા. અમે આ અન્યાય સામે લાંબી લડત લડી છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.