જામનગરમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે મોક્સિકોથી સ્પેશિયલ કાર્ગો વિમાનમાં લાવવામાં આવ્યા 65 પ્રાણીઓ. આ પહેલા મે મહિનામાં મોરાક્કોથી લાવવામાં આવ્યા હતા પ્રાણીઓ.
જામનગરમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય
પ્રોજેક્ટ ઝડપી પૂર્ણ કરવા પૂરજોશમાં ચાલી રહી છે કામગીરી
મેક્સિકોથી વિમાનમાં લાવવામાં આવ્યા 65 જંગલી પ્રાણીઓ
ગુજરાતમાં આકાર લઈ રહેલા પ્રથમ પ્રાઈવેટ ઝૂમાં વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગતરોજ મેક્સિકોથી સ્પેશિયલ કાર્ગો વિમાનમાં જુદી-જુદી પ્રજાતિના 65 જંગલી પ્રાણીઓ લાવવામાં આવ્યા. આ તમામ પ્રાણીઓનું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સ કર્યા બાદ વિમાન સીધું જામનગર પહોંચ્યું હતું. જ્યાં ફોરેસ્ટની ટીમે વિશેષ રીતે બહાર કાઢી સહી સલામત રીતે પહોંચાડાયા હતા.
અમદાવાદ એરપોર્ટ પર કરાયું તમામનું કસ્ટમ્સ ક્લિયરન્સ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મેક્સિકોથી રાડા એરલાઇનના જમ્બો કાર્ગો વિમાનમાં 65 જંગલી પ્રાણીઓ લવાયા હતા જેનું વજન 11,615 કિ.ગ્રા હતું. વિમાનમાં પ્રાણીઓને કોઇ તકલીફ ન પડે માટે 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવાયું હતું. ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આ વિમાન આવી પહોંચ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર આ તમામ પ્રાણીઓનું કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવ્યા બાદ વિમાન જામનગર માટે રવાના થયું હતું.
મે મહિનામાં પણ લાવવામાં આવ્યા હતા પ્રાણીઓ
આ પહેલા ગત મે મહિનામાં પણ વિદેશથી પ્રાણીઓને વિમાન મારફતે જામનગર ખાતે લાવવામાં આવ્યા હતા. જામનગરમાં નિર્મિત પ્રાણીસંગ્રહાલય માટે વિમાન મારફતે દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી આ પ્રાણીઓને લાવવામાં આવ્યાં હતા. પ્રાણીસંગ્રહાયલ માટે 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 જગુઆરેંડી, 10 લિંક્સ, 04 ટેમાનાડોસ, 03 ઓકેલોટ અને 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી હતી.
જામનગરમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય
જામનગરના લાલપુરના મોટી ખાવડી ખાતે 280 એકરમાં 'ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ'ના નામે વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો છે. આ પ્રાણી સંગ્રહાલય લોકો માટે ખૂલ્લું રહેશે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વનું છે કે, કોરોના અને લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પણ હાલ ઝડપથી તેણે આખરી ઓપ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારનું માનવુ છે કે, પ્રોજેક્ટ ભલે પ્રાઈવેટ હોય પરંતુ આના કારણે વિશ્વભરના પર્યટકોનું ધ્યાન ગુજરાત પર આવશે અને ગુજરાત ટુરિઝમને મોટો ફાયદો થશે.