ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ખેડૂતો માટે ખુશખબર, કૃષિ સાધનોની ખરીદીના સમયમાં વધારો કરાયો, જીતુ વાઘાણીનું એલાન
Last Updated: 04:33 PM, 29 August 2026
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026-27 માટે 'મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના' હેઠળ કૃષિ ઓજારો અને ટ્રેક્ટર સંચાલિત સાધનોની ખરીદી કરવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ માહિતી આપી હતી.
ADVERTISEMENT
ખેડૂતો માટે રૂ. 750 કરોડની જોગવાઈ
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ 2026-27માટે 'મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના' હેઠળ રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂ. 750 કરોડથી વધુની માતબર રકમની જોગવાઈ કરી છે. રાજ્યના તમામ ખેડૂતોને આ યોજનાનો સમાન લાભ મળે તે હેતુથી 'આઈ-ખેડૂત' પોર્ટલ પર અરજીઓ મંગાવીને પાત્રતા ધરાવતા ખેડૂતોને નિયત સમયમર્યાદામાં કૃષિ ઓજારો અને સાધનોની ખરીદી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
રજૂઆત બાદ સરકારે લીધો નિર્ણય
એક સાથે અનેક ખેડૂતોની અરજીઓ મંજૂર થતાં ઓજારો અને સાધનોના ઉત્પાદકો ખેડૂતોને નિયત સમયમર્યાદામાં સાધનો પહોંચાડી શકે તેમ ન હોવાથી વિવિધ ખેડૂતો, ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ અન્ય આગેવાનો તરફથી રાજ્ય સરકારને ખરીદીની સમયમર્યાદા વધારવા અંગે રજૂઆતો મળી હતી. આ વ્યાવહારિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને મંજૂરી મેળવેલા પાત્ર ખેડૂતો માટે ખરીદીની મુદતમાં વધુ 15 દિવસનો વધારો કર્યો છે. જેથી હવે ખેડૂતોએ તેમને ખરીદી માટે આપવામાં આવેલી છેલ્લી તારીખ પછીના આગામી ૧૫ દિવસ સુધીમાં આ કૃષિ સાધનોની ખરીદી કરવાની રહેશે.
ADVERTISEMENT
વધુ વાંચો : નિધિ પટેલ હત્યા કેસમાં SITની રચના, હત્યારાઓએ હત્યા કરીને લાશ ધાબા પર મૂકી દીધી હતી
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના આહ્વાનને ઝીલીને આપણા રાજ્યમાં પણ અનેક ઉત્પાદકો સ્વયં આત્મનિર્ભર બનીને ઉત્કૃષ્ટ કૃષિ ઓજારો બનાવી રહ્યા છે. કૃષિ મંત્રીએ આ તમામ ઉત્પાદકોને પણ નમ્ર અપીલ કરી છે કે, તેઓ સમયસર ખેડૂતોને આ સાધનો પહોંચાડે, જેથી ખેડૂતો પોતાના ખેતરોમાં સમયસર તેનો ઉપયોગ કરી શકે. આ સાથે કૃષિ મંત્રીએ રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને સરકારની આ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો