ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાવાગઢની જેમ બહુચરાજી પણ બનશે યાત્રાધામ, કરોડોના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે ભવ્ય 'પ્રોજેક્ટ'
Last Updated: 08:47 AM, 29 August 2026
ADVERTISEMENT
ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને આસ્થાના કેન્દ્ર એવા બહુચરાજી માતાજીના મંદિરનો ભવ્ય કાયાકલ્પ હવે ઝડપથી સાકાર થઈ રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે ₹76.51 કરોડના ખર્ચે હાથ ધરાયેલા મંદિરના પુનઃનિર્માણ અને સર્વાંગી વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું આશરે 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજીની તર્જ પર બહુચરાજી ધામને પણ આધુનિક સુવિધાઓ સાથે વૈશ્વિક સ્તરના યાત્રાધામ તરીકે વિકસાવવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 39 પવિત્ર તીર્થોના જળ અને સાત સ્તરની માટીથી ભૂમિ શુદ્ધિકરણ સાથે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરના નવનિર્માણની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી.
વાસ્તુશાસ્ત્ર આધારિત ડિઝાઇન, લાલ પથ્થરથી ભવ્ય શિખર
ADVERTISEMENT
નવા મંદિરની ડિઝાઇન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ આર્કિટેક્ટ અને અર્થ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. સમગ્ર મંદિરની રચના વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને અનુરૂપ રાખવામાં આવી છે. મુખ્ય મંદિરનું નિર્માણ રાજસ્થાનના બંસી પહાડપુરના લાલ પથ્થરથી કરવામાં આવશે. મંદિરના શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ રાખવામાં આવી છે. મંદિરના સ્તંભો, તોરણો, બાહ્ય એલિવેશન, સામરણ અને મુખ્ય પ્રવેશદ્વાર પર સુંદર અને ઝીણવટભરી કલાત્મક કોતરણી કરવામાં આવશે. હાલના મંદિર પરિસરની જગ્યાએ વિશાળ ગૂઢમંડપ અને નૃત્યમંડપ સહિતનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. નવી રચનામાં ધાર્મિક ભવ્યતા સાથે પરંપરાગત સ્થાપત્યકળાને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
બીજા તબક્કામાં 500 મીટર વિસ્તારનો સર્વાંગી વિકાસ
પ્રથમ તબક્કાની કામગીરી આગળ વધતાં હવે પ્રોજેક્ટના બીજા તબક્કાના આયોજન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. નાયબ વહીવટદાર સુરેશ ઠાકોરના જણાવ્યા મુજબ મંદિરની આસપાસના 500 મીટરના સમગ્ર વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ કરવામાં આવશે. આ સાથે ઐતિહાસિક બાંધલિયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. તળાવની આસપાસ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સુંદર વોક-વે, ગાર્ડનિંગ તથા અન્ય સુવિધાઓ વિકસાવવાની યોજના છે. આ વિકાસથી બહુચરાજી ધામમાં ધાર્મિક પ્રવાસન સાથે પ્રવાસીઓ માટેના આકર્ષણોમાં પણ વધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT

વિકાસના આયોજન માટે 148થી વધુ મિલકતોનો સર્વે
ADVERTISEMENT
મંદિર પરિસરના વિસ્તરણ અને માળખાકીય વિકાસને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આસપાસની સરકારી અને ખાનગી મિલકતોનો તબક્કાવાર સર્વે કરવામાં આવ્યો છે. 75 મીટરની ત્રિજ્યામાં મંદિર અને સરકારી માલિકીની 44, ખાનગી માલિકીની 51 તથા 6 ધર્મશાળા સહિત કુલ 101 મિલકતોની નોંધણી કરવામાં આવી છે. જ્યારે 150 મીટરની ત્રિજ્યામાં 95 સરકારી અને 53 ખાનગી મળી કુલ 148 મિલકતોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. હવે 500 મીટરની ત્રિજ્યામાં સર્વેક્ષણ હાથ ધરાઈ રહ્યું છે. આ સર્વે ભવિષ્યના વિકાસકાર્યો, સુવિધાઓ અને માળખાકીય આયોજન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ગાયકવાડ શાસનકાળના ઐતિહાસિક મંદિરને નવું સ્વરૂપ
ADVERTISEMENT
બહુચરાજી માતાજીનું મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે. ઉપલબ્ધ ઐતિહાસિક સંદર્ભો અનુસાર વડોદરાના રાજવી મનજીરાય ગાયકવાડ દ્વારા સંવત 1835થી 1839 દરમિયાન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2015માં આશરે ₹8 કરોડના ખર્ચે મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મંદિરના શિખરની મૂળ 56 ફૂટની ઊંચાઈ ઘટાડીને 49 ફૂટ કરવામાં આવી હતી. ત્યારબાદ શિખર ધસી પડવાની ઘટનાને પગલે સ્થાનિક ભક્તોમાં ભારે રોષ અને વિવાદ સર્જાયો હતો. સ્થાનિક શ્રદ્ધાળુઓ, સામાજિક આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિતના પ્રતિનિધિઓ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે મંદિરના શિખરની ઊંચાઈ વધારીને વાસ્તુશાસ્ત્ર આધારિત ભવ્ય પુનઃનિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ! આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવે આ ઐતિહાસિક નિર્ણયનું પરિણામ મંદિરના નવનિર્માણના સ્વરૂપે જોવા મળી રહ્યું છે. બહુચરાજી ધામનો આ કાયાકલ્પ માત્ર મંદિરના પુનઃનિર્માણ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર યાત્રાધામને આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને ધાર્મિક પ્રવાસનના મહત્વના કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં મહત્વનું પગલું બની રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો