ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:42 PM, 8 September 2025
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારત વિરુદ્ધ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નવારોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતના રશિયા સાથેના ઊર્જા વેપાર પર નિશાન સાધતા અનેક આરોપો લગાવ્યા છે. તેમણે X પર પોસ્ટ કરતાં કહ્યું કે ભારત રશિયા પાસેથી કાચું તેલ ખરીદીને "લોહીનો સોદો" કરી રહ્યું છે. નવારોએ એક પોલ પણ શરૂ કર્યું, જેમાં પૂછ્યું કે શું Xએ આવા નિવેદનોને "વૈવિધ્યસભર દૃષ્ટિકોણ" તરીકે રજૂ કરવા જોઈએ.
ADVERTISEMENT

જવાબમાં, Xએ નવારોની બંને પોસ્ટ પર ફેક્ટ-ચેક લગાવીને સ્પષ્ટ કર્યું કે તેમના દાવા ગેરમાર્ગે દોરનારા છે. લગાતાર ફેક્ટ-ચેકથી નારાજ નવારોએ Xના માલિક ઇલોન મસ્ક પર પણ હુમલો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે મસ્ક ભારત સરકારના "પ્રચાર"ને પ્રોત્સાહન આપી રહ્યા છે અને આ "સત્યને દબાવવાનો પ્રયાસ" છે. નવારોએ લખ્યું, "ભારત રશિયાનું તેલ ફક્ત નફા માટે ખરીદે છે. આ યુદ્ધ ભારતના કારણે લાંબું ખેંચાઈ રહ્યું છે."
ADVERTISEMENT

ભારત સરકારે નવારોના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું, "અમે તેમના કેટલાક ખોટા નિવેદનો જોયા છે. અમે તેને સંપૂર્ણપણે નકારીએ છીએ." X પરના ફેક્ટ-ચેક નોંધોમાં પણ જણાવાયું કે ભારતનું રશિયા પાસેથી તેલ ખરીદવું કાયદેસર છે અને તે ઊર્જા સુરક્ષા માટે કરવામાં આવે છે, નહીં કે ફક્ત નફા માટે. Xએ પોતાના ફેક્ટ-ચેકમાં એ પણ ઉલ્લેખ કર્યો કે અમેરિકા પોતે રશિયા પાસેથી કેટલાક મહત્વના ખનિજો અને યુરેનિયમની આયાત કરે છે. આવી સ્થિતિમાં ભારત પર સવાલ ઉઠાવવો "બેવડું વલણ" દર્શાવે છે. પ્લેટફોર્મે નવારોના આરોપોને ભ્રામક અને કપટપૂર્ણ ગણાવ્યા.
ADVERTISEMENT
વધુમાં વાંચો: ઇઝરાયેલ વિશ્વયુદ્ધ કરાવીને જ માનશે? ટ્રમ્પની ફાઇનલ ચેતવણી બાદ હવે ઇરાનની એન્ટ્રી, મહાયુદ્ધના ભણકારા
રસપ્રદ વાત એ છે કે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "મિત્ર" ગણાવીને ભારત-અમેરિકા સંબંધોને "ખાસ" ગણાવ્યા, ત્યાં નવારો સતત ભારત વિરુદ્ધ આક્રમક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે અગાઉ ભારતને "ટેરિફનો મહારાજા" કહ્યું, "ક્રેમલિનનું લોન્ડ્રોમેટ" ગણાવ્યું અને યુક્રેન યુદ્ધને "મોદીનું યુદ્ધ" પણ કહ્યું. આ વિવાદે ભારત-અમેરિકા સંબંધોમાં નવો તણાવ ઉભો કર્યો છે, જ્યારે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. Xનું ફેક્ટ-ચેક અને ભારતનો સ્પષ્ટ જવાબ નવારોના આરોપોને નકારી કાઢે છે, પરંતુ આ ઘટના રાજદ્વારી સ્તરે ચર્ચાનો વિષય બની રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ