ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ફ્રાન્સ, બ્રાઝિલ, સ્પેનમાં વિરોધની આગ! યુવાનો શું માંગે છે? જાણો કયા દેશમાં કયા મુદ્દે થઈ રહ્યો છે બળવો
Last Updated: 04:21 PM, 20 October 2026
ADVERTISEMENT
એક તરફ શિક્ષણ વ્યવસ્થાની સમસ્યાઓ બીજી તરફ વધતી મોંઘવારી અને ત્રીજી તરફ સામાન્ય માણસ માટે ઘર મેળવવાનું મુશ્કેલ બનતું જતું હોય ત્યારે લોકોનો ગુસ્સો રસ્તા પર દેખાવા લાગ્યો છે. ઓક્ટોબર 2026માં અનેક દેશોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પાછળનાં કારણો અલગ-અલગ છે પરંતુ એક વાત સરખી છે જેમાં લોકો હવે પોતાની સમસ્યાઓ અંગે સરકાર પાસેથી જવાબ માગી રહ્યા છે.
ADVERTISEMENT
અલ્બેનિયા: ભ્રષ્ટાચાર અને રોજગાર સામે નારાજગી
અલ્બેનિયામાં વિદ્યાર્થીઓ અને અન્ય પ્રદર્શનકારીઓ સરકાર સામે ભ્રષ્ટાચારના મુદ્દે કાર્યવાહી, રોજગારની વધુ તકો અને શિક્ષણમાં સુધારાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે. દરિયાકાંઠે લક્ઝરી રિસોર્ટ બનાવવાની વિવાદાસ્પદ યોજનાએ પણ અસંતોષ વધાર્યો છે. કેટલાક પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ઇટાલી: મોંઘવારી અને મોંઘા ફ્યુઅલનો માર
ઇટાલીમાં વધતી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. વિદ્યાર્થીઓ ઉપરાંત ખેડૂતો, માછીમારો અને ટ્રકચાલકો પણ પોતાની માગણીઓ સાથે વિરોધમાં જોડાયા છે. લોકો વધુ સારા વેતન, જાહેર સેવાઓ પાછળ વધુ ખર્ચ અને રાહત આપતી સરકારી નીતિઓની અપેક્ષા રાખી રહ્યા છે.
ADVERTISEMENT
સ્પેન: મોંઘાં ભાડાંએ વધાર્યો રોષ
સ્પેનમાં ઘરનું ભાડું સામાન્ય લોકોની પહોંચ બહાર જતું હોવાની ફરિયાદો વચ્ચે આવાસનો મુદ્દો મોટો વિરોધ બની ગયો છે. મેડ્રિડમાં એક વૃદ્ધ મહિલાને લાંબા સમયથી રહેતા ઘરમાંથી બહાર કાઢવાની ઘટનાએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો. હવે ભાડૂઆતો અને આવાસ અધિકારો માટે કામ કરતાં સંગઠનો ભાડાં પર નિયંત્રણ તથા બેઘર થવાથી બચાવવા માટેના પગલાંની માગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
બેલ્જિયમ: સરકારી ખર્ચમાં કાપ સામે વિરોધ
બેલ્જિયમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને ટ્રેડ યુનિયનો સરકારની આર્થિક નીતિઓથી નારાજ છે. બજેટમાં કાપ અને જાહેર સેવાઓ પાછળ ઓછો ખર્ચ કરવાની યોજનાઓ સામે વિરોધ થઈ રહ્યો છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આર્થિક સુધારાનો બોજ સામાન્ય કર્મચારીઓ અને કમજોર વર્ગો પર ન પડવો જોઈએ.
ADVERTISEMENT
ફ્રાન્સ: શાળાઓની સમસ્યાથી શરૂ થયેલો વિરોધ
ફ્રાન્સમાં શાળાઓમાં શિક્ષકોની અછત, વર્ગખંડોમાં ભીડ અને શિક્ષણની ક્વોલીટી જેવા મુદ્દાઓએ વિરોધને જન્મ આપ્યો છે. ત્યારબાદ મોંઘવારી, વધતા ઇંધણના ભાવ, વેતન અને સરકારી સેવાઓની સ્થિતિ જેવા મુદ્દાઓ પણ તેમાં જોડાયા છે. અનેક સ્થળોએ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસ સાથે અથડામણ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યાના અહેવાલો સામે આવ્યા છે.
ADVERTISEMENT
બ્રાઝિલ: ચૂંટણી પહેલાં રાજકીય ખેંચતાણ
બ્રાઝિલમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીના બીજા તબક્કા પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. વિદ્યાર્થીઓ અને લેફટીસ્ટ વિચારધારાના સમર્થકો રાઈટવિંગર ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. જેમાં પ્રદર્શનકારીઓ લોકશાહી અને જાહેર શિક્ષણના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તથા શિક્ષણ માટે પૂરતું બજેટ ફાળવવાની માગ કરી રહ્યા છે.
આખરે, યુવાનોનો શા માટે વધી રહ્યો છે ગુસ્સો ?
આ તમામ દેશોમાં વિરોધનું કારણ એકસરખું નથી. અમુક જગ્યાએ ભ્રષ્ટાચાર સામે લડત છે, અમુક જગ્યાએ શિક્ષણનો પ્રશ્ન છે તો ક્યાંક ઘરનું ભાડું અને જીવન જીવવાનો વધતો ખર્ચ મુખ્ય સમસ્યા છે. છતાં આ તમામ આંદોલનો એક મોટો સવાલ ઊભો કરે છે કે શું સરકારોની નીતિઓ સામાન્ય નાગરિકો, ખાસ કરીને યુવાનોની જરૂરિયાતો પૂરી કરી રહી છે?
યુવાનો માટે શિક્ષણ, રોજગાર, રહેઠાણ અને આર્થિક સુરક્ષા માત્ર રાજકીય વચનો નથી પણ તે તેમના ભવિષ્યનો પાયો છે. જ્યારે આ પાયો કમજોર પડતો દેખાય છે ત્યારે અસંતોષ રસ્તા પર ઉતરે છે. હવે સરકારો આ અવાજને કેવી રીતે રિસ્પોન્ડ કરે છે તેના પર આ વિરોધોની આગળની દિશા નિર્ભર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ