ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મહિલા અનામતના માર્ગમાં આવતી દરેક અડચણ દૂર કરશે સરકાર, લોકસભાની બેઠકો વધારી 850 કરવાની તૈયારી
Last Updated: 02:59 PM, 28 November 2026
ADVERTISEMENT
દેશની મહિલાઓને રાજકારણમાં વધુ ભાગીદારી મળે તે માટે કેન્દ્ર સરકાર નવા કાયદાકીય પ્રસ્તાવો લઈને આવી છે. મહિલા અનામત લાગુ કરવા માટે સીમાંકન પ્રક્રિયામાં ફેરફાર કરવાની તૈયારી છે. આ સાથે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની બેઠકો વધારવાનો પણ પ્રસ્તાવ છે. લોકસભાની મહત્તમ બેઠકો 850 સુધી લઈ જવાની યોજના છે. PM મોદીએ વિરોધ કરનારા પક્ષોને પણ સંકેત આપ્યો છે કે મહિલાઓને તેમનો અધિકાર મળતા કોઈ રોકી શકશે નહીં.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહિલા અનામતના મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાના માર્ગમાં આવતી દરેક અડચણ સરકાર દૂર કરશે. મહિલા અનામત લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે અને આ મુદ્દે કોઈ પાછળ હટવાનું નથી. દેશની મહિલાઓને રાજકારણમાં વધુ તક મળે તે સરકારની પ્રાથમિકતા છે.
ADVERTISEMENT
PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવાની લડાઈ ઘણા વર્ષોથી ચાલી રહી છે. દેશની અનેક મહિલાઓએ પત્ર લખીને અને રૂબરૂ મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો તેમની સામે ઉઠાવ્યો છે. મહિલાઓને નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધુ સ્થાન મળે અને તેઓ લોકસભા તથા વિધાનસભામાં પોતાની ભૂમિકા ભજવી શકે તે જરૂરી છે.
ADVERTISEMENT
We had made a promise to our Nari Shakti and we remain committed to fulfilling it... https://t.co/ZT3TK71Psh
— Narendra Modi (@narendramodi) November 28, 2026
ADVERTISEMENT
વડાપ્રધાને દેશની મહિલાઓને વિશ્વાસ અપાવ્યો કે મહિલા અનામત લાગુ કરવામાં આવતી દરેક અડચણ દૂર કરવામાં આવશે. તેમણે કહ્યું કે મહિલા અનામતનો વિરોધ કરનારા રાજકીય પક્ષો દેશની નારીશક્તિને સંસદ અને વિધાનસભામાં પોતાની ભાગીદારી વધારવાથી રોકી શકશે નહીં. આ માત્ર સમયની વાત છે. સરકારનો સંકલ્પ મજબૂત છે અને દેશભરની મહિલાઓનું સમર્થન પણ તેની સાથે છે.
ADVERTISEMENT
PM મોદીનું આ નિવેદન કેન્દ્રીય કેબિનેટ દ્વારા મહિલા અનામત લાગુ કરવા માટેના નવા કાયદાકીય પ્રસ્તાવોને મંજૂરી આપ્યાના એક દિવસ બાદ આવ્યું છે. આ પ્રસ્તાવોમાં બંધારણ (132મો સુધારો) બિલ, 2026 અને સીમાંકન (બીજું) બિલ, 2026 સામેલ છે. આ બંને પ્રસ્તાવોનો મુખ્ય હેતુ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાનો માર્ગ સરળ બનાવવાનો છે.અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં બંધારણનો 106મો સુધારો કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, આ અનામતનો અમલ સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવ્યો હતો. સંબંધિત વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા બાદ સીમાંકન કરવાની જોગવાઈ હોવાથી મહિલા અનામતના અમલમાં વિલંબ થવાની સ્થિતિ ઊભી થઈ હતી.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવમાં સીમાંકન દ્વારા મહિલા અનામત લાગુ કરવાની સાથે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની બેઠકોની સંખ્યા વધારવાની પણ વાત છે. હાલની સંખ્યાની સરખામણીએ બેઠકોમાં 50 ટકા સુધીનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.આ પ્રસ્તાવ મુજબ લોકસભાની મહત્તમ બેઠકો વધારીને 850 કરવામાં આવી શકે છે. આમાંથી 815 બેઠકો રાજ્યો માટે અને 35 બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાખવાની યોજના છે. આ ઉપરાંત રાજ્ય વિધાનસભાઓની મહત્તમ બેઠકોની સંખ્યા વધારીને 650 કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો દેશની સંસદીય વ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ 'કોઈ નહીં રોકી શકે', મહિલા અનામત પર બોલ્યાં PM મોદી, ખડગેએ કહ્યું- 'સરકાર પાર્ટીઓ તોડી રહી છે'
સીમાંકનને લઈને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં લાંબા સમયથી એક ચિંતા છે. વસ્તીના આધારે બેઠકોની પુનઃગોઠવણી કરવામાં આવે તો દક્ષિણનાં રાજ્યોનું લોકસભામાં પ્રતિનિધિત્વ ઘટી શકે છે. આ રાજ્યોનું માનવું છે કે વસ્તી નિયંત્રણમાં સારું કામ કરવા છતાં તેમને સંસદમાં બેઠકોના પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવમાં આ ચિંતાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં વર્ષ 2051 સુધી લોકસભાની હાલની બેઠકોમાં રાજ્યોનો જે હિસ્સો છે તે જ પ્રમાણ જાળવી રાખવાની વાત કરવામાં આવી છે. એટલે કે રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોના હાલના પ્રમાણમાં ફેરફાર ન થાય તે દિશામાં આ પ્રસ્તાવ તૈયાર કરાયો છે.આ રીતે કેન્દ્ર સરકાર એક તરફ મહિલાઓને રાજકારણમાં 33 ટકા અનામત આપવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ લોકસભા અને વિધાનસભાઓની બેઠકો વધારીને સીમાંકન સાથે જોડાયેલા વિવાદોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.