બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બિઝનેસ વિઝા જેની સંજ્ઞા બી-૧ છે અને વિઝિટર્સ યા ટૂરિસ્ટ વિઝા જેની સંજ્ઞા બી-૨ છે, આ બંને વિઝા ઉપર તમે અમેરિકામાં જે કાર્ય કરી શકો છો એ લગભગ સરખા હોય છે. આથી બિઝનેસ વિઝાની અરજી કરો યા ટૂરિસ્ટ વિઝાની અરજી કરો, કોન્સ્યુલેટ તમને બી-૧/બી-૨ આ આ બંને વિઝા સાથે આપે છે. તમે જ્યારે અમેરિકામાં પ્રવેશો છો ત્યારે ઇમિગ્રેશન ઓફિસર તમે બિઝનેસ માટે આવ્યા છો કે ફરવા? એ જાણીને તમને એ પ્રમાણેના બી-૧ યા બી-૨ સ્ટેટસ ઉપર અમેરિકામાં પ્રવેશ આપે છે.
અમેરિકાની સરકારે પણ કરોડો રૃપિયા ખર્ચીને તમારા દેશમાં એમની કોન્સ્યુલેટ સ્થાપી છે
ADVERTISEMENT
બી-૨ વિઝાના અરજદારોએ એક વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. કોન્સ્યુલર ઓફિસરો તમારા દુશ્મન નથી. તેઓ હજારો માઈલનો પ્રવાસ ખેડીને તમારા દેશમાં આવ્યા છે, કારણ કે એમને તમને વિઝા આપવા છે. અમેરિકાની સરકારે પણ કરોડો રૃપિયા ખર્ચીને તમારા દેશમાં એમની કોન્સ્યુલેટ સ્થાપી છે, કારણ કે તેઓ એવું ઇચ્છે છે કે તમે અમેરિકા આવો. આથી ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે કોન્સ્યુલર ઓફિસરની બીક બિલકુલ રાખવી ન જોઈએ. તેઓ ફક્ત એ વાતની જ ખાતરી કરવા માગે છે કે તમે ખરેખર અમેરિકા એક ટૂરિસ્ટ તરીકે જવા ઇચ્છો છો કે ટૂરિસ્ટના બહાને અમેરિકામાં પ્રવેશી ત્યાં ગેરકાયદેસર કામ કરવા માગો છો? ગેરકાયદેસર રોકાઈ જવા ઇચ્છો છો? કે પછી અન્ય કોઈ પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર જે સ્ટેટસ પ્રાપ્ત થાય એ બી-૨ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશી સ્ટેટસ ચેન્જની અરજી કરી પ્રાપ્ત કરવા ઇચ્છો છો?
કોન્સ્યુલર ઓફિસરો બી-૨ વિઝાના ઇન્ટરવ્યૂમાં ઉપલી વાતની ખાતરી કરતા સવાલો તમને પૂછશે.
વારંવાર પૂછાતા સવાલો નીચે મુજબ છે.
ADVERTISEMENT
તમે અમેરિકા શા માટે જવા ઇચ્છો છો? ક્યાં જશો? ક્યાં રહેશો? કેટલો ખર્ચો થશે? એ કોણ આપશે? ત્યાં શું શું જોવાના છો? કોને મળવાના છો? અહીંયા તમે શું કરો છો? તમારી આવક કેટલી છે? અમેરિકામાં તમારું કોઈ અંગત સગું છે? નજીકના મિત્રો રહે છે? તમે અમેરિકાથી પાછા ઇન્ડિયા આવશો એની ખાતરી શું? આ પહેલાં તમે અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝાની અરજી કરી છે? જો વિઝા મળ્યા હોય તો અમેરિકા ગયા છો? જો ન મળ્યા હોય તો શા માટે તમને વિઝા આપવામાં આવ્યા નહોતા? આ પહેલાં તમે બીજા કોઈ દેશનો પ્રવાસ કર્યો છે? તમારા પોતાના દેશમાં કશે ફરવા ગયા છો? અમેરિકા જ શા માટે ફરવા જવું છે? શા માટે તમે કેનેડા, યુકે, યુરોપ, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ ફરવા નથી જતા?
ઉપલા બધા જ સવાલો પૂછવામાં નથી આવતા. એમાંથી બે-ચાર સવાલો જ પૂછવામાં આવે છે. તમારા જવાબો કેવા છે, એ જવાબો આપતી વેળાએ તમારા મુખ ઉપરના હાવભાવ કેવા છે, તમારા મોઢા ઉપર ચિંતા કે ભય છે કે પછી અમેરિકા જવાનો આનંદ છે? તમારો પહેરવેશ કેવો છે? તમે ઇન્ટરવ્યૂ અંગ્રેજીમાં આપો છો કે પછી ગુજરાતી યા કોઈ પ્રાદેશિક ભાષામાં આપો છો? આની ઉપર તમને વિઝા મળશે કે નહીં એનો આધાર રહેલો હોય છે.
સ્વદેશમાં તમારા નાણાકીય તેમ જ કૌટુંબિક સંબંધો ગાઢ હશે તો તમને બી-૨ વિઝા મેળવવામાં મુશ્કેલી નહીં નડે
ADVERTISEMENT
ઘણીવાર ઉપલા સામાન્ય વારંવાર પૂછાતા સવાલો સિવાય અરજદાર કોણ છે? એનો પાછલો ઇતિહાસ કેવો છે? એનો પાસપોર્ટ કોરો છે? તાજેતરમાં જ કઢાવ્યો છે? એમનો વ્યવસાય શું છે? આ બધા ઉપર પણ કોન્સ્યુલર ઓફિસરો ઇન્ટરવ્યૂમાં આ સર્વેને લગતા અન્ય સવાલો પૂછી શકે છે. જો તમે અમેરિકા ખરેખર ફરવા જ જતા હશો, તમારો ત્યાં કાયમ રહેવાનો કે નોકરી કરવાનો યા સ્ટેટસ ચેન્જ કરવાનો ઇરાદો નહીં હોય, સ્વદેશમાં તમારા નાણાકીય તેમ જ કૌટુંબિક સંબંધો ગાઢ હશે તો તમને બી-૨ વિઝા મેળવવામાં મુશ્કેલી નહીં નડે.
સ્વસ્થતાપૂર્વક ઓફિસરની આંખમાં આંખ પરોવીને એમના સવાલોના જવાબ આપશો તો તમને વિઝા જરૃરથી આપવામાં આવશે
ADVERTISEMENT
એક વાતનો ખાસ ખ્યાલ રાખજો. 'સત્યમેવ જયતે' વિઝાની અરજી કરતા અને ઇન્ટરવ્યૂમાં ખોટું બોલતા નહીં, ખોટા દસ્તાવેજો દેખાડતા નહીં. સુઘડ અને વ્યવસ્થિત કપડાં પહેરીને જજો. મોઢું હસતું રાખજો. સ્વસ્થતાપૂર્વક ઓફિસરની આંખમાં આંખ પરોવીને એમના સવાલોના જવાબ આપશો તો તમને વિઝા જરૃરથી આપવામાં આવશે. આ બધા ઉપરાંત જો તમે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના જાણકાર ઍડ્વોકેટ પાસેથી ઇન્ટરવ્યૂમાં જતા પહેલાં તમારી સઘળી બાબતો જણાવી યોગ્ય માર્ગદર્શન મેળવશો, મોક ઇન્ટરવ્યૂ દ્વારા ઇન્ટરવ્યૂની તૈયારી કરશો, તો તો વિઝા મળવાના ચાન્સીસ અનેક ગણા વધી જશે.
આલેખન : ડૉ.સુધીર શાહ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.