બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / રણુ ગામે નવસો વર્ષથી મા તુલજા ભવાની બિરાજમાન, વડોદરાના મહારાજાને મળ્યો હતો ચમત્કારીક પરચો
Last Updated: 06:04 AM, 11 January 2025
વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાં રણુ ગામ આવેલુ છે. નાના ગામ રણુના પ્રાચીન મંદિરમાં નવસો વર્ષથી મા તુલજા ભવાની બિરાજે છે. મંદિર પાસે આવેલા માન સરોવરનું ખોદકામ કરવામાં આવ્યુ ત્યારે માતાજીની મુર્તિ મળી આવતા નાની દેરી બનાવી તેમની સ્થાપના કરવામાં આવી હતી. દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરતી મા તુલજા ભવાનીના આશીર્વાદથી મલ્હારરાવ ગાયકવાડ પણ અંગ્રેજોની નજરકેદમાંથી મુક્ત થયા હતા. વડોદરાથી 23 કિલોમીટરના અંતરે અને પાદરાથી સાત કિલોમીટરના અંતરે રણુ ગામ આવેલું છે. આમ તો આ ગામ નજીવી વસ્તી ધરાવે છે પણ ગામમાં આવેલા નવસો વર્ષ જૂના તુલજા ભવાની માતાના મંદિરના કારણે સમગ્ર દેશ અને વિદેશમાં પણ જાણીતુ છે. ઇસ 1363માં શ્રી યોગીરાજ વિશ્વંભગીરીજી મહારાજે માનસરોવરનું ખોદકામ કરાવ્યું જેમાંથી માં તુલજા ભવાનીની મૂર્તિ મળી આવતા આ સ્થળે એક નાનકડી દેરીમાં સરોવરની ધારાએ માતાજીની સ્થાપના કરી હતી.
ADVERTISEMENT
પાદરાના રણુ ગામે નવ સદી જૂનું મંદિર
ADVERTISEMENT
વર્તમાન સમયમાં માઇભક્તોના સહકારથી નાની દેરી ભવ્ય મંદિરના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે. મંદિર અને માન સરોવર પાસે પ્રગટાવેલા અખંડ ધૂણો આજે પણ પ્રજ્વલિત છે. તુલજા ભવાની માતાજીના મંદિરે રવિવારે અનેક માઇભકતો આવે છે. શાકંભરી નવરાત્રી, માધી ગુપ્ત નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, અષાઢી ગુપ્ત નવરાત્રી અને આસો નવરાત્રીમાં અનેક ભકતો માતાજીના મંદિરે પગપાળા આવી પોતાની મનોકામના માતાજી સમક્ષ વ્યક્ત કરે છે અને માતાજી પણ અપાર શ્રદ્ધા ધરાવતા ભકતોની મનોકામના પૂર્ણ કરે છે. શ્રી તુલજા ભવાની માતાજીનો સાક્ષાત્કાર નાના મોટા અનેક લોકોને થયાના ઘણા પ્રમાણ છે. અનેક લોકોની મનોકામનાઓ આ મંદિરેથી પૂર્ણ થઈ છે. જ્યારે વડોદરા સ્ટેટના તે સમયના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને અંગ્રેજ હુકુમતે પાદરા નગર ખાતે નજર કેદમાં રાખ્યા હતા ત્યારે મલ્હારરાવ ગાયકવાડે માતાજીની માનતા રાખી હતી કે જો મારો 24 કલાકમાં હેમખેમ છુટકારો થશે તો હું જરૂરથી તમારા સ્થાનકે દશનાર્થે આવીશ. મલ્હારરાવ ગાયકવાડની સાચી શ્રદ્ધાને માતાજીના આશીર્વાદ મળ્યા હતા અને ચમત્કારીક રીતે તેમનો છુટકારો થયો હતો. અને તેઓ ઉઘાડા પગે પગપાળા રણુ ગામે તુલજા ભવાની માતાજીના મંદિરે માનતા પૂર્ણ કરવા ગયા હતા જ્યાં તેમણે હીરા, મોતી અને માણેકના સુવર્ણ જડિત અલંકારો માતાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા જે આજે પણ દર વર્ષે આસો નવરાત્રીની આઠમે માતાજીને પહેરાવવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતનું એવું ગામ જ્યાં કોઈ મકાનને નથી મારતું તાળાં, મા જાનબાઈ ખાંભી સ્વરૂપે બિરાજમાન
હીરા, મોતી, માણેકના અલંકારો કર્યા હતા માતાજીને અર્પણ
જયારે ભગવાન શ્રી સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા પાદરાના રણુ ગામમાં આવ્યા હતા ત્યારે તેમણે મા તુલજા ભવાનીની આરતી કરી હતી. મંદિર પરિસરના પાછળના ભાગે આવેલા માન સરોવરમાં ભગવાન સ્વામિનારાયણ અને સંતોએ સ્નાન કર્યું હતુ અને ભગવાન સ્વામિનારાયણે પોતે ઓઢેલી ગોદડી સ્વહસ્તે પ્રભાત ગીરીજી મહારાજને ઓઢાડી હતી જે ગોદડી આજે પણ પ્રસાદીના ભાગરૂપે નિજ મંદિરમાં મુકવામાં આવેલી છે. વર્ષ દરમ્યાન આવતા દરેક તહેવારોમાં મહિલા મંડળ ભજન કીર્તનના કાર્યક્રમો કરી મંદિરમાં ભક્તિમય વાતાવરણનું અલૌકિક સર્જન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ મોટી સંખ્યામાં દૂરદૂરથી દર્શનાથે આવે છે. મંદિરે બારેમાસ ભક્તોની ભારે ભીડ રહે છે. અલગ અલગ સમાજના લોકો પોતાના બાળકોની મુંડન બાબરીની વિધિ પણ અહીંયા કરાવે છે પાટડીયા સોની સમાજ જ્ઞાતિની, શ્રીમાળી સોની જ્ઞાતિ, મહારાષ્ટ્રીયન સમાજ, જૈન સમાજ અને અન્ય જ્ઞાતિઓના કુળદેવી તરીકે ઓળખાય છે મા તુલજા ભવાની.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.