ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રિક્ષાના મુસાફરોને લૂંટવા ચોરોની ભરતી, ક્રાઇમ બ્રાંચે મોડસ ઓપરેન્ડીનો કર્યો પર્દાફાશ
Last Updated: 02:20 PM, 12 October 2026
ADVERTISEMENT
શટલ રિક્ષામાં મુસાફરી કરતા લોકોનાં ખિસ્સાં કાપવા માટે જાણે ચોરોને નોકરીએ રાખવામાં આવતા હોય તેવી મોડસ ઓપરેન્ડીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. રિક્ષાચાલકો મુસાફરોના સ્વાંગમાં પોતાના સાગરીતોને રિક્ષામાં બેસાડતા અને તેઓ અન્ય મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતા હતા. મુસાફર પાસેથી પાંચ હજાર રૂપિયા મળે તો ચોરી કરનારને ૧,પ૦૦ રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું. બાકીની રકમ રિક્ષાચાલક અને તેના સાગરીતો વહેંચી લેતા હતા. આ રીતે અલગ અલગ રિક્ષાચાલકો પણ આવા ચોરનો સંપર્ક કરીને મુસાફરોને રૂપિયા તેમજ કીમતી સરસામાનને ચોરતી હતી. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી રોકડા ૬૯,૮૦૦ રૂપિયા, ચાર મોબાઇલ ફોન અને એક ઓટોરિક્ષા સહિત કુલ ૧,૯૯,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં ૩ર ગુના ડિટેક્ટ થયા છે.
ADVERTISEMENT
ચોરી માટે કમિશનની લાલચ
આરોપી સોહેબ ઉર્ફે બોમ્બેયા શેખ રિક્ષા ચલાવતો હતો અને ખેડામાં રહેતા મોઈન ઉર્ફે બોબડા રાણા તથા મોહમ્મદ ફૈઝલને મુસાફરોના ખિસ્સામાંથી રૂપિયા ચોરવા માટે બોલાવતો હતો. અનીસ ઉર્ફે ટાંકી શેખ અને અસ્ફાક શેખ પણ મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસતા હતા. મોઈન અને ફૈઝલ મુસાફરને ખબર ન પડે તેવી રીતે ખિસ્સામાંથી રોકડ કાઢવામાં માહેર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સોહેબ સહિતના રિક્ષાચાલકો ચોરી કરવા માટે તેમને કમિશનની લાલચ આપતા હતા. આ કોઈ એક જ ગેંગ પૂરતી મર્યાદિત ન હોવાનું પણ સામે આવ્યું છે. અલગ અલગ રિક્ષાચાલકો મોઈન, ફૈઝલ, સોહેબ અને અનીસનો સંપર્ક કરીને ચોરી કરાવવા માટે બોલાવતા હતા. આરોપીઓ કમિશનની લાલચે તેમની સાથે જવા તૈયાર થઈ જતા હતા. મુસાફરોને રિક્ષામાં બેસાડ્યા બાદ રસ્તામાં વાતોમાં પરોવીને અથવા અન્ય રીતે ધ્યાન ભટકાવી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લેવાતા હતા. કેટલીક ઘટનાઓમાં મુસાફરને રસ્તામાં ઉતારી દઈને આરોપીઓ ફરાર થઈ જતા હતા.
ADVERTISEMENT
પરપ્રાંતીય મુસાફરો નિશાન બનાવતાં
આરોપીઓ ખાસ કરીને પરપ્રાંતીય મુસાફરોને ટાર્ગેટ કરતા હતા. આવા મુસાફરો પોલીસમાં ફરિયાદ નોંધાવવા નહીં જાય તેવી ગણતરીથી નાની-નાની રકમની ચોરીને પણ અંજામ આપવામાં આવતો હતો. નારોલ, ઇસનપુર, વટવા, જશોદાનગર, સીટીએમ, ઓઢવ અને અન્ય વિસ્તારોમાં મુસાફરોને રિક્ષામાં બેસાડીને રોકડ ચોરવામાં આવી હતી. કેટલીક ઘટનાઓમાં ર,૦૦૦થી ૪,૦૦૦ રૂપિયા જેવી રકમની ચોરી થઈ હતી, જ્યારે બીજી ઘટનાઓમાં ર૦,૦૦૦થી રપ,૦૦૦ રૂપિયા સુધીની રોકડ સેરવી લેવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ગુલાબનગર, વાસણા પાટિયા પાસે રોડ પરથી આરોપીઓને ઓટોરિક્ષા અને ચોરીના ૬૯,૮૦૦ રૂપિયા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ચાર મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે. આ કેસમાં વધુ તપાસ માટે આરોપીઓને નારોલ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.઼
ADVERTISEMENT
૩ર ગુનાની કબૂલાત, અનેક વિસ્તારોમાં ચોરી
આરોપીઓએ પોલીસ સમક્ષ અલગ અલગ વિસ્તારોમાં મુસાફરોના ખિસ્સામાંથી રોકડ ચોર્યાની કબૂલાત કરી છે. તપાસમાં સામે આવેલી કેટલીક ઘટનાઓ નીચે મુજબ છેઃ
ADVERTISEMENT
- નારોલ-પીપળજ: રિક્ષા બગડી હોવાનું કહી મુસાફરને ઉતારી તેના ખિસ્સામાંથી ૧પ,૦૦૦ રૂપિયા ચોર્યા.
- વટવા-આરટીઓ સર્કલ: મુસાફરના ખિસ્સામાંથી ૧૦,૦૦૦ રૂપિયા સેરવી લીધા.
ADVERTISEMENT
- અસલાલી: રિક્ષામાં મુસાફરને બેસાડીને ર૦,૦૦૦ રૂપિયાની ચોરી કરી.
- સીટીએમ-ઇસનપુર રોડ: મુસાફરના ખિસ્સામાંથી રપ,૦૦૦ રૂપિયા ચોર્યા.
ADVERTISEMENT
- એસટી બસ સ્ટેશન: મુસાફરને રિક્ષામાં બેસાડીને રસ્તામાં ૧૦,૦૦૦ રૂપિયા સેરવી લીધા.
- મણિનગર-ઘોડાસર: મુસાફરના ખિસ્સામાંથી ૧૭,૦૦૦ રૂપિયા ચોર્યા.
આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ
પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓમાંથી કેટલાક સામે અગાઉ પણ ચોરી, લૂંટ અને અન્ય ગુનાઓમાં સંડોવણીના કેસ નોંધાયેલા છે. અનીસ સામે નકલી પોલીસ બનીને ગુના આચરવાના કેસમાં પણ કાર્યવાહી થઈ ચૂકી છે. મોઈન સામે અગાઉ ચોરીના ગુના નોંધાયેલા છે, જ્યારે સોહેબ સામે પણ ચોરી સંબંધિત ગુનાનો ઇતિહાસ છે. પોલીસે નારોલ અને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓ સહિત કુલ ૩ર ગુના ડિટેક્ટ કર્યા છે. આ નેટવર્કમાં અન્ય રિક્ષાચાલકોની ભૂમિકા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું છે કે રિક્ષાચાલકો ચોરી કરવા માટે સ્પેશિયલ ચોરને કિમશનની લાલચ આપીને બોલાવતા હતા. ક્રાઈમ બ્રાંચના પીઆઈ દીપક પટેલે પણ જણાવ્યું છે કે આ ચોર અલગ અલગ રિક્ષાચાલકો સાથે કામ કરતા હતા. તાજેતરમાં ૧૩ જેટલા આરોપીઓ ઝડપાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.