ઘણી એવી સેવાઓ છે જેના વિશે જાણતા હોવા છતા ઉપયોગ કરતા નથી કદાચ તમે જાણતા હશો કે પેટ્રોલ પંપ પર ઘણી એવી સેવાઓ છે જે ફ્રીમાં મળે છે. જી હા પેટ્રોલિયમ મિનિસ્ટ્રી અને ઑયલ કંપનીઓ સમય-સમય પર આ અંગેની જાણકારી આપતી હોય છે તેમ છતાં લોકો આ સેવાનો લાભ લેતા નથી. જાણો કઇ એવી સેવા છે જે તમે પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળશે અને જો આ સેવા આપવા માટે ઇન્કાર કરવામાં આવે તો તમે ફરિયાદ પણ કરી શકો છો...
ક્વૉલિટી ટેસ્ટ:
જો તમને ફ્યૂલની ગુણવત્તાને લઈને શંકા થતી હોય તો તમે ફિલ્ટર પેપર ટેસ્ટની માંગ કરી શકો છો. આ ટેસ્ટ માટે તમારે પાસેથી કોઈ પૈસા પણ લેવામાં નહીં આવે. જો તમને ફ્યૂલની માત્રાને લઈને શંકા હોય તો ક્વૉન્ટિટી ટેસ્ટ પણ કરાવી શકો છો.
વાહનમાં ફ્રી હવા ભરવી:
તમામ પેટ્રોલ પંપ પર વાહનોમાં હવા ભરવાની સુવિધા આપવી ફરજિયાત છે. તેના માટે પેટ્રોલ પંપ ડીલરે પંપ પર હવા ભરવાની ઇલેક્ટ્રોનિક મશીન અને વાહનોમાં હવા ભરનાર વ્યક્તિની નિયુક્તિ કરવી પણ જરૂરી છે. આ કામ માટે પેટ્રોલ પંપના માલિક અથવા નિયુક્ત વ્યક્તિ તમારી પાસે તેના પૈસા ન માંગી શકે. આ સેવા લોકોને ફ્રીમાં આપવામાં આવે છે. જો કોઇ પંપ પર આ માટે પૈસા માંગવામાં આવે તો તમે સંબંધિત ઓઇલ કંપનીને ફરિયાદ કરી શકો છો.
ઇમરજન્સીમાં કૉલ કરવાની સુવિધા:
જો મફતમાં કોઈ પણ પેટ્રોલ પંપ પરથી તમારે ઇમરજન્સી ફોન કૉલ કરવો હોય તો તમે કરી શકો છો. તમે તમારા પરિચિતને કૉલ કરો અથવા માર્ગ અકસ્માતના પીડિત વ્યક્તિના પરિજનને કૉલ કરવો હોય તો કોઈ પણ પેટ્રોલ પંપથી કરી શકો છો. જો તમારે રસ્તા વચ્ચે કોઈ પણ જરૂરી કૉલ કરવો હોય મદદ માંગવી હોય તો પેટ્રોલ પંપ પર જઈ શકો છો.
પીવાના પાણીની સુવિધા:
પેટ્રોલ પંપ ડીલરને પોતાના પંપ પર સામાન્ય લોકોની સુવિધા માટે ફ્રી પીવાના પાણીની સુવિધા આપવી પડશે. તેના માટે પેટ્રોલ પંપ ડીલરે આરઓ મશીન વૉટર કૂલર અને પાણીનું કનેક્શન પોતે લગાવવાનું રહેશે. જો કોઇ પંપ પર પીવાના પાણીની સુવિધા ન મળે તો તેના માટે તેલ માર્કેટિંગ કંપનીને ફરિયાદ કરી શકો છો.
ફર્સ્ટ એડ બોક્સની સુવિધા:
તમામ પેટ્રોલ પંપ પર ફર્સ્ટ એડ બોક્સ હોવું જરૂરી છે જ્યારે જરૂર પડે તો તમે ફ્રીમાં આ સુવિધાનો લાભ લઇ શકો છો.
શૌચાલયની સુવિધા:
શૌચાલયની સુવિધા ગ્રાહકોને ફ્રીમાં મળે છે. જેના માટે ગ્રાહકોને કોઇ પણ પ્રકારનો ચાર્જ આપવો પડતો નથી.
આ સેવાઓ ના મળવા પર કરો ફરિયાદ:
એક ફીડબેક બુક તમામ પેટ્રોલ પંપ પર હોય છે જ્યાં પર ગ્રાહકો પોતાની ફરિયાદ દાખલ કરી શકે છે. જો પંપના કર્મચારીઓ ફરિયાદ દાખલ કરવાની બુક આપવામાં આનાકાની કરે તો તમે ઑનલાઇન ફરિયાદ દાખલ કરી શકો છો. ઑનલાઇન ફરિયાદ દાખલ કરવા માટે તમારે http://pgportal.gov.in/ જવું પડશે અને ફરિયાદ દાખલ કરી શકો છો.