બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The temple of the legendary Sri Phalla Hanumandada is located in Gela village of Lakhni in Banaskantha district.

દેવ દર્શન / ગુજરાતની એવી જગ્યા જ્યાં સંતના મીઠા ઠપકાથી બનવા લાગ્યો શ્રીફળનો પહાડ, સ્વયંભૂ પ્રગટ્યા છે બજરંગબલી

Dinesh

Last Updated: 07:12 AM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે પૌરાણિક  હનુમાનદાદાનું મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિરે જે પણ ભક્ત શ્રદ્ધાથી દાદાને માનતા માને છે તેમની મનોકામના જરૂર પૂરી થાય છે

  • લાખણી તાલુકાના ગેળા ગામે બિરાજમાન હનુમાનદાદા
  • હનુમાનદાદાના મંદિરે રચાયો છે શ્રીફળનો પહાડ
  • સાતસો વર્ષ પહેલા સ્વયંભૂ હનુમાન દાદાની મુર્તિ પ્રગટ


હિન્દુ ધર્મના લોકોમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું અનેરૂ મહત્વ રહેલું છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે પૌરાણિક  હનુમાનદાદાનું મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિરે જે પણ ભક્ત શ્રદ્ધાથી દાદાને માનતા માને છે તેમની મનોકામના જરૂર પૂરી થાય છે જેના કારણે બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુના અનેક જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં હનુમાનદાદાના ભક્તો શનિવારે દાદાને શીશ ઝુકાવી ધન્ય થાય છે.

સાતસો વર્ષ પહેલા સ્વયંભૂ હનુમાન દાદાની મુર્તિ પ્રગટ
બનાસકાંઠા જિલ્લાના લાખણીથી ચાર કિલોમીટરના અંતરે ગેળા ગામમાં શ્રીફળનો પહાડ આવેલો છે કોઈને માન્યામાં ના આવે કે શ્રીફળનો પહાડ હોતો હશે? જવાબ છે હા ગેળા ગામે હનુમાન દાદાના મંદિરે રચાયો છે શ્રીફળનો પહાડ. અંદાજે સાતસો વર્ષ પહેલા ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની મુર્તિ પ્રગટ થઇ હતી લોકવાયકા પ્રમાણે ગેળા ગામે કેટલાક ગોવાળ ગાયો ચરાવતા અને ખીજડાના ઝાડ નીચે આરામ કરવાનો તેમનો નિત્યક્રમ હતો એક વખત ખીજડાના ઝાડ નીચે એક શીલા દેખાતા ધર્મપ્રેમી લોકોએ તેને હનુમાનજીની મૂર્તિનો અવતાર ગણી પૂજા કરવાનુ ચાલુ કર્યુ.

ખીજડાના વૃક્ષ નીચે દાદાની મુર્તિ પ્રગટ થઇ હતી 
કેટલાક અધર્મીઓએ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું પરંતુ શીલાનો અંત ન આવ્યો એટલે જુના પખાલામાં કામ કરતા પાડાઓ વડે દોરડાઓથી બાંધીને શીલાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ઝેર ના પારખાં ન હોય તેમ તરતજ પાડાઓ મરી ગયા અને શીલા સ્વરૂપે હનુમાનજી ત્યાં સ્થાયી થયા અને ત્યારથી ગ્રામજનો તે શીલાને હનુમાન દાદાના નામથી પૂજવા લાગ્યા. ગેળા હનુમાનજીના મંદિરે ઉત્તર ગુજરાતમાંથી લોકો ભક્તિ ભાવ સાથે દર્શન કરવા માટે આવે છે. દર શનિવારે દૂર દૂરથી પગપાળા શ્રદ્ધાળુઓ પણ પોતાની બાધા આખડી પૂર્ણ કરવા હનુમાનજીના મંદિરે આવે છે.

હનુમાનજી મંદિરે દર શનિવારે મેળા જેવો માહોલ 
લાખો શ્રદ્ધાળુ દાદાના દર્શને આવતા હનુમાનજી મંદિરે દર શનિવારે મેળા જેવો માહોલ સર્જાય છે.  મંદિરે આવતા ભાવિક ભક્તો મંદિરે જે પણ મનોકામના લઈ આવે છે તે હનુમાન દાદા પૂર્ણ કરે છે એટલે દૂર દૂરથી લાખો ભક્તો દાદાના દર્શન કરવા ઉમટી પડે છે. હનુમાન મંદિરે વરસો પહેલા એક સંતે મંદિરે પડેલા કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદ રૂપે વહેંચી દીધા. એ જ સાંજે સંત બીમાર પડી ગયા અને પેટનો દુખાવો ઉપડ્યો. તો સંતે હનુમાન દાદાને પ્રાથના કરી કે હે હનુમાનજી મેં તમારા મંદિરમાંથી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા છે અને જો તે કારણથી બીમાર થયો હોઉં તો સવારમાં તમારા મંદિરે આવી જેટલા શ્રીફળ મેં વહેંચી દીધા છે તેના બે ગણા શ્રીફળ મંદિરે મુકીશ. સંતની તબિયત સારી થઇ જતા સવારમાં હનુમાન દાદાના મંદિરે જઈ બેઘણા શ્રીફળ મૂકી હનુમાન દાદા ને મીઠો ઠપકો આપ્યો કે હે હનુમાન દાદા તે મારા જેવા સંત પાસેથી બેઘણા શ્રીફળ લીધા છે તો જાઓ હવે મંદિરે શ્રીફળનો પહાડ કરી બતાવજો અને ત્યારથી મંદિરે ભક્તોનો ધસારો વધવા લાગ્યો અને શ્રીફળનો પહાડ બનવા લાગ્યો.

શ્રીફળના પહાડથી મંદિરનું નામ શ્રીફળ મંદિર 
મંદિરે આવતા શ્રદ્ધાળુ શ્રીફળ વધેરવાની સાથે સાથે શ્રીફળ રમતું મુકવા લાગ્યા અને ધીરે ધીરે મંદિરે શ્રીફળનો પહાડ રચાઈ ગયો.  શ્રીફળના પહાડમાંથી કોઈ શ્રીફળ લઇ જઈ શકતું નથી અને વર્ષોથી પડેલા શ્રીફળના પહાડમાંથી એક પણ શ્રીફળ બગડતુ નથી અને તેનામાંથી દુર્ગંધ પણ નથી આવતી. શ્રીફળના પહાડથી મંદિરનું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે. શ્રદ્ધાળુ હનુમાનદાદાને શ્રીફળની સાથે આકડાની માળા અને તેલ સિંદૂર ચઢાવી ધન્યતા અનુભવે છે. હનુમાન દાદાની સાચી શ્રદ્ધાથી પૂજન અર્ચના કરવાથી ભક્તોની મનોકામના અચુક પૂર્ણ થાય છે.

દૂરદૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા દાદાના દર્શને આવે છે 
કહેવાય છે કે હનુમાન દાદા પોતાની મૂર્તિ ઉપર મંદિરનું નિર્માણ કરવા માટેની રજા આપતા નથી. શ્રીફળ નો પહાડ એજ પોતાનું મંદિર હોવાનું ગણાવે છે. મૂર્તિ ખીજડાના વૃક્ષ નીચે ખુલ્લામાં  બિરાજમાન હતી અને ગામ લોકોએ હનુમાન દાદા પાસે મૂર્તિ ઉપર મંદિર નિર્માણ કરવાની રજા માંગી પણ મંદિરની રજા ના મળતા અને પતરાનો શેડ બનાવવાની રજા મળતા હનુમાન દાદાની મૂર્તિ ઉપર ગ્રામજનો દ્વારા સુંદર પતરાના શેડનું નિર્માણ કરવામાં આવ્યુ છે. માત્ર બે પાંચ જ નહીં પરંતુ 200 કિલોમીટર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા દાદાના દર્શને આવે છે અને ગેળા વાળા શ્રીફળિયા હનુમાન દાદા તમામની મનોકામના પણ પૂર્ણ કરે છે.
    મંદિરની દાનપેટીમાં આવતી રકમ ગૌશાળામાં આપી દેવામાં આવે છે મંદિરના પ્રતાપે ગામ લોકોને પણ રોજી રોટી મળતાં ગ્રામવાસી દાદાનો ઉપકાર માનતા થાકતા નથી. જે ભાવિક હનુમાનદાદાના એક વાર દર્શન કરે છે તે બીજી વાર અચૂક અહીં આવ્યા વગર રહેતા નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ