બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Tellywood actress padma shri sarita joshi exclusive interview

કવર સ્ટોરી / અનેક સિરિયલમાં જોયેલી આ મહિલાને તમે ઓળખો છો, જેમણે પૈસા કરતાં વધારે એવોર્ડ મળ્યાં છે

Intern

Last Updated: 01:50 PM, 18 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંતુ રંગીલી, અમે પરણ્યાં, ગંગુબાઈ જેવાં નાટકો થકી અને સપનાનાં વાવેતર, બા-બહુ ઔર બેબી જેવી સિરિયલો થકી ઘર-ઘરમાં જાણીતાં બનનારાં અભિનેત્રી સરિતા જોશીએ પદ્મશ્રી સન્માન મળવાના પ્રસંગે 'અભિયાન' સાથે તેમની ખુશી વહેંચતાં તેમના જીવન અને અભિનયની અંતરંગ, જાણી-અજાણી વાતો વાગોળી હતી.

શું તમે સરિતા જોશી વાત કરી રહ્યાં છો?

હા, સરિતા બોલી રહી છું. 

હું દિલ્હીથી વાત કરી રહ્યો છું. તમને સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ ક્યારે મળ્યો હતો એ જણાવી શકો?

કદાચ ૮૪-૮૫માં અથવા ૧૯૮૮માં. બરાબર યાદ નથી, પણ તમે કોણ વાત કરી રહ્યા છો? 

અમે તમને પદ્મશ્રીથી સન્માનિત કરી રહ્યા છીએ. તમે તેનો સ્વીકાર કરો છો?

પહેલાં તો હું આ સાંભળીને થોડી ક્ષણો માટે અવાચક થઈ ગઈ. પછી પોતાની જાતને સંભાળી સામે ફોન પર જે વ્યક્તિ સાથે વાત થઈ રહી હતી, મેં તેનો આભાર માન્યો અને કહ્યું કે, મને ખૂબ ખુશી થઈ. આ સન્માન એક કલાકાર માટે આદર છે, જે મને હંમેશાં પ્રોત્સાહન આપશે. 

તમે બે કલાક સુધી કોઈને કશું જણાવશો નહીં.  સામે ફોન પર વાત કરી રહેલા સજ્જને કહ્યું. 

સારું - કહીને મેં ફોન મૂકી દીધો. એ દિવસ હતો ૨૫ જાન્યુઆરી, ૨૦૨૦નો. મારે બીજા દિવસે અમદાવાદ જવાનું હતું. હું સામાન પેક કરવા લાગી. 

તમે આગળનો સંવાદ વાંચીને સમજી જ ગયા હશો કે આપણે પદ્મશ્રીથી સન્માનિત સરિતા જોશીની વાત કરી રહ્યા છીએ. 


 

સરિતા જોશી - નામ પડતા જ દર્શકો તેમના અભિનયનાં અનેક પાસાં યાદ કરે છે. તેમની એક-એક અદા આંખોની સામે તરવરવા લાગે છે. અમે પરણ્યાંથી લઈને આજની વાત, કુલીનકન્યા, પૃથ્વીવલ્લભ, બળવંતની બેબી, સપ્તપદી, મોગરાના સાપ, સપનાનાં વાવેતર, સવિતા દામોદર પરાંજપે અને સંતુ રંગીલીની દરેક અદા નજરની સામે ઊભી થઈ જાય છે. 

વૈચારિક દૃષ્ટિથી મજબૂત, ધૈર્યવાન, વજનદાર, વાતોમાં વિનમ્રતા છલકતી હોય, દેખાવમાં સાવ સીધાસાદા એવા અભિનય સામ્રાજ્ઞી સરિતા જોશીને કોણ નહીં ઓળખતું હોય. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી રહ્યાં છે - આ સમાચાર સાંભળીને 'અભિયાને' સરિતા જોશીને ફોન પર અભિનંદન આપ્યા. સરિતાબહેને ખૂબ જ નમ્રતા સાથે આભાર વ્યક્ત કર્યો અને સાથે જ કહ્યું કે આપણે ખૂબ જલદી મળીશું. 

પદ્મશ્રીથી સન્માનિત સરિતાબહેને એ દિવસે ફોન પર થયેલા વાર્તાલાપ સંભળાવતા કહ્યું કે, સંગીત નાટક અકાદમી, નગરપાલિકા, સાહિત્ય અકાદમી, લંડન, અમેરિકા, વોશિંગ્ટન - એમ ઘણી બધી સંસ્થાઓ અને જગ્યાએ મને અને મારા અભિનયને સન્માન મળ્યું છે. મારા માટે વ્યક્ત કરવામાં આવતા પ્રેમથી હું હંમેશાં ખુશ થઈ છું, કારણ કે એ બધો મારા કામ માટેનો આદર હોય છે, પણ જ્યારે મેં પદ્મશ્રી શબ્દ ફોન પર સાંભળ્યો તો હું એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. 

મારાં સંતાનો હંમેશાં મને પૂછતાં કે, તમને હજુ સુધી પદ્મશ્રી નથી મળ્યો. ત્યારે હું વિચારતી કે કદાચ મેં હજુ સુધી એટલું બધું કામ નથી કર્યું કે મને પદ્મશ્રી એનાયત થાય. નાટક, સિરિયલ અને થોડીઘણી ફિલ્મો કરી છે, પણ કદાચ એટલું પૂરતું નથી, પણ એ દિવસે ફોન આવ્યો ત્યારે એમ લાગ્યું કે મેં પણ જીવનમાં કશુંક મેળવ્યું છે, જેનું સન્માન સરકારે કર્યું. એ દિવસે કેતકી અને પૂર્વી અમેરિકામાં હતાં. મારે એમને પદ્મશ્રી મળવાના સન્માન વિશે જણાવવું હતું, પણ મેં વિચાર્યું કે હવે મારા નામની ચર્ચા થશે. બાદમાં તેના પર નિર્ણય થશે. એટલે ત્યાં સુધી હું ચૂપ રહું અને બે કલાક પછી મારા ઘરના ફોન અને મોબાઇલની ઘંટડીઓ રણકવા લાગી. બધા મને ધન્યવાદ આપવા લાગ્યા. મને થયું કે આ બધાને કેવી રીતે સમાચાર મળ્યા. એ બધાએ ન્યૂઝ જોયા હતા, જેમાં પદ્મશ્રીના સન્માનમાં મારું નામ પણ સામેલ હતું. એ નામ વાંચીને તેઓ મને અભિનંદન આપી રહ્યા હતા.

કેતકીએ અમેરિકાથી વૉટ્સઍપ પર મેસેજ મોકલ્યો. અમારા પરિવાર માટે આનંદની ક્ષણો હતી એ. બધા જ ખુશ થયા. મેં બાળકોને કહ્યું, જુઓ તમારે પદ્મશ્રી જોઈતો હતો ને, એ મળી ગયો. હવે હું તમારી કંઈ ઇચ્છા પૂરી કરું. ખુશનુમા માહોલ હતો. મેં સૌથી પહેલાં મારા દોસ્તનો આભાર વ્યક્ત કર્યો, જેણે મને આ સુખ અને આનંદની હકદાર બનાવી. એ દોસ્ત એટલે ભગવાન. 


મને મારું બાળપણ યાદ આવે છે. કેટલા ખુશીના દિવસો હતા. મારો જન્મ પુનેમાં થયો છે, પણ ઉછેર વડોદરામાં થયો છે. એ દિવસે વડોદરામાં બ્રાહ્મણ, સીકેપી, સારસ્વત, મરાઠા - બધાની જ બોલબાલા હતી. અમે ઘરમાં મરાઠી ભાષા બોલતા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ મારા પિતાના મૃત્યુ બાદ ઘરનો માહોલ બદલાઈ ગયો.

હું નાની હતી. ભાઈ-બહેનોમાં મારો પાંચમો નંબર. એટલે હું મા ને કહેતી કે હું તારો પાંડવ છું, જાણે કે મારા પર અચાનક કોઈ જવાબદારી આવી પડી હોય. ઘરમાં આર્થિક સંકડામણ દૂર થાય અને થોડી આવક મળે એ હેતુથી હું નાટકોમાં બાળકલાકારની ભૂમિકા ભજવવા લાગી. એ સમયે હિન્દીમાં નાટક થતાં હતાં.

જ્યારે મારું નામ બાળકલાકાર બેબી ઇન્દુ લખાતું ત્યારે મને ખૂબ મજા આવતી અને તે પણ છેલ્લે અને થોડા મોટા અક્ષરોમાં. બધા કલાકારો સાથે જોડાયેલા મારા નામને હું નિહારતી રહેતી અને ખુશ થઈ જતી. સરિતા નામ મને પછીથી મળ્યું. ડાયરેક્ટર હોય કે સહકલાકાર, પ્રેક્ષક હોય કે સંવાદ લેખક, બેબી ઇન્દુ બાળકલાકારના રૃપમાં બધાંનું મન જીતી લેતી. મારા કલા ગુણોથી સૌ પ્રભાવિત હતા.

એ દિવસોમાં ઐતિહાસિક નાટકોની બોલબાલા હતી. અમારો અવાજ વિશિષ્ટ પદ્ધતિથી સંવાદો સાથે ફેંકવામાં આવતો. એ સમયે આજની જેમ બૂમબરાડા નહોતા પડાતાં. વાક્ય વજનદાર અને અર્થસભર રહેતાં, જે પ્રેક્ષકોનાં મનને સ્પર્શી જતાં. અરશદ ખાન, રાણી પ્રેમલતા, શાંતા આપટે જેવાં કલાકાર મારી પ્રશંસા કરતાં. મારા પર વિશ્વાસ કરતાં. તેમની શાબાશીથી મને પ્રોત્સાહન મળતું. તેમના પ્રોત્સાહનને કારણે હું ધીમે ધીમે મક્કમ ડગલાં માંડતી ગઈ. આ બધું ભગવાન અને રંગદેવતાના આશીર્વાદ છે. 


તમે અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું તે સમયના સામાજિક વિષયો હટકે હતા, જેવા કે કુમારની અગાશી, લેડી લાલ કુંવર – આ બધાં નાટકોને પ્રેક્ષકોએ કેવો પ્રતિસાદ આપ્યો?

ખૂબ સારો. પ્રેક્ષક મને ખૂબ સન્માન આપતાં. જે વાતો વિષે મહિલાઓ ચર્ચા કરવા આતુર રહેતી એ નાટકોના માધ્યમથી કહેવામાં આવતા. હું ખૂબ નસીબદાર હતી કે મને મધુ રાય, શીતાંશુ યશશચંદ્ર જેવા અનેક લેખકો મળ્યા. તેમની ભાષા અદ્ભુત હતી, જે પ્રેક્ષકોને સ્પર્શી જતી. કોઈ પણ લેખક જ્યારે મને મળતા ત્યારે સરિતા જોશી  એક વ્યક્તિ તરીકે હું તેમને અલગ લાગતી, પણ જ્યારે હું પાત્રમાં ઓતપ્રોત થઈ જતી ત્યારે તેઓ મને કહેતાં કે અમારા સંવાદોને જે ન્યાયની જરૃર હતી એ તમે આપ્યો.

આ વિશેષતા પ્રેક્ષકોને પણ પસંદ હતી. મારા કામને લઈને મારી એક અલગ ઓળખ ઊભી થઈ. તેથી ગુજરાતી લેખકો મને ધ્યાનમાં રાખીને પાત્ર લખવાનો પ્રયત્ન પણ કરી ચૂક્યા છે, કારણ કે હું હંમેશાં પાત્ર સાથે ન્યાય કરતી આવી છું. મેં મારા જીવનમાં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું જે કામ કરી રહી છું, એ મારી રોજીરોટી છે, મારે તેનો આદર કરવો જ રહ્યો. એ આદરને પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે હું મારું કામ બખૂબીથી કરતી. એ પાત્રને રંગમંચ પર પહેલા હું જીવતી, હું મારી જાતને એ પાત્રમાં ઓતપ્રોત કરતી, ત્યારે એ પાત્ર દર્શકોના દિલ-ઓ-દિમાગ પર છવાઈ જતું હતું.

આજે પણ આટલાં વર્ષો પછી પણ હું મારા પાત્રને ન્યાય આપવા માટે મારા કામને પૂરતો સમય આપું છું. હું મારા પાત્રને બરાબર સમજું છું, તેના પર વિચાર કરું છું અને પછી પ્રેક્ષકોની સામે રજૂ કરું છું. સૌથી પહેલાં હું મારા દિગ્દર્શકનું સન્માન કરું છું, તેને મારી સામે બેસાડું છું અને કહું છું પહેલાં તમે મારું કામ જુઓ, એ બરાબર છે. તેમને બધું બરાબર લાગે- યોગ્ય લાગે તેમ છતાં હું મારા પાત્રને વધુ સારી રીતે ભજવવા માટે સતત પ્રયત્નરત રહું છું, મહેનત કરતી રહું છું, જેથી પ્રેક્ષકોની તાલીઓનો ગડગડાટ મારા કાન સુધી સતત પહોંચતો રહે. આ તાલીઓ જ મારામાં આત્મવિશ્વાસનો સંચાર કરે છે. 


તમને બાળપણથી જ થિયેટર માટે આટલો બધો પ્રેમ છે?

હા, કારણ કે ઘરનું વાતાવરણ પહેલેથી જ આર્ટિસ્ટિક રહ્યું છે. પિતાજી ગ્રામોફોન લગાવીને સાયગલ અને સન્યાલનાં ગીતો સાંભળતા. આ ગીતોના સંગીત અને શબ્દો અમારા કાનમાં ગુંજતા રહેતા. ઘરનું વાતાવરણ હંમેશાંથી ઉત્સાહભરેલું રહેતું. પિતાજીના મૃત્યુ બાદ હું બાળકલાકાર તરીકે કામ કરવા લાગી. એ સમયના મારા અભિનય અને ગીતો પરથી મને લાગતું કે હું જે કાંઈ કરી રહી છું એ બધું બરાબર કરી રહી છું. સાચું કરી રહી છું.

મેં ક્યારેય ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ નથી લીધી, પણ શાંતા આપ્ટેએ જ્યારે મને પેટીના સ્વરમાં ગાતા સાંભળી તો તેઓ ખુશ થઈ ગયાં. ગાયન શીખવવા માટે તેઓ મને તેમના બંગલા પર બોલાવતી, કારણ કે મારી પાસે કંઈક એવી ખૂબી હતી, જેને એ લોકોએ ઓળખી હતી. હું બધા જ ગાયકોને સાંભળતી. પંડિત ભીમસેન જોશીને સાંભળવા મને ગમતું. નૂરજહાં પણ ગમતાં. તેમનાં ગીતો સાંભળીને જ હું ગાતી વખતે હરકત(મુરકી) લેતાં શીખી ગઈ. ગીત ગાતી વખતે હરકતો લેવી મારા માટે સરળ બની ગઈ. ગાયકોને ધ્યાનથી સાંભળવા એ જ મારી બેઝિક ટ્રેનિંગ હતી , એ કારણથી હું ક્યારેય સંગીતમાં પાછળ નહોતી રહી. એ દિવસોમાં સંંગીત નાટકો જ પ્રચલિત હતાં. મને ગાતા પણ આવડતું, એટલે મને કામ મળવામાં પણ સરળતા થઈ ગઈ.

મારા અભિનયમાં પ્રગલ્ભતા(ઊંડાણ) હતી, પણ તેને આકાર આપવાનું કામ મારા પતિ પ્રવીણ જોશીએ કર્યું. જે વસ્તુ કલાકાર ૪૦ વર્ષ પછી પણ ના શીખી શકે, એ તેમણે મને ૧૪ વર્ષમાં શીખવાડ્યું. તેઓ મને કહેતા કે હું જ્યારે સોફિયા લોરેનનો અભિનય જોઉં છું ત્યારે તું મને દુનિયાની બીજા કે ત્રીજા નંબરની અભિનેત્રી લાગે છે. એમની વાતો પર હું હસતી, પણ હું એ બધી જ નામાંકિત અભિનેત્રીઓ વિશે જાણવાનો પ્રયત્ન પણ કરતી. મારી અંગ્રેજી બહુ સારી નહોતી, પણ હું સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરતી.

એ સમયે પ્રવીણ ને કહેતા કે તું આ બધામાં પડવાનું બંધ કર અને માત્ર ને માત્ર સરિતાને યાદ રાખ, કારણ કે સરિતા જોશી એ મેથડ જ કંઈક અલગ છે. સાંભળી તો તેઓ ખુશ થઈ ગયાં. ગાયન શીખવવા માટે તેઓ મને તેમના બંગલા પર બોલાવતી, કારણ કે મારી પાસે કંઈક એવી ખૂબી હતી, જેને એ લોકોએ ઓળખી હતી. હું બધા જ ગાયકોને સાંભળતી. પંડિત ભીમસેન જોશીને સાંભળવા મને ગમતું. નૂરજહાં પણ ગમતાં. તેમનાં ગીતો સાંભળીને જ હું ગાતી વખતે હરકત(મુરકી) લેતાં શીખી ગઈ. ગીત ગાતી વખતે હરકતો લેવી મારા માટે સરળ બની ગઈ. ગાયકોને ધ્યાનથી સાંભળવા એ જ મારી બેઝિક ટ્રેનિંગ હતી , એ કારણથી હું ક્યારેય સંગીતમાં પાછળ નહોતી રહી. એ દિવસોમાં સંંગીત નાટકો જ પ્રચલિત હતાં. મને ગાતા પણ આવડતું, એટલે મને કામ મળવામાં પણ સરળતા થઈ ગઈ.

મારા અભિનયમાં પ્રગલ્ભતા(ઊંડાણ) હતી, પણ તેને આકાર આપવાનું કામ મારા પતિ પ્રવીણ જોશીએ કર્યું. જે વસ્તુ કલાકાર ૪૦ વર્ષ પછી પણ ના શીખી શકે, એ તેમણે મને ૧૪ વર્ષમાં શીખવાડ્યું. તેઓ મને કહેતા કે હું જ્યારે સોફિયા લોરેનનો અભિનય જોઉં છું ત્યારે તું મને દુનિયાની બીજા કે ત્રીજા નંબરની અભિનેત્રી લાગે છે. એમની વાતો પર હું હસતી, પણ હું એ બધી જ નામાંકિત અભિનેત્રીઓ વિશે જાણવાનો પ્રયત્ન પણ કરતી. મારી અંગ્રેજી બહુ સારી નહોતી, પણ હું સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરતી. એ સમયે પ્રવીણ ને કહેતા કે તું આ બધામાં પડવાનું બંધ કર અને માત્ર ને માત્ર સરિતાને યાદ રાખ, કારણ કે સરિતા જોશી એ મેથડ જ કંઈક અલગ છે.


તમે પોતે મરાઠી ભાષી છો. તો પછી ના કેમ પાડી?

મેં ત્રણ મરાઠી નાટકોમાં કામ કર્યું છે. સતીષ દુભાષીનું ધુમ્મસ નાટક કરી રહી હતી ત્યારે તેઓ વારંવાર મારી મરાઠી ભાષા સાંભળીને ઇશારો કરતા કે તમારી બોલીમાં ગુજરાતી લહેકો આવી રહ્યો છે. તમે ડાયલોગ મરાઠી ઢબમાં બોલો. મારા પિયરમાં અને મારા ઘરમાં આજે પણ મરાઠી ભાષામાં જ વાત થાય છે, પણ ગુજરાતીની વાત કરું તો મેં એને ઘોળીને પી લીધી છે. હું અન્ય કોઈ ભાષા ગુજરાતી ભાષા જેટલી સાહજિકતાથી નથી બોલી શકતી. મને ગળથૂથીમાં ગુજરાતી ભાષા મળી છે એમ કહું તો ચાલે. 


તમે કહો છો કે તમે ઘરમાં મરાઠી બોલતાં હતાં. બાળપણમાં હિન્દી નાટકોમાં કામ કર્યું તો પછી ગુજરાતી ભાષા કેવી રીતે બોલવા લાગ્યા?

વડોદરાના ઘરમાં અને ઘરની આસપાસ અમે મરાઠીમાં જ બોલતા. એ દિવસોમાં વડોદરામાં મરાઠી ભાષી લોકોની બોલબાલા હતી. હું સાઇકલ પર માર્કેટનું રાઉન્ડ મારવા નીકળતી, ત્યારે માર્કેટમાં ચૌહાણની દુકાનમાં રમણલાલ ભજિયાવાળા પાસે ભજિયા લેવા જતી. ત્યાં વાત કરતાં કરતાં જે ગુજરાતી શબ્દો કાને પડતાં તે સાંભળતા સાંભળતા હું ગુજરાતી ભાષા શીખી ગઈ.

રમણલાલ કાકા અમને બાળકોને ગુજરાતીમાં બહુ ધમકાવતા. તેઓ કહેતા કે તમે બહુ ભજિયા ખાવ છો. ગળું ખરાબ થઈ જશે. તમારી મમ્મીને તમારી ફરિયાદ કરીશ. અમે પણ સામે તેમને ખૂબ ચીડવતા. એ દિવસોની મજા જ કંઈક અલગ હતી.

અમે ઝાડ પર ચઢતા. મેદાનમાં રમતાં. દોડતા-મસ્તી કરતા. નાટક-નાટક રમતાં. અમારા માટે બહાર ખાવા માટે બહુ વેરાયટી નહોતી, પણ કયા તહેવારમાં કઈ મીઠાઈ બનશે તે પહેલેથી જ નક્કી રહેતું. તહેવારોની રાહ પણ એટલે જ જોવાતી કે આ વખતે જમવામાં શું બનશે, માલપૂઆ ક્યારે બનશે, શીરો-પૂરી ક્યારે બનશે અથવા દિવાળીમાં શું બનાવવામાં આવશે. બધાને ખબર જ રહેતી.

ઘરમાં બધા સાથે મળીને મસ્તી અને ખુશીથી સાથે જમવાનો આનંદ ઉઠાવતા. જીવનમાં એક ઉત્સાહ હતો. એ જ ઉત્સાહ અમારા કામમાં દેખાતો. રંગદેવતા એટલે કે ઈશ્વર. જેના માટે મૂર્તિપૂજાની કોઈ આવશ્યકતા નહોતી. અમે તેનું સન્માન કરતા. નમીને પ્રણામ કરતા. આજે પણ હું જ્યારે સ્ટેજ પર જઉં છું તો સૌથી પહેલાં નમીને આદર સાથે રંગદેવતાને પ્રણામ કરું છું. 


તમને થિયેટર માટે ઘણો પ્રેમ છે તો પછી સિરિયલમાં કેવી રીતે આવ્યા. બંને વચ્ચે શો ફેર છે?
 
બંને જગ્યાએ કામ એકસરખું જ છે,  અભિનય. સિરિયલોમાં કામ કરવું એટલે જેને મોટા પડદા પર કામ કરવાની તક ન મળી હોય તેમના માટે ટીવીનું માધ્યમ ફિલ્મોમાં પ્રવેશવાની તક આપે છે. એમ કહી શકાય કે ફિલ્મમાં કામ કરવા માટે સિરિયલ એ દરવાજાનું કામ કરે છે, જે કલાકારના અભિનયને ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરે છે. તેનો પ્રતિસાદ ઝડપથી મળે છે અને સૌથી મહત્ત્વની વાત એ કે તેમાં પૈસા પણ સારા મળે છે. જો અમે અભિનયના વ્યવસાયમાં હોઈએ તો એક કલાકાર અને તેના પરિવારને સારી જિંદગી આપવા માટે પૈસા પણ એટલા જ મહત્ત્વના છે.

મેં નાટકમાં કામ કરવા માટે પણ હંમેશાંથી સારા રૃપિયા મળે તેવો જ આગ્રહ રાખ્યો, કારણ કે મારે મારી અને મારા બાળકોની લાઇફ વેલ સેટલ્ડ રાખવી હતી. તેથી મેં સિરિયલોમાં પણ કામ કર્યું. ટીવીના પડદા પર પણ મારું કામ વખણાયું. મેં દૂરદર્શન પર ૧૩ એપિસોડની એક સિરિયલ - તિતલિયાં કરી તો દર્શકોએ તેને પણ વખાણી. એ સિરિયલના લેખક હતા કુસુમ બંસલ, એ રાઇટર કશુંક હટકે લખતી. કશ્મકશને દર્શકોએ પસંદ કરી.

જ્યારે જે.ડી. મજેઠિયા મારી પાસે બા, બહુ ઔર બેબીનો પ્રસ્તાવ લઈને આવ્યા તો દર્શકોને એ સિરિયલ પણ પસંદ પડી. આજે જ્યારે હું સિરિયલમાં મારું કામ જોઉં છું તો મને હેરાની થાય છે કે હું મેં આટલો સારો અભિનય કર્યો છે. સિરિયલને કારણે મને મારો અભિનય સમજમાં આવે છે, કારણ કે હું તેને જોઉં છું. જોકે, મેં કેટલીક ફિલ્મો પણ કરી છે, પણ સિરિયલો થકી હું ઘર-ઘરમાં જાણીતી બની અને દર્શકોએ મને પસંદ કરી. 

તમે તમારી દીકરી કેતકીને ડૉક્ટર બનાવવા ઇચ્છતા હતાં. તે પણ અભિનયના ક્ષેત્રમાં આવી અને હવે તેમની દીકરી રિદ્ધિ પણ આ ક્ષેત્રમાં છે?

કેતકી સાયન્સમાં ખૂબ સારી હતી. ફ્રેન્ચ ભાષા પણ સારી આવડતી. તેને મોટા ભાગની ભાષાઓનું જ્ઞાન છે. તે ખૂબ વાંચતી. વૈચારિક દૃષ્ટિએ તે ખૂબ સક્ષમ છે. તેથી મને લાગતું કે તે ડૉક્ટર બનશે અથવા કોઈ એક વિષય પસંદ કરીને એ ક્ષેત્રમાં આગળ વધશે, પણ ઘરનો માહોલ એવો હતો કે તે અભિનયના ક્ષેત્રમાં જ આવી. રિદ્ધિને પહેલેથી અભિનયનો શોખ. હમણાથી રિદ્ધિએ થિયેટર કરવાનું ઓછું કર્યું છે. એ કહે છે કે, નાની તમે અને મમ્મીએ જે પ્રકારનું કામ કર્યું છે એ પ્રકારનાં નાટકોના પ્રયોગો હવે ઓછા થઈ ગયા છે. જ્યારે એ પ્રકારનું કોઈ નાટક આવશે તો હું કામ કરીશ. 

તમે તમારા પ્રેક્ષકોને શું કહેવા ઇચ્છશો?

હું મારા પ્રેક્ષકોની ખૂબ આભારી છું. તેમણે હંમેશાંથી મારા અભિનયનો આદર કર્યો છે. મને પ્રેમ આપ્યો. ખુશી આપી. ભગવાનની હંમેશાંથી મારા પર કૃપા બની રહે કે હું મારા અભિનય થકી મારા દર્શકોને ખુશ રાખું. આજે પણ હું સખુબાઈ નામનું નાટક કરું છું, જેને જોવા માટે પ્રેક્ષકોની ભીડ ઊમટે છે. વન વુમન શૉ પણ પ્રેક્ષકોને પસંદ પડે છે. મારા પ્રેક્ષકો મને આ રીતે જ પ્રેમ કરતા રહે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Padma Shri Sarita Joshi actress એક્ટ્રેસ પદ્મ શ્રી સરિતા જોશી entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ