ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત ટ્રાફિક પોલીસના 4 જવાનો દારુના જથ્થા સાથે ઝડપાયા, દમણથી દારુ પીને આવતાં પોલીસ સાથે કરી માથાકૂટ
Last Updated: 04:34 PM, 19 October 2026
ADVERTISEMENT
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. નવસારી એલસીબી પોલીસે નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન દમણથી દારૂ પીને કારમાં દારૂનો જથ્થો લઈને આવતા સુરત ટ્રાફિક પોલીસના ૪ જવાનો અને ૧ ખાનગી વ્યક્તિને ઝડપી પાડ્યા છે. નશામાં ધૂત આ પોલીસકર્મીઓએ તપાસ કરનાર એલસીબીની ટીમ સાથે માથાકૂટ કરી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસે નાકાબંધી કરી તમામની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
કારમાંથી મળી દારુની બોટલો
નવરાત્રીના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવસારી પોલીસ દ્વારા હાઈવે પર સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એલસીબી પીઆઈ જાડેજા અને તેમની ટીમને એન્થલ ગામની સીમમાં નેશનલ હાઈવે પર એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર જોવા મળતા તેને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા અંદરથી બિયર, વોડકા અને વ્હિસ્કી સહિત દારૂની બોટલો મળી આવી હતી.
ADVERTISEMENT
પોલીસ સાથે કરી માથાકૂટ
કારમાંથી દારૂ મળી આવતા એલસીબીના કોન્સ્ટેબલ તાહીર અલી અને ટીમ જ્યારે કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે કારમાં સવાર નશામાં ધૂત લોકોએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી. ફરજમાં રોકાવટ કરી અને ધક્કામુક્કી કરીને તેઓ ત્યાંથી કાર લઈને ભાગી છૂટ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ નવસારી પોલીસે તુરંત જ નાકાબંધી કરી અને વેસ્મા ચાર રસ્તા પાસેથી તેમને ઘેરીને ઝડપી લીધા હતા.
ADVERTISEMENT
દમણથી દારૂ પીને પાછા આવતાં પકડાયા
ADVERTISEMENT
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓમાં અંકિત દેવડા, પિન્ટુભાઈ ડુંગાઈશા, દીતાભાઈ ચૌહાણ અને રાહુલકુમાર ધ્રાંગી - આ ચારેય સુરત શહેર રિજિયન-૨ ટ્રાફિક શાખામાં ફરજ બજાવે છે. જ્યારે તેમની સાથે દેવરાજભાઈ રબારી નામનો ખાનગી માણસ પણ હાજર હતો. આ તમામ લોકો 18 તારીખે દમણ ગયા હતા અને સાંજે દારૂ પીને પરત ફરી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹૩૫,૫૫૦ ની કિંમતની ૬૪ દારૂની બોટલો જપ્ત કરી છે. હાલ પોલીસે તમામ વિરુદ્ધ રાયોટિંગ, ફરજમાં રોકાવટ અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ૧ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેઓ ચાલુ નોકરીએ દમણ ગયા હતા કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો