બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:26 AM, 11 February 2026
ડિજિટલ દુનિયામાં ઝડપથી વધી રહેલા ડીપફેક અને AI દ્વારા બનાવવામાં આવતા ભ્રામક કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકાર હવે વધુ કડક વલણ અપનાવી રહી છે. સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ પર ખોટી માહિતીના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને સરકારએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021માં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ નવા સુધારેલા નિયમો 20 ફેબ્રુઆરી 2026થી સમગ્ર દેશમાં લાગુ થશે.
ADVERTISEMENT

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી અધિસૂચના અનુસાર, હવે AI અને એલ્ગોરિધમના માધ્યમથી તૈયાર થતી સામગ્રીને સ્પષ્ટ રીતે “સિંથેટિકલી જનરેટેડ ઇન્ફોર્મેશન” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તેમાં એવા ઓડિયો, વિડિયો, ફોટા અથવા અન્ય ડિજિટલ ફોર્મેટનો સમાવેશ થાય છે, જે દેખાવમાં સંપૂર્ણપણે વાસ્તવિક લાગે અને સામાન્ય વ્યક્તિ તેને સાચું માની શકે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ, ઘટના અથવા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવે, ત્યારે તેને ગંભીર ગુનો ગણવામાં આવશે.
ADVERTISEMENT
નવા નિયમો હેઠળ સૌથી મોટો ફેરફાર સમયમર્યાદાને લઈને થયો છે. જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ગેરકાયદે અથવા ભ્રામક AI કન્ટેન્ટ વિશે જાણ થાય, તો તેને હવે 36 કલાકની જગ્યાએ માત્ર ત્રણ કલાકની અંદર તે કન્ટેન્ટ દૂર કરવું ફરજિયાત રહેશે. સરકારનું માનવું છે કે ઝડપથી ફેલાતી ખોટી માહિતી રોકવા માટે આટલી ઝડપી કાર્યવાહી જરૂરી છે, નહીં તો નુકસાન અપરિવર્તનીય બની શકે છે.

ADVERTISEMENT
કાયદા અને વ્યવસ્થાને લગતી માહિતી માટે પણ હવે વધુ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આવા મામલામાં માત્ર ડીઆઈજી અથવા તેનાથી ઉચ્ચ સ્તરના અધિકારી દ્વારા જ સત્તાવાર સૂચના આપી શકાશે. આ પગલાનો ઉદ્દેશ ખોટી ફરિયાદો અને ગેરમાર્ગે દોરતી જાણકારીને અટકાવવાનો છે.
સરકારે ડિજિટલ પ્લેટફોર્મને આદેશ આપ્યો છે કે તેઓ દર ત્રણ મહિને પોતાના યુઝર્સને લાગુ પડતા નિયમો અને કાયદાઓ અંગે સ્પષ્ટ ચેતવણી આપે. યુઝર્સને આ પણ જણાવવાનું રહેશે કે AIથી બનાવેલી ગેરકાયદે અથવા અપમાનજનક સામગ્રી શેર કરવાથી IT એક્ટ, ભારતીય ન્યાય સંહિતા 2023, POCSO એક્ટ, જનપ્રતિનિધિત્વ કાયદા અને મહિલાઓના અશોભનીય ચિત્રોના પ્રતિબંધ સંબંધિત કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે.
ADVERTISEMENT

નવા નિયમો અનુસાર AI કન્ટેન્ટની ઓળખ હવે અનિવાર્ય બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયા કંપનીઓએ એવા ટેક્નિકલ ટૂલ્સ લાગુ કરવા પડશે, જે AIથી બનેલી સામગ્રીને ઓળખી શકે. આ પ્રકારના કન્ટેન્ટ પર સ્પષ્ટ લેબલ હોવું જરૂરી રહેશે અને તેમાં સ્થાયી ડિજિટલ ઓળખ અથવા મેટાડેટા જોડવું પડશે, જેને દૂર કરી શકાશે નહીં. આ વ્યવસ્થા દ્વારા કન્ટેન્ટની ટ્રેસેબિલિટી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેટલાક કામોને સિંથેટિક કન્ટેન્ટ ગણવામાં આવશે નહીં. જેમ કે સામાન્ય એડિટિંગ, કલર કરેકશન, ટેક્નિકલ સુધારા, અનુવાદ અથવા દસ્તાવેજ તૈયાર કરવાના કાર્યો, જો તે ભ્રામક અથવા નકલી રેકોર્ડ બનાવવાના હેતુથી કરવામાં ન આવ્યા હોય. એટલે કે ક્રિએટિવ અથવા પ્રોફેશનલ ઉપયોગ માટે AIનો યોગ્ય ઉપયોગ હજુ પણ માન્ય રહેશે.
નિયમોમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે એવા AI કન્ટેન્ટને તરત રોકવામાં આવશે, જેમાં બાળકોના યૌન શોષણની સામગ્રી, બિનસંમતિથી બનાવેલા ખાનગી અથવા અપમાનજનક ફોટા-વિડિયો, નકલી દસ્તાવેજો, હથિયાર કે હિંસા સંબંધિત સામગ્રી અથવા કોઈ વ્યક્તિ કે ઘટનાનું ડીપફેક પ્રેઝન્ટેશન સામેલ હોય.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી પણ હવે ઘણી વધી ગઈ છે. પ્લેટફોર્મને યુઝર્સ પાસેથી સ્પષ્ટ જાહેરાત લેવડાવવી પડશે કે તેઓ જે કન્ટેન્ટ શેર કરે છે તે AIથી તૈયાર છે કે નહીં. સાથે જ કંપનીઓએ ટેક્નિકલ રીતે તેની પુષ્ટિ પણ કરવી પડશે. જો નિયમોનું પાલન નહીં થાય, તો સંબંધિત પ્લેટફોર્મને મળતી કાનૂની સુરક્ષા પણ સમાપ્ત થઈ શકે છે.
સરકારએ આ સુધારાઓમાં ભારતીય દંડ સંહિતાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા 2023નો સમાવેશ કર્યો છે, જેથી નવા ફોજદારી કાયદાઓ સાથે સુસંગતતા જળવાઈ રહે. સરકારનું માનવું છે કે આ નવા નિયમો દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ફેલાતી ખોટી ખબર, ડીપફેક અને ભ્રામક પ્રચાર પર અસરકારક નિયંત્રણ આવશે અને ઓનલાઈન સુરક્ષા વધુ મજબૂત બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.