ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ‘બિલોંગિંગઃ અ જર્ની ઓફ લવ’માં બચ્ચન પરિવારથી PM મોદી સુધીનો ઉલ્લેખ, કોના વિશે રહ્યા મૌન?
Last Updated: 04:33 PM, 12 November 2026
ADVERTISEMENT
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના આત્મકથાત્મક સંસ્મરણોનું પુસ્તક ‘બિલોંગિંગઃ અ જર્ની ઓફ લવ’ (Belonging: A Journey of Love) મંગળવારે બજારમાં આવ્યા બાદ ચર્ચામાં છે. ત્યારથી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં તેની ચર્ચા શરૂ થઈ છે. પુસ્તકનો મોટો હિસ્સો રાજકારણમાં પ્રવેશ પહેલાંના તેમના જીવન પર આધારિત છે. 2004માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદના સમયગાળાને તેમાં માત્ર ટૂંકમાં આવરી લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સોનિયા ગાંધી ભારતમાં આવ્યા બાદ લગભગ ત્રણ દાયકા પછી કોંગ્રેસના નેતૃત્વમાં આવ્યાં હતાં. તે પહેલાં તેઓ હંમેશાં કહેતાં હતાં કે તેમને રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા નથી. પુસ્તકના કવર પરનો ફોટો પણ ખાસ છે. આ તસવીર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ત્યારે ખેંચી હતી, જ્યારે બંને યુકેમાં અભ્યાસ કરતાં હતાં.
બચ્ચન પરિવારનું નામ પુસ્તકમાં
ADVERTISEMENT
એક સમયે ગાંધી પરિવારના નિકટ હતા તેવા અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ પુસ્તકમાં માત્ર ત્રણ વખત આવ્યું છે, જ્યારે તેમનાં પત્ની જયા બચ્ચનનો કોઈ ઉલ્લેખ નથી. રાજીવ ગાંધીની હત્યા બાદ બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચેના સંબંધો બગડ્યા હોવાનું કહેવાય છે. જોકે, અમિતાભનાં માતા-પિતા હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચનનો સોનિયાએ અનેક વખત ઉલ્લેખ કર્યો છે.
1968માં ઇટાલીથી ભારત આવ્યા બાદ સોનિયા શરૂઆતના દિવસોમાં બચ્ચન પરિવારના ઘરે રહ્યાં હતાં. ઇન્દિરા ગાંધી અને હરિવંશ રાય-તેજી બચ્ચન વચ્ચે મિત્રતા હતી. સોનિયા બીમાર પડ્યાં ત્યારે તેજી બચ્ચને તેમની સંભાળ રાખી હતી. જન્મના થોડા કલાકોમાં જ પ્રથમ પુત્ર ગુમાવ્યા બાદ તેજી બચ્ચને તેમને એક ગલૂડિયું ભેટ આપ્યું હતું. હરિવંશ રાય બચ્ચન તેમને હિન્દી શીખવતા અને સલાહ પણ આપતા હતા.
ADVERTISEMENT
હરિવંશ રાયે તેમને કહ્યું હતું કે આ દેશમાં તમે કોણ છો તેના કરતાં લોકો તમને શું માને છે તે વધુ મહત્ત્વનું છે. સોનિયાએ લખ્યું છે કે આ શબ્દો તેમને ત્યારે મૂંઝવતા હતા, પરંતુ વર્ષો બાદ તેમને સમજાયું કે જાહેર જીવનમાં લોકોની ધારણા કેટલી મહત્ત્વની હોય છે.
અમિત શાહનો અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો કોઇ ઉલ્લેખ નહીં
ADVERTISEMENT
બીજી તરફ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગૃહમંત્રી અમિત શાહનો પુસ્તકમાં ઉલ્લેખ નથી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વિશે સોનિયાએ સન્માન અને લાગણી વ્યક્ત કરી છે. 2001માં સંસદ પર આતંકી હુમલો થયો ત્યારે તેમણે વાજપેયીની સુરક્ષાની ચિંતા કરીને તરત ફોન કર્યો હતો. વાજપેયીએ સુરક્ષિત હોવાની ખાતરી આપતાં તેમને રાહત થઈ હતી. વાજપેયીએ સાથીઓને કહ્યું હતું કે સોનિયાનો ફોન સૌથી પહેલાં આવ્યો હતો.
2002માં સંસદના વિશેષ સત્ર દરમિયાન વાજપેયી સાથે થયેલી ઉગ્ર બોલાચાલીનો ઉલ્લેખ કરતાં સોનિયાએ સ્વીકાર્યું છે કે તેમણે તેમની ટીકા થોડી વધારે આકરી કરી હતી. વાજપેયીની તબિયત બગડતી જોઈને તેમને લાગ્યું હતું કે તેઓ વરિષ્ઠ નેતા અને વડાપ્રધાન હોવાથી વધુ સંયમ રાખવો જોઈતો હતો.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી સાથેના સંબંધો વિશે સોનિયાએ લખ્યું છે કે આજ સુધી તેમની સાથે ખાસ કોઈ અંગત વાતચીત થઈ નથી. સંસદનાં સત્રના અંતે સ્પીકરની ચેમ્બરમાં મળવાનું થાય ત્યારે બંને ઔપચારિક નમસ્તે કરે છે. મોદી ઘણીવાર આંખનો સંપર્ક ટાળીને બીજી તરફ જોતા હોવાનું પણ તેમણે લખ્યું છે. સંસદમાં મોદી વિપક્ષની ટીકા કરવા માટે જાહેર સભાઓમાં વાપરે છે તેવી આકરી ભાષાનો ઉપયોગ કરતા હોવાનો પણ સોનિયાનો આરોપ છે.
1975થી 1977 દરમિયાન લાગુ કરાયેલી કટોકટી વખતે મૂળભૂત અધિકારો સ્થગિત કરાયાની વાત સોનિયાએ સ્વીકારી છે. આ સમયગાળામાં ઇન્દિરા ગાંધીને પોતાની અને પરિવારની સુરક્ષાની ચિંતા હતી. બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન મુજીબુર રહેમાન અને તેમના નવ વર્ષના બાળક સહિત પરિવારની હત્યાનો ઉલ્લેખ કરતાં સોનિયાએ લખ્યું છે કે આ હત્યા ભારતના સ્વતંત્રતા દિવસના દિવસે થઈ હોવાથી ઇન્દિરા ગાંધીને પોતાના પરિવાર સાથે પણ આવું થઈ શકે તેવી આશંકા હતી.
ADVERTISEMENT
ઇન્દિરા ગાંધીની હત્યા વિશે
કટોકટી દરમિયાન જેલમાં રહેલા ટ્રેડ યુનિયન નેતા જ્યોર્જ ફર્નાન્ડિસ ઇન્દિરા ગાંધીની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હોવાની તેમને શંકા હતી. સોનિયાના મતે કટોકટી દરમિયાન થયેલા અતિરેક માટે સંજય ગાંધીની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, જોકે તેમની પાસે કોઈ બંધારણીય સત્તા નહોતી. મેનકા ગાંધી સંજયને રોકવાને બદલે પ્રોત્સાહન આપતાં હતાં તેવી ઇન્દિરા ગાંધીને ચિંતા હતી. ઇન્દિરાએ કેબિનેટ સચિવ પી.એન. ધરને મેનકા વિશે કહ્યું હતું, “ઉસકે અભી સે પર નિકલને લગે હૈં”, બીજી તરફ, રાજીવ ગાંધીએ કટોકટી લાદવાના નિર્ણય સામે માતાને ચેતવ્યા હતા અને લોકોમાં તેના કારણે નારાજગી વધી રહી હોવાનું પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદ અંગે કર્યો બચાવ
અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદ અંગે સોનિયાએ રાજીવ ગાંધીનો બચાવ કર્યો છે. તેમના મતે રાજીવનો હેતુ કાયદેસર અને બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન શોધવાનો હતો, જેથી મસ્જિદને નુકસાન પહોંચાડ્યા વિના મંદિર બની શકે. જોકે, રાજીવના વડાપ્રધાનકાળમાં જ મસ્જિદનાં તાળાં ખોલવામાં આવ્યાં હતાં અને હિન્દુ શ્રદ્ધાળુઓને પૂજાની મંજૂરી મળી હતી. 1989માં રાજીવ વડાપ્રધાનપદ ગુમાવ્યું હતું અને 1991માં લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE)ના આતંકીએ તેમની હત્યા કરી હતી. તેના એક વર્ષથી થોડા વધુ સમય બાદ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
1998માં સીતારામ કેસરીને કોંગ્રેસ અધ્યક્ષપદેથી હટાવી સોનિયા ગાંધીને પ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં. આ મુદ્દે તેમણે લખ્યું છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ સર્વાનુમતે નેતૃત્વ બદલવાનો નિર્ણય કર્યો હતો. 14 માર્ચ, 1998ના રોજ તેઓ પ્રમુખ બન્યાં હતાં. બેઠક બાદ તેઓ સીધાં કેસરીના ઘરે ગયાં હતાં અને વડીલના આશીર્વાદ મેળવવા તેમના પગે લાગ્યાં હતાં.
જીત બાદ સોનિયાએ વડાપ્રધાન બનવાનો ઇનકાર કર્યો
2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએની જીત બાદ સોનિયાએ વડાપ્રધાન બનવાનો ઇનકાર કર્યો હતો. જોકે, પુસ્તકમાં તેમણે ખુલાસો કર્યો છે કે શરૂઆતમાં તેઓ આ જવાબદારી સ્વીકારવા તૈયાર થયાં હતાં. સાથી પક્ષોના નેતાઓએ એક કલાકથી વધુ સમય સુધી તેમને મનાવ્યાં હતાં. અંતે તેમણે ‘ઠીક હૈ’ કહી સંમતિ આપી હતી. જોકે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દરમિયાનગીરી કરીને તેમને નિર્ણય બદલવા સમજાવ્યાં હતાં. ત્યારબાદ મનમોહન સિંહને વડાપ્રધાન બનવા મનાવવામાં આવ્યા હતા.
મનમોહન સિંહની પસંદગી પાછળનું કારણ જણાવતાં સોનિયાએ લખ્યું છે કે કોંગ્રેસને ડાબેરી પક્ષો તરફ ઝુકાવ ધરાવતી પાર્ટી તરીકે રજૂ કરવામાં આવી રહી હતી અને સરકારને સામ્યવાદી પક્ષોનું પણ સમર્થન મળવાનું હતું. મનમોહન સિંહની પસંદગીથી સરકારની આર્થિક નીતિઓ અને વહીવટ સંભાળવાની ક્ષમતા અંગેની શંકાઓ દૂર થઈ શકે તેમ હતું.
મમતા બેનર્જી અને માયાવતીનાં કર્યા વખાણ
સોનિયાએ ઇન્દિરા ગાંધી સાથે પોતાની સરખામણી કરતાં લખ્યું છે કે વડાપ્રધાન તરીકે સંસદમાં બોલતી વખતે ઇન્દિરા પણ શરૂઆતમાં ગભરાતાં હતાં. રાજકારણમાં પ્રવેશ્યા બાદ તેમને પણ આવી જ સ્થિતિનો અનુભવ થયો હતો. તેમણે રાજકીય વિરોધી હોવા છતાં મમતા બેનર્જી અને કુમારી માયાવતીનાં વખાણ કર્યાં છે. બંનેને પુરુષપ્રધાન રાજકારણમાં પોતાની ઓળખ બનાવનાર મહેનતુ અને કુશળ નેતા ગણાવ્યાં છે.
2024ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે સુનીતા કેજરીવાલ અને કલ્પના સોરેનનો પણ ઉલ્લેખ કર્યો છે. સુનીતા કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની છે, જ્યારે કલ્પના સોરેન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની છે. બંને મુખ્યમંત્રીઓ જેલમાં હતા ત્યારે તેમની પત્નીઓએ અચાનક પોતાના પક્ષોની જવાબદારી સંભાળવી પડી હતી.
સોનિયાએ લખ્યું છે કે સ્વતંત્રતા સંગ્રામના નેતાઓ જેલમાં હતા ત્યારે પણ તેમની પત્નીઓએ જવાબદારી સંભાળી હતી. પતિ જેલમાં હોય અથવા મુશ્કેલીમાં હોય ત્યારે પક્ષની જવાબદારી સંભાળવી મહિલાઓ માટે કેટલી મુશ્કેલ હોય છે તે તેઓ સમજી શકે છે. તેમણે બંને મહિલાઓને મળીને ભેટી પડી હતી અને સહાનુભૂતિ તથા પ્રોત્સાહન આપ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ