બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શારદાબેન હોસ્પિટલમાં હોબાળો, ડૉક્ટરની બેદરકારીથી દર્દીના મોતનો આરોપ
Last Updated: 02:39 PM, 22 June 2026
અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં પરિવારજનોએ ડૉક્ટરની બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર દર્દીને માત્ર ગેસની સમસ્યા હતી, તેમ છતાં ડૉક્ટર દ્વારા ઑપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારનો એવો પણ આરોપ છે કે દર્દીનું ઑપરેશન કરતા પહેલાં તેમની યોગ્ય મંજૂરી લેવામાં આવી નહોતી અને પરિવારને જાણ કર્યા વિના જ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
દર્દીના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. સાથે જ બેદરકાર ડૉક્ટર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને હોસ્પિટલ પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
બીજી તરફ શારદાબેન હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. હેતલ વોરાએ મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. ડૉ. હેતલ વોરાના જણાવ્યા અનુસાર દર્દી શુક્રવારે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે દર્દીને માત્ર ગેસની સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નહોતા.
ADVERTISEMENT
ડૉ. હેતલ વોરાના જણાવ્યા મુજબ દર્દીના પેટ પર પંખો પડ્યો હતો, જેના કારણે તેમના આંતરડામાં કાણું પડી ગયું હતું. આ ઈજાના કારણે દર્દીના આખા પેટમાં ગંભીર ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું. દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોની ટીમે જરૂરી સારવાર શરૂ કરી હતી અને ત્યારબાદ ઑપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
હોસ્પિટલ તંત્રનો દાવો છે કે દર્દી અને તેમના સંબંધીને સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ડૉક્ટરોએ દર્દીની તબિયત અને સારવાર અંગે સમજાવટ કર્યા બાદ જ ઑપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના જણાવ્યા અનુસાર સારવારની દરેક પ્રક્રિયા તબીબી ધોરણો મુજબ કરવામાં આવી હતી અને તેમાં કોઈ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી નહોતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદના S.G. હાઇવે પર અકસ્માતનો ખતરો વધ્યો, એક કિલોમીટરનો રસ્તો બન્યો બ્લેક સ્પોટ
ડૉ. હેતલ વોરાએ વધુમાં જણાવ્યું હતું કે ડૉક્ટરે ઑપરેશન કરવામાં બેદરકારી દાખવી હોવાનો આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને જ સારવાર અને સર્જરી કરવામાં આવી હતી. જોકે પરિવારજનો હોસ્પિટલના જવાબથી સંતુષ્ટ નથી અને સમગ્ર મામલે યોગ્ય તપાસ તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પર અડગ છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ પરિવારજનો ડૉક્ટરની બેદરકારીને દર્દીના મોત માટે જવાબદાર ઠેરવી રહ્યા છે, જ્યારે બીજી તરફ હોસ્પિટલ તંત્ર સારવારની પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવી હોવાનું કહી રહ્યું છે. હવે આ મામલે તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.