બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર મામલો, 7 સિનિયર રેસિડન્ટ ડૉક્ટરો સામે ફરિયાદ નોંધાઈ
Last Updated: 07:09 PM, 20 June 2026
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર મામલો સામે આવતા આખરે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસ દરમિયાન પ્રથમ વર્ષના રેસિડન્ટ ડૉક્ટરોને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે. આ મામલે બીજા વર્ષના 7 રેસિડન્ટ ડૉક્ટરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT

માહિતી મુજબ, પ્રથમ વર્ષના 13 રેસિડન્ટ ડૉક્ટરોને તેમના સિનિયરો દ્વારા લાંબા સમયથી વિવિધ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. આરોપ છે કે સિનિયર ડૉક્ટરો પીડિતોને આખી રાત ઓપરેશન થિયેટર (OT) અને વિવિધ વોર્ડની બહાર ઉભા રાખતા હતા. ઉપરાંત, તેમને હજારો વખત એક જ વસ્તુ લખાવવી, કૂકડા-મરઘા જેવી સજા કરાવવી અને તેના ફોટા તથા વીડિયો ઉતારવા જેવી અપમાનજનક હરકતો પણ કરવામાં આવતી હતી.
ADVERTISEMENT
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પીડિત ડૉક્ટરોને નિયમિત ઊંઘ અને ભોજનના સમયથી વંચિત રાખવામાં આવતા હતા. જાહેરમાં અપશબ્દો બોલી અપમાનિત કરવા ઉપરાંત તેમને રાત્રે 3 વાગ્યે બોલાવી ઉઠક-બેઠક કરાવવામાં આવતી હતી. આરોપીઓ દ્વારા વિવિધ પ્રકારની ધમકીઓ આપી સતત માનસિક દબાણ ઊભું કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

પીડિતોની રજૂઆત અને પોલીસ તપાસના આધારે સાતેય આરોપી ડૉક્ટરો સામે રેગિંગ સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ TET ફરજિયાતના નિર્ણય સામે અમદાવાદમાં પ્રાથમિક શિક્ષકોનો ઉગ્ર વિરોધ
આ ઘટનાએ મેડિકલ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ વિરોધી નિયમોના અમલીકરણ અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કોલેજ પ્રશાસન અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા પણ મામલાની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.