ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:52 AM, 16 October 2026
ADVERTISEMENT
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે એલન મસ્કની કંપની સ્ટારલિંક પ્રયાસ કરી રહી છે ત્યારે રિલાયન્સે પોતાના વલણથી સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કંપનીનું કહેવું છે કે બજારમાં નવી કંપનીઓ આવે તો તેને કોઈ વાંધો નથી પરંતુ દરેકે ભારતીય નિયમોનું પાલન કરવું પડશે. બીજી તરફ જિયોને પણ જરૂરી મંજૂરીની રાહ હોવાથી આ મામલે ટેલિકોમ ક્ષેત્રમાં ચર્ચા તેજ બની છે.
ADVERTISEMENT
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહેલી એલન મસ્કની કંપની સ્ટારલિંકને લઈને ટેલિકોમ ક્ષેત્રમાં ચર્ચા ચાલી રહી છે. મસ્કે આરોપ લગાવ્યો હતો કે ભારતમાં કેટલાક વ્યાવસાયિક હિતો તેમની કંપનીના પ્રવેશમાં અવરોધ ઊભા કરી રહ્યાં છે. આ આરોપો વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
ADVERTISEMENT
Starlink સાથે સ્પર્ધાથી ડરતું નથી Reliance સ્પષ્ટ કરી પોતાની ભૂમિકા! Relianceનું નિવેદન: સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં Starlink સહિત તમામ કંપનીઓની સ્પર્ધાને આવકારીએ છીએ. કાયદા અને સરકારી નિયમો દરેક ભારતીય-વિદેશી કંપની માટે સમાન હોવા જોઈએ; Jioની સેટેલાઇટ સેવાઓને પણ મંજૂરીની રાહ. Jioના 53 કરોડથી વધુ ગ્રાહકોનો ઉલ્લેખ કરી Relianceએ કહ્યું-સ્પર્ધા ગ્રાહકોની શ્રેષ્ઠ સેવા માટેની કસોટી છે. #Reliance #Jio #Starlink #SatelliteInternet #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 16, 2026
રિલાયન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે કંપનીએ ક્યારેય કોમ્પિટીશનથી ડર અનુભવ્યો નથી. તેના મતે કોમ્પિટીશન એ નક્કી કરવાની કસોટી છે કે ગ્રાહકોને વધુ સારી સેવા કોણ આપી શકે છે. કંપનીએ સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રે સ્ટારલિંક સહિત અન્ય કંપનીઓના પ્રવેશને આવકાર્યો છે. જોકે, આ ક્ષેત્રમાં કામ કરવા માગતી તમામ કંપનીઓએ ભારતીય કાયદા અને સરકારી નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું પણ સ્પષ્ટ કર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રિલાયન્સે પોતાના ટેલિકોમ બિઝનેસ જિયોનું ઉદાહરણ આપીને કોમ્પિટીશન અંગેનો પોતાનો અભિગમ સમજાવ્યો છે. કંપનીએ વર્ષ 2016માં ભારતીય ટેલિકોમ બજારમાં પ્રવેશ કર્યો ત્યારે તેની પાસે એક પણ ગ્રાહક નહોતો. કંપનીના જણાવ્યા અનુસાર, એક દાયકામાં જિયોના ગ્રાહકોની સંખ્યા 53 કરોડને પાર પહોંચી ગઈ છે.
રિલાયન્સનો દાવો છે કે જિયોએ દેશમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવામાં અને સામાન્ય નાગરિકો સુધી સસ્તા મોબાઇલ ડેટાની સુવિધા પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું છે. કંપનીએ પોતાના વિકાસનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કર્યું કે બજારમાં ટકી રહેવા માટે ગ્રાહકોને સારી સેવા આપવી જરૂરી છે. આ સાથે તેણે સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રે નવી કંપનીઓના પ્રવેશ સામે વાંધો ન હોવાનું પણ જણાવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્ટારલિંકને ભારતમાં વ્યાવસાયિક સેવાઓ શરૂ કરવાની મંજૂરી મળવા અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે રિલાયન્સે એક મહત્ત્વની વાત સામે મૂકી છે. કંપનીએ જણાવ્યું કે તેની પોતાની સેટેલાઇટ સંચાર સેવા જિયોને પણ જરૂરી સરકારી મંજૂરીઓની રાહ જોવી પડી રહી છે.
રિલાયન્સના જણાવ્યા અનુસાર, ભારતમાં સેટેલાઇટ આધારિત સંચાર સેવાઓ માટે અરજી કરનારી તમામ કંપનીઓને એકસરખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. દેશી હોય કે વિદેશી, દરેક કંપની માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે. કંપનીએ એમ પણ કહ્યું કે ભારતમાં નવા રોકાણ અને ટેક્નોલોજી આધારિત નવીનતાઓને આવકારવામાં આવે છે, પરંતુ તેના માટે કાયદાકીય માળખાની અંદર રહીને કામ કરવું પડે છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની એક્સપોર્ટ ડ્યૂટીમાં આજથી ફેરફાર,જાણો નવા દર અને તમારા ખિસ્સા પર શું થશે અસર?
સ્ટારલિંકના ભારતમાં પ્રવેશ અને મંજૂરીની પ્રક્રિયાને લઈને એલન મસ્કે ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં કોમ્પિટીશન અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે દેશમાં એકાધિકાર જેવી સ્થિતિને કારણે તેમની કંપની માટે બજારમાં પ્રવેશ મુશ્કેલ બની રહ્યો છે.
મસ્કે X પરની એક પોસ્ટમાં અંબાણીને સંબોધીને કટાક્ષ કર્યો હતો કે સ્ટારલિંકને ભારતમાં તેમની કંપની સાથે કોમ્પિટીશન કરવાની મંજૂરી આપવા અંગે વિચારવું જોઈએ. બીજી પોસ્ટમાં તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે શું અંબાણી જ ભારતના અસલી બોસ છે? મસ્કની આ ટિપ્પણીઓ બાદ રાજકીય ચર્ચા પણ શરૂ થઈ હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં મસ્કની વાત સાથે સહમતિ દર્શાવી હતી.
મસ્કના આરોપો વચ્ચે કેન્દ્ર સરકારે સેટેલાઇટ સંચાર ક્ષેત્રે કોઈ એક કંપનીનો એકાધિકાર નહીં રહે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં કોઈ એક કંપનીનું વર્ચસ્વ સ્થાપિત થાય તેવી સ્થિતિને મંજૂરી આપવામાં આવશે નહીં.
તેમના જણાવ્યા અનુસાર, વ્યાવસાયિક સેવાઓ શરૂ કરવા માટે ત્રણ કંપનીઓ અંતિમ મંજૂરીની પ્રક્રિયામાં હતી. સેટેલાઇટ સંચાર સેવાઓના દર નક્કી કરવા માટેના માળખા અંગે પણ અંતિમ નિર્ણય ટૂંક સમયમાં આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, સ્ટારલિંક સહિત લાઇસન્સ ધરાવતી તમામ કંપનીઓએ વ્યાવસાયિક સેવાઓ શરૂ કરતાં પહેલાં સુરક્ષા સંબંધિત જરૂરી શરતો પૂરી કરવી પડશે.
ભારતી એરટેલના સ્થાપક સુનીલ ભારતી મિત્તલે પણ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાની મંજૂરી અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમની કંપની યુટેલસેટ વનવેબે ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ અને સંચાર સેવાઓ શરૂ કરવા માટે લગભગ પાંચ વર્ષ પહેલાં અરજી કરી હતી.મિત્તલે જણાવ્યું હતું કે તેમની કંપનીનું ગ્રાઉન્ડ નેટવર્ક ત્રણ વર્ષથી તૈયાર છે, પરંતુ જરૂરી મંજૂરીઓની રાહ જોવી પડી રહી છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે મંજૂરીની પ્રક્રિયામાં તેમની કંપની એલન મસ્કની સ્ટારલિંક કરતાં આગળ છે. જો વનવેબને સ્ટારલિંક કરતાં થોડા દિવસ પહેલાં મંજૂરી મળે તો તેમને આનંદ થશે, તેમ તેમણે કહ્યું હતું.
સ્ટારલિંક, જિયો અને યુટેલસેટ વનવેબ જેવી કંપનીઓની હાજરીથી ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રે કોમ્પિટીશન વધવાની શક્યતા છે. જોકે, ગ્રાહકોને આ સેવાઓ ક્યારે અને કયા દરે મળશે તે જરૂરી સરકારી મંજૂરીઓ, સુરક્ષા સંબંધિત શરતો અને ભાવ નક્કી કરવાની પ્રક્રિયા પર નિર્ભર રહેશે. રિલાયન્સના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કંપની આ કોમ્પિટીશન માટે તૈયાર છે, પરંતુ તમામ કંપનીઓ માટે નિયમો સમાન હોવા જોઈએ તેવી તેની માગ છે.
સંકળાયેલા મુદ્દાઓ